નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન આજે નવેમ્બરે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 2 દિવસમાં આ ચક્રવાત શ્રીલંકાના કિનારે થઈને તમિલનાડુ તરફ આગળ વધી શકે છે. આ ચક્રવાતી તોફાનને ફેંગલ નામ આપવામાં આવ્યું છે અને દેશના દક્ષિણી રાજ્યોમાં તેને લઈને ઘણી ચિંતા છે.
આ પણ વાંચો : સરકારની કબૂલાતઃ UPI ફ્રોડ કેસમાં 85 ટકાનો વધારો, 6 મહિનામાં જ અધધ કરોડની ઠગાઈ!
હવામાનની આગાહી અનુસાર ચક્રવાત ફેંગલ ચેન્નાઈથી 770 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. તમિલનાડુના દરિયાકાંઠેથી પસાર થતાં, તે આગામી બે દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ તરફ શ્રીલંકાના કિનારે જશે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુમાં મંગળવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ, ચેંગલપેટ, કાંચીપુરમ અને તિરુવલ્લુરમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક કરી ચૂક્યા છે. તેમણે NDRF અને SDRF સાથે બેઠક યોજી હતી. તેમણે રાહત શિબિર અને મેડિકલ ટીમની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે, જે લોકો આ સમયે દરિયામાં છે. તેમને તાત્કાલિક નજીકના બંદર પર પાછા ફરવા પણ કહેવામાં આવ્યું છે. રાજ્ય દ્વારા હેલ્પિંગ સેન્ટરો પણ શરૂ કરવામાં આવ્યા છે, જે 24 કલાક ખુલ્લા રહેશે.
ભારત હવામાન વિભાગએ તમિલનાડુના કેટલાક ભાગો માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં લોકોને સાવચેત રહેવા અને માત્ર જરૂરી કામ માટે જ બહાર જવા કહ્યું છે. આ સાથે બહારની ગતિવિધિઓને ઓછી કરવાની સલાહ પણ આપવામાં આવી છે. જો કે ચેન્નાઈમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, બુધવારે તિરુવલ્લુર, તંજાવુર, માયલાદુથુરાઈ, પુડુચેરી, કરાઈકલ, ચેન્નઈ, ચેંગલપટ્ટુ, તિરુવરુર અને કુડ્ડલોર જિલ્લામાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી.
ચક્રવાતને કેવી રીતે નામ આપવામાં આવે છે?
વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન મુજબ, હવામાનની આગાહી કરનારા દરેક ઉષ્ણકટિબંધીય ચક્રવાતને મૂંઝવણ ટાળવા માટે એક નામ આપે છે. સામાન્ય રીતે, ઉષ્ણકટિબંધીય ચક્રવાતને પ્રાદેશિક સ્તરે નિયમો અનુસાર નામ આપવામાં આવે છે. હિંદ મહાસાગર ક્ષેત્ર માટે, 2004 માં ચક્રવાતના નામકરણ માટેની ફોર્મ્યુલા પર સંમત થયા હતા. આ ક્ષેત્રના 13 દેશોએ નામોનો સમૂહ આપ્યો છે, જે ચક્રવાતી તોફાન આવે ત્યારે એક પછી એક આપવામાં આવે છે. ચક્રવાતના નામ પસંદ કરતી વખતે વાંધાજનક અથવા વિવાદાસ્પદ ન હોવા જોઈએ તેનું ધ્યાન રાખવામાં આવે છે. તેમના નામ પણ વિવિધ ભાષાઓમાંથી પસંદ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ચેન્નઈઃ ફેંગલ વાવાઝોડાની તમિલનાડુમાં અસર વચ્ચે એરલાઈન્સે જાહેર કરી માર્ગદર્શિકા
‘ફેંગલ’ નામની દરખાસ્ત કેવી રીતે કરવામાં આવી?
ચક્રવાતના નામોની વર્તમાન સૂચિ 2020 માં તૈયાર કરવામાં આવી હતી, જેમાં દરેક સભ્ય રાજ્યે 13 નામોનું યોગદાન આપ્યું હતું. આ નામો પરિભ્રમણમાં વપરાય છે. કોઈ નામનો પુનઃઉપયોગ થતો નથી, મતલબ કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવતા દરેક ચક્રવાતને અલગ નામથી ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ‘ફેંગલ’ નામ સાઉદી અરેબિયા દ્વારા સૂચવવામાં આવ્યું હતું. આ પછી, આગામી ચક્રવાતનું નામ ‘શક્તિ’ રાખવામાં આવશે અને આ નામ શ્રીલંકાએ સૂચવ્યું છે. થાઈલેન્ડ પછીની લાઇનમાં છે અને તેણે ચક્રવાતનું નામ ‘મંથા’ રાખ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને