showed the signifier    present  interruption  the ego successful  adelaide

સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલા

ઑસ્ટ્રેલિયનો ઍડિલેઇડની પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટમાં ક્યારેય નથી હાર્યા, પહેલી વાર તેમને પછાડવાનો ટીમ ઇન્ડિયાને મોકો છે ભારતીય ક્રિકેટરો ઑસ્ટ્રેલિયામાં ૪-૦થી બોર્ડર-ગાવસકર ટ્રોફી જીતવાના મનસૂબા સાથે આવ્યા છે અને એમાં સફળતા મળે કે ન મળે, પણ કોઈને કોઈ રીતે ઑસ્ટ્રેલિયનોનું ઘમંડ ભારતીયોએ તોડવાનું જ છે.

પર્થમાં ૨૯૫ રનના ઐતિહાસિક માર્જિનથી ભારતે વિજય મેળવ્યો અને હવે ઍડિલેઇડ ઓવલમાં તેમને પહેલી વાર પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટમાં પરાજય ચખાડીને તેમનો વધુ એક વાર અહંકાર તોડવાનો સમય આવી ગયો છે.

ઍડિલેઇડનું આ એ મેદાન છે જ્યાં ક્યારેય કોઈ દેશ ઑસ્ટ્રેલિયનોને પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટમાં હરાવી નથી શક્યો. સાત-સાત દિવસ/રાત્રિ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ વિજય જ માણ્યો છે, પણ આ વખતે પર્થના ‘૨૯૫ વૉટ’ના કરન્ટ બાદ હવે પૅટ કમિન્સની ટીમે ઍડિલેઇડમાં પણ પરાજય જોવો પડશે તો નવાઈ નહીં લાગે. દાયકાઓથી ભારતીય ખેલાડીઓ સામે સ્લેજિંગનું શસ્ત્ર અજમાવનાર કાંગારૂઓની ધરતી પર છેલ્લા દોઢ દાયકામાં ભારતીય ક્રિકેટરો જ્યારે પણ ટેસ્ટ-શ્રેણી રમવા આવ્યા છે ત્યારે તેમણે ઑસ્ટ્રેલિયન ક્રિકેટરોનું ઘમંડ કોઈને કોઈ રીતે તોડ્યું જ છે.


Also read: શ્રીલંકાએ 516 રનના તોતિંગ લક્ષ્યાંક સામે આટલા રનમાં ગુમાવી દીધી પાંચ વિકેટ…


૧૯૭૭માં ઑસ્ટ્રેલિયામાં ભારતે સૌપ્રથમ ટેસ્ટ વિજય મેલબર્નમાં મેળવ્યો હતો, ૨૦૦૮માં સિડનીમાં હરભજન સિંહ અને ઍન્ડ્રયૂ સાયમંડ્સને સાંકળી લેતા ‘મન્કીગેટ’ વિવાદ બાદ ભારતે પર્થની ખતરનાક પિચ પરની ટેસ્ટ ૭૨ રનથી જીતીને ઑસ્ટ્રેલિયન ટીમનો ઇગો તોડ્યો હતો. ૨૦૧૮માં ભારતે ઑસ્ટ્રેલિયનોને બે ઝટકા આપ્યા હતા. મેલબર્નમાં ભારતે ચેતેશ્ર્વર પુજારા (જે આ સિરીઝમાં પ્લેયર નહીં, પણ કૉમેન્ટેટરની ભૂમિકામાં છે)ની લાજવાબ ઇનિંગ્સ અને જસપ્રીત બુમરાહના વિનાશક પેસ આક્રમણની મદદથી ઑસ્ટ્રેલિયા સામે ૧૩૭ રનથી વિજય મેળવ્યો હતો. એ જ પ્રવાસમાં ઍડિલેઇડમાં ભારતે ફરી એકવાર પુજારાના પાવર અને રવિચન્દ્રન અશ્ર્વિનના સ્પિનના જાદુ અને પેસ બોલર્સના આક્રમણની મદદથી ભારતે ૩૧ રનથી ટેસ્ટ જીતી લીધી હતી.

