લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
મોન્સૂન કેમ્પના છેલ્લા દિવસે નેવું વર્ષનાં શાંતિ બહેનને પત્રકારે પૂછ્યું :
‘તમને આ મોન્સૂન કેમ્પમાં આવવાનું કેમ ગમ્યું? તમને અહીં મજા પડી?’ જીવનમાં ક્યારેય અશાંત નહીં રહેનારા એવા એમના એકાણું વર્ષના પતિ દિનકરભાઈ તરફ
Also read: અહીં નવી જ દૃષ્ટિ -નવી જ દિશા મળે છે…
આંગળી બતાવી શાંતિબહેને બોલવાનું ચાલુ કર્યું:
‘વાત એમ છે ભાઈ, આ મારા પતિએ જીવનમાં મને એક પણ કેમ્પ બતાવ્યો સુધ્ધાં નહોતો. ફિલ્મમાં ફાયર કેમ્પની આસપાસ હીરો-હીરોઈનને એકબીજાને પ્રેમ કરતાં, પ્રેમનાં ગીતો ગાતાં જોઈને મારો અંદરનો માંહ્યલો કૂદાકૂદ કરતો. મેં કંઈ કેટલીયે વાર કીધું હશે કે મને કોઈ કેમ્પમાં લઈ જાવ… આમ એકદમ પહાડ, નદી, ઝરણાં, જંગલ અને ભરપૂર ઠંડી પડતી હોય, લાકડાં સળગતાં હોય અને આપણે બે જણા રાતની નીરવ શાંતિમાં તાપતાં હોઈએ, પ્રેમ ગીતો ગાતાં હોઈએ, એવું કંઈક કરો. પણ આ દિનકરની બત્તી ક્યારેય ચાર્જ ના થઈ તે ના જ થઈ. ઠેઠ નેવુંમે વરહે મને આ મોન્સૂન કેમ્પમાં લાવીને મૂકી દીધી અને પોતે રામ જાણે, ક્યાંના ક્યાં રખડે છે! નથી અહીંયા કોઈ ફાયર કે નથી અહીંયા કોઈ શાયર કે બે હારાં પ્રેમનાં ગીત ગઝલ લલકારે..’
પત્રકારે શાંતિબહેનના અશાંત હૃદયના પ્રલાપો સાંભળીને દિનકરભાઈને ઉશ્કેરવાનો લાભ લઈ જ લીધો :
‘હાં, તો હા દિનકરભાઈ, શાંતિબહેનની વાત સાંભળતાં મને એટલું સમજાય છે કે તમે જીવનભર એમને અન્યાય કર્યો છે. તમે એમનાં હૃદયના ઉન્માદો અને એષણાઓને જીવતે જીવ ધરબી દીધાં અને જીવનના આ છેલ્લા પડાવે પણ તમે એમની ઇચ્છા પ્રમાણેનો ફાયર કેમ્પ યોજી શક્યા નથી. ઊલટાનું તમે મોન્સૂન કેમ્પમાં, હકડેઠઠ વૃદ્ધોવાળા કેમ્પમાં અઢી દિવસ માટે એકલાં છોડીને ખુદ બહાર ફરતા રહ્યા છો. એ કંઈ સારું કહેવાય? આ વિશે તમારે કંઈ કહેવું છે?’
Also read: નૃત્ય મારો વ્યવસાય નહીં, મારા અસ્તિત્વનો અંશ છે
(બળતામાં ઘી નાખતાં તો કોઈ આવા પત્રકાર પાસેથી શીખે!)
‘જુઓ ભાઈ, આ નેવું વરસ સુધી એકનો એક ચહેરો, એકની એક ટકટક, એકની એક માંગ સાથે અહીં સુધી ગાડું ખેંચી લાવ્યો છું, એ કંઈ ઓછું છે? તમે જ કહો. નેવું વરહે હવે હું ઉન્માદ ને હું રોમાન્સ! હવે તો એણે ભજન ગાવાં જોઈએ, જેથી બીજો ભવ સુધરે અને મારા કરતાં સારો એવો કોઈ ભરથાર મળે, જે એને ફાયર કેમ્પમાં (દઝાડવા) લઈ જાય અને પ્રેમગીતો પણ આલાપે. બાકી ભાઈ, હું તો હવે થાક્યો છું. આટલું કર્યું એ કંઈ ઓછું થોડું છે?’ પછી તો પત્રકારને ઘી કે કપૂર હોમવાની જરૂર જ ન પડી. હજી એ કંઈ પ્રશ્ર્ન પૂછે, એ પહેલાં
જ શાંતિબહેને શરૂ કરી દીધું :
‘હા… હા… અહીં સુધી ગાડું ખેંચ્યું, તે તમે ઉપકાર કર્યો! તે તમને મોટે ઉપાડે ઘોડે ચડીને આવવાનું કોણે કીધેલું? અને તે હોં પાછાં મારા બાપાએ કીધેલાં, એનાથી દસ ગણા જાનૈયા! ચાર ચાર બસ ભરીને આવી ચડેલા! ખાવાનું ખુટાડેલું, તે દાળમાં પાણી રેડવું પડેલું ને બીજી બધી વાનગી હારુ તપેલાં ફરી ચડાવવા પડેલાં. ને આ લગ્નનું ગાડું તમે એકલાએ ખેંચેલું? ને મેં બેઠાં બેઠાં તમાશો જોયો છે? આ પાંચ પોયરાંની પલટનને ઠેકાણે પાડવામાં મારો ફાળો કંઈ નહીં? બસ, બધું તમે જ વેંઢારેલું? મેં તો બસ, આખી જિંદગી સૂતાં સૂતાં જ ખાધેલું? અને ઓ પત્રકારભાઈ, તમે જ કહો. કેમ્પમાં આપણને એકલા મૂકીને દિનકર ધોળે દહાડે ચાંદ શોધવા બીજે ફાંફાં મારે, એ કંઈ વાજબી કહેવાય ને તે હોં આ ઉંમરે?! ’
એટલામાં ત્યાં આવી ચડેલા બાણું વરસના આયોજક ધ્રૂજતા હાથે દિનકરભાઈનો ટેકો લેતાં બાજુની ખુરશીમાં બેસતાં બોલ્યા:
‘દર વર્ષે યોજાતા આપણા સમૂહ મોન્સૂન કેમ્પમાં બધા સામૂહિક જીવન જીવતાં શીખે અને ગહન વિચારોની આપ-લે કરે, કંઈક નવું શીખે અને આવનાર વક્તાઓ પાસેથી ઉત્તમ જીવન કેવી રીતે જીવાય, રાત્રે ભજન કીર્તન કરતાં કરતાં ભક્તિરૂપી ભાથું બાંધીને ઉપર જવાનો માર્ગ સરળ બનાવે, એ જ આપણા મોન્સૂન કેમ્પનો મુખ્ય આશય હોય છે.’
તરત જ પત્રકારભાઈને એક નવો ટેકેદાર મળી ગયો. : ‘હાં, તો આપ આ વયસ્ક મોન્સૂન કેમ્પના આયોજક લાગો છો. ભલા, આપનું શુભ નામ?’
Also read: ફન વર્લ્ડ
ગળે ફાંસો આપતી ટાઈટ ટાઇને માંડ ધ્રૂજતા હાથે બરાબર કરતાં પેલા ભાઈ બોલ્યા :
‘જી હા, હું જ આ ગ્રૂપનો કાયમી થઈ ગયેલો એકમાત્ર પ્રમુખ મિસ્ટર કાયમ હજારી…’ ‘હા, તો પ્રમુખ શ્રી કાયમ હજારી, તો તમારી સાથે તમારાં પત્ની નથી આવ્યાં કેમ્પમાં? ’ ‘ના, મારાં પત્ની મારી સાથે એક પણ કેમ્પમાં આવતાં નથી.’‘કેમ નથી આવતાં?’
મારી પત્નીનું માનવાનું છે કે પૈસા ભરીને પણ જો તમે ને તમે જ ત્યાં સામે આવવાના હોય તો એના કરતાં તો અહીં હું તમારા ગયા પછી મારી મનપસંદ સખીઓને ભેગી કરીને કિટ્ટી પાર્ટી કરીશ અને સ્વિગી કે ઝોમેટો પરથી પીઝા-પાસ્તા-બર્ગર મંગાવીને ઝાપટીશ. તમારી સાથે બેસીને ભજન કીર્તન કરવાં કરતાં મારી બાકી રહી ગયેલી ઇચ્છાઓ હવે હું જલદી જલદી પૂરી કરવા માગું છું. મારે વક્તાઓના ગહન વિચારો સાંભળીને હવે આ ઉંમરે ક્યાં જવું છે? એટલે તમે તમારી રીતે બુદ્ધિમાં વધારો કરો અને હું ઘરમાં રહીને તનમાં વધારો કરું! ’‘તે તમે તમારી પત્નીને આમ કરવાની રજા પણ આપી દીધી? ’
‘હા, મેં કાયમ માટે ઘરે રહેવાની રજા આપી દીધી. પત્રકારભાઈ, હવે સમજી જાવ ને. એને પણ સ્વતંત્રતા અને મને પણ મારી રીતે કેમ્પમાં મ્હાલવાની સ્વતંત્રતા !’
‘પ્રમુખશ્રી, તમે અમારી પાસે બંનેના પૈસા ભરાવ્યા. તમે અમને કહેલું કે આ કેમ્પમાં કપલને જ એન્ટ્રી છે અને તમે એકલા આવ્યા છો? તમે અમને ઉલ્લુ બનાવ્યાં? અમારી ડબલ ફી ગઈ અને ફાયર કેમ્પની ફીલિંગની જગ્યાએ ખાલી ફાયર જ ફાયર અને ઘર જેવી ફીલિંગ! એનું શું? ભજન તો હું ઘેર કરું જ છું ને?’
આવી ફરિયાદ સાથે બે -ચાર વાંધા વચકાવાળા પણ પ્રમુખશ્રી પાસે આવીને ફરિયાદ કરવા જાય ત્યાં તો પત્રકારભાઈ યુદ્ધનું મેદાન છોડીને કેમ્પમાં ખરા અર્થમાં ફાયર સળગાવીને છૂ થઈ ગયા.
Also read: નવા વર્ષનો સંકલ્પ છે કે ….
શાંતિબહેન અશાંતિનું કેન્દ્રબિંદુ શોધવા લાગ્યાં, પણ પત્રકારની જગ્યાએ દિનકર જ સામે આવ્યો પછી તો દિનકરનીઆખી રાત બગડી..પછી તો વહેલી પડે સવાર, વહેલું આવે ઘર!