મુંબઇઃ મહારાષ્ટ્રમાં હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો છે. એવામાં મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ચીફ શરદ પવારે મંગળવારે એવા સંકેત આપ્યા હતા કે તેઓ સંસદીય રાજકારણથી દૂર થઈ શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની હાલની ચૂંટણી પહેલા બારામતીમાં એક સભાને સંબોધતા શરદ પવારે જાહેર કર્યું હતું કે રાજ્યસભામાં તેમનો વર્તમાન કાર્યકાળ હજુ દોઢ વર્ષનો બાકી છે અને આ કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ નિર્ણય લેશે કે તેઓ બીજી ટર્મ લેવા માગે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે તેમના ભત્રીજા અજિત પવારે તેમની નિવૃતિ અંગે ઘણી વાર સવાલ કર્યા છે.
આ પણ વાંચો : સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉત વિરુદ્ધ FIR, શિંદે જૂથની મહિલા ઉમેદવારને કહ્યું ‘બકરી’
સંસદના ઉપલા ગૃહ (રાજ્ય સભા)માંથી સંભવિત વિદાયનો સંકેત આપતાં 84 વર્ષીય શરદ પવારે કહ્યું હતું કે , “મારે વિચારવું પડશે કે મારે ફરીથી રાજ્યસભામાં જવું છે કે નહીં. હું લોકોની સેવા કરવા માંગુ છું. જો અમારી સરકાર આવશે તો અમે સરકાર સાથે મક્કમતાથી ઉભા રહીશું. ” પવાર વરિષ્ઠ તેમના ભત્રીજા NCP (SP) ના ઉમેદવાર યુગેન્દ્ર પવાર માટે પ્રચાર કરી રહ્યા હતા, જે 20 નવેમ્બરની વિધાનસભા ચૂંટણીમાં તેમના કાકા અજિત પવાર સામે ટકરાશે.
આ પ્રચાર સભામાં શરદ પવારે એમ પણ જણાવ્યું હતું કે તેઓ હવે કોઈ ચૂંટણી લડવા માંગતા નથી. નવી પેઢીએ આગળ આવવું જોઈએ. પવારે કહ્યું હતું કે, “હું 14 વખત ચૂંટણી લડી ચુક્યો છું અને લોકોએ મને હંમેશા તક આપી છે, પણ હું હજુ કેટલી વાર ચૂંટણી લડીશ? મારે હવે નવી પેઢીને આગળ લાવવી જ પડશે.” જોકે, હાલમાં શરદ પવારે નિવૃત્તિની જાહેરાત કરી નથી પરંતુ રાજકારણને અલવિદા કહેવાનો સંકેત ચોક્કસ આપ્યો છે.
આ પણ વાંચો : કોલ્હાપુર-ઉત્તરમાં મધુરિમા રાજે હટી જતાં કોંગ્રેસ લાલચોળ
મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. નોમિનેશનની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર હતી. તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી 30 ઓક્ટોબરે થઈ હતી. 4 નવેમ્બર નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. 23મી નવેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.