૨૦૨૧માં બ્રિસ્બેનના ગૅબામાં અજિંક્ય રહાણેના સુકાનમાં ભારતે ઑસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. ઍડિલેઇડ ઓવલનો ઇતિહાસ ભવ્ય છે. ઍડિલેઇડ એટલે ક્રિકેટના ગ્રેટેસ્ટ ખેલાડી સર ડોનાલ્ડ જ્યોર્જ બ્રૅડમૅનનો ગઢ. આ એ જ સ્થળ છે જ્યાં બ્રૅડમૅને ફક્ત ૧૧ ઇનિંગ્સમાં ૯૭૦ રન ખડકી દીધા હતા, ત્રણ સેન્ચુરી ફટકારી હતી અને ત્રણેય ડબલ સેન્ચુરી હતી. આ જ મેદાન પર તેમણે ભારત સામે ૨૦૧ રન, ઇંગ્લૅન્ડ સામે ૨૧૨ રન અને સાઉથ આફ્રિકા સામે અણનમ ૨૯૯ રન બનાવ્યા હતા.

ટેસ્ટ ક્રિકેટના સૌથી સુંદર અને આકર્ષક સ્થળોમાં ઍડિલેઇડ ઓવલનું નામ અચૂક લેવાય છે. આ મેદાન પર અનેક વિક્રમો બન્યા છે અને હટકે ઘટનાઓ પણ બની છે. ૧૮૭૩ની ૧૩મી ડિસેમ્બરે પ્રથમ ક્રિકેટ મૅચ ઍડિલેઇડના ગ્રાઉન્ડ પર રમાઈ હતી જેમાં ઑસ્ટ્રેલિયામાં જન્મેલા ખેલાડીઓ અને વિદેશોમાં જન્મેલા ખેલાડીઓ વચ્ચે રમાઈ હતી. ૧૮૭૪માં એ સ્થળે પ્રથમ ઇન્ટરનૅશનલ મૅચ ઇંગ્લૅન્ડ અને સાઉથ ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી જેમાં ઇંગ્લૅન્ડનો સાત વિકેટે વિજય થયો હતો.

૧૯૩૧માં બ્રૅડમૅને ઍડિલેઇડમાં એ સમયનો હાઇએસ્ટ ટેસ્ટ-સ્કોર (૨૯૯ અણનમ) ઍડિલેઇડમાં નોંધાવ્યો હતો અને બીજા જ વર્ષે બૉડીલાઇન ક્રિકેટના ખોફની ચરમસીમા ઍડિલેઇડમાં જ આવી હતી જેમાં બિલ વૂડફુલ અને બર્ટ ઑલ્ડફીલ્ડને શરીર પર બૉલ વાગ્યો હતો અને મૅચના ત્રીજા દિવસે ૫૦,૯૬૨ પ્રેક્ષકોને કાબૂમાં લેવા પોલીસ બોલાવવી પડી હતી. ૧૯૪૯માં પ્રથમ મહિલા ટેસ્ટ-મૅચ ઍડિલેઇડમાં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ હતી.

ફરી ઍડિલેઇડ ઓવલના ઇતિહાસની વાત પર આવીએ. આ એ સ્થળે છે જ્યાં ક્રિકેટ ઉપરાંત ફૂટબૉલ, રગ્બી, સાઇક્લિગં, ટેનિસ, હૉકી અને બેઝબૉલની અનેક મૅચો રમાઈ છે અને અસંખ્ય વિક્રમો પણ બન્યા છે.

