એક્ટિંગથી રાજકારણમાં પ્રવેશેલા અભિનેતા ગોવિંદા વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિના ઉમેદવારોના પ્રચાર માટે શનિવારે જળગાંવ પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક જ ગોવિંદાની તબિયત લથડી હતી અને આ જ કારણે તેઓ પ્રચાર અભિયાનને અધવચ્ચે રોકીને મુંબઈ પાછા ફર્યા હતા.
મળી રહેલી માહિતી પ્રમાણે શનિવારે ગોવિંદા પચોરામાં ગોવિંદ એક રોડ શો કરી રહ્યા હતા. આ રોડ શો પહેલાં ગોવિંદાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન અચાનક જ તેમની તબિયત ખરાબ થઈ હતી અને આ કારણે પ્રચાર અભિયાન અધવચ્ચે રોકી દેવાની ફરજ પડી હતી. ગોવિંદા જળગાંવથી મુંબઈ પાછા ફર્યા હતા.
ગોવિંદાને અકસ્માતે ગોળી વાગી હોવાની થિયરી પર પોલીસને શંકા
મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ કો રોડ શો દરમિયાન અભિનેતાને છાતી અને પગમાં દુઃખાવો થવા લાગ્યો હતો અને આને કારણે જ તેમણે અધવચ્ચે જ રોડ શો રોકી દીધો હતો. જોકે, આ મામલે ગોવિંદા કે તેમની ટીમ દ્વારા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. ગોવિંદા પ્રચાર સભા અને રોડ શો દરમિયાન લોકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઊભા રહેવા અને ભાજપ, શિવસેના અને એનસીપીના ગઠબંધન માટે વોટ કરવાની અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોવિંદા કોંગ્રેસ તરફથી ભૂતપૂર્વ લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને તેઓ એકનાથ શિંદેની નેતૃત્ત્વવાળી શિવસેનાનો હિસ્સો છે. હાલમાં જ ગોવિંદા ખુદ બંદૂક સાફ કરતાં કરતાં ગોળી વાગી જતાં ઈજાગ્રસ્ત થયા હતા. ગોવિંદાની તબિયત અચાનક બગડતાં જ તેમના ફેન્સ ચિંતામાં પડી ગયા છે.