અહીં આપણે માત્ર ઍડિલેઇડની ક્રિકેટની જ વાત કરીશું. ઍડિલેઇડ ‘હોમ ઑફ પિન્ક બૉલ ક્રિકેટ’ તરીકે જાણીતું છે. સૌપ્રથમ ડે/નાઇટ ટેસ્ટ નવેમ્બર, ૨૦૧૫માં ઍડિલેઇડમાં રમાઈ હતી. ન્યૂ ઝીલૅન્ડ સામેની એ ટેસ્ટ ઑસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે જીતી લીધી હતી. એ વિજયી શ્રીગણેશ ઑસ્ટ્રેલિયાને ખૂબ ફળ્યા, કારણકે ડિસેમ્બર, ૨૦૨૨ સુધીમાં આ ઐતિહાસિક સ્થળે જે સાત ડે/નાઇટ ટેસ્ટ રમાઈ છે એ સાતેસાત ઑસ્ટ્રેલિયાએ જીતી છે. જોકે ભારતીયોની આ વખતની ટીમમાં પીઢ અને અનુભવી ખેલાડીઓ ઓછા છે અને કાંગારૂઓ પર સતતપણે આક્રમણ જાળવી શકે એવી યુવા ભારતીયોની સંખ્યા વધુ છે એટલે પર્થમાં પરાક્રમ બતાવ્યા પછી હવે ઍડિલેઇડમાં પણ અટૅક જાળવી રાખીને પાંચ મૅચની સિરીઝમાં ૨-૦થી સરસાઈ લેવાનો ટીમ ઇન્ડિયાને સારો મોકો છે.

૨૦૨૦માં આ જ સ્થળે ડે/નાઇટ ટેસ્ટમાં ભારતની આઠ વિકેટે જે હાર થઈ હતી એનો બદલો લેવાની પણ ભારતીય ટીમને સોનેરી તક છે. ઑસ્ટ્રેલિયનો કુલ મળીને ૧૨ દિવસ/રાત્રિ ટેસ્ટ રમ્યા છે જેમાંથી ૧૧ જીત્યા છે અને એક જ ટેસ્ટમાં (જાન્યુઆરી, ૨૦૨૪માં બ્રિસ્બેનના ગૅબામાં વેસ્ટ ઇન્ડિઝ સામે) ઑસ્ટ્રેલિયાએ હાર જોવી પડી છે. ભારત ઍડિલેઇડમાં ઑસ્ટ્રેલિયનોને પિન્ક બૉલ ટેસ્ટનો બીજો પરાજય જોવડાવશે તો ઇતિહાસમાં એ જરૂર સોનેરી અક્ષરે લખાશે.


Also read: વડોદરાની સિરીઝ પહેલાં આવી ગઈ ભારતીય મહિલા ટીમની નવી વન-ડે જર્સી…


રોહિત શર્મા પાછો ટીમમાં આવી ગયો છે, યશસ્વી જયસ્વાલ પોતાની ટૅલન્ટનો પરચો કરાવી રહ્યો છે, આઇપીએલનો સૌથી મોંઘો (૨૭ કરોડ રૂપિયાની કિંમતનો) રિષભ પંત પણ પરીક્ષા આપવા પૂરેપૂરો તૈયાર છે, વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહના વખાણ કરીએ એટલા ઓછા છે. આ અને બીજા ભારતીય ખેલાડીઓ રેડ બૉલ બાદ હવે પિન્ક બૉલથી પણ ઑસ્ટ્રેલિયન ટીમને પરાજય ચખાડશે તો કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે આ સિરીઝ વધુ રોમાંચક થઈ જશે.

ઍડિલેઇડની સાત ડે/નાઇટ ટેસ્ટ પર એક નજર…
(૧) ૨૦૧૫માં ન્યૂ ઝીલૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાનો ત્રણ વિકેટે વિજય
(૨) ૨૦૧૬માં સાઉથ આફ્રિકા સામે ઑસ્ટ્રેલિયાનો સાત વિકેટે વિજય
(૩) ૨૦૧૭માં ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાનો ૧૨૦ રનથી વિજય
(૪) ૨૦૧૯માં પાકિસ્તાન સામે ઑસ્ટ્રેલિયાનો એક દાવ અને ૪૮ રનથી વિજય
(૫) ૨૦૨૦માં ભારત સામે ઑસ્ટ્રેલિયાનો આઠ વિકેટે વિજય
(૬) ૨૦૨૧માં ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાનો ૨૭૫ રનથી વિજય
(૭) ૨૦૨૨માં વેસ્ટ ઇન્ડિઝ સામે ઑસ્ટ્રેલિયાનો ૪૧૯ રનથી વિજય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને