મુંબઈ: બદલાપુરની શાળામાં બે નિર્દોષ બાળકી સાથે દુષ્કર્મ કરવા બદલ ધરપકડ કરાયેલા સફાઇ કર્મચારી અક્ષય શિંદેના 23 સપ્ટેમ્બરે પોલીસ એન્કાઉન્ટરમાં થયેલા મૃત્યુની તપાસ માટે મુંબઇ હાઇ કોર્ટે સોમવારે મહારાષ્ટ્ર સીઆઇડીની ભારે ઝાટકણી કાઢી હતી.
આ પણ વાંચો : રશ્મિ શુકલાની ડીજીપી તરીકેની નિમણૂકના કેસની ઝડપી સુનાવણીનો હાઇ કોર્ટનો ઇનકાર
જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણની ખંડપીઠ સામે સુનાવણી ચાલી રહી છે અને ખંડપીઠે નોંધ્યું હતું કે આ કેસની તપાસને હળવાશથી લેવામાં આવી છે અને તેમાં ઘણી ખામીઓ છે. અક્ષયના હાથો પર ગનશોટના અવશેષનો અભાવ અને તેને આપવામાં આવેલી પાણીની બોટલ પર ફિંગરપ્રિન્ટ ન હોવા સામે પણ કોર્ટે પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા અને તેને ‘અસાધારણ’ ગણાવ્યા હતા.
કેસની તપાસ કરી રહેલા મેજિસ્ટ્રેટ સામે સુપરત કરવાની સામગ્રીઓ ભેગી કરવામાં વિલંબ બદલ કોર્ટે સીઆઇડીના કાન આમળ્યા હતા. કાયદા હેઠળ કસ્ટડીમાં મોતના કેસમાં મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ ફરજિયાત છે.
અમે સત્ય શોધવાના પ્રયાસ કરી રહ્યા છીએ. અમે દરેક ભેગી કરેલી અને મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકેલી સામગ્રી જોવા અને તપાસ બરોબર ચાલી રહી છે કે નહીં તે જોવાના પ્રયાસ કરી રહ્યા છીએ. અમને ન્યાયી તપાસ જોઇએ. તપાસ યોગ્ય રીતે થવી જોઇએ અને જો નહીં થાય તો શા માટે નહીં તેવો પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
જો તમામ સામગ્રી મેજિસ્ટ્રેટ સમક્ષ નહીં મુકાય તો અહેવાલ સમયસર સુપરત નહીં થઇ શકશે. તમે (સીઆઇડી) મેજિસ્ટ્રેટને વિગતો ન આપીને વિલંબ કેમ કરી રહ્યા છો? તમે હજી પણ નિવેદનો નોંધી રહ્યા છો. અમે ઇચ્છીએ છીએ કે કાયદા અનુસાર તમામ માહિતી મેજિસ્ટ્રેટને આપવામાં આવે. રિપોર્ટ આજે આવવો જોઇતો હતો અને પોલીસ હજી પણ નિવેદનો નોંધી રહી છે, એમ હાઇ કોર્ટે જણાવ્યું હતું.
આ પણ વાંચો : શિંદેએ કર્યો બળવાનો બચાવ, કહ્યું શિવસેનાનું અગાઉનું નેતૃત્વ વિકાસ વિરોધી હતું
રાજ્ય સીઆઇડી વતી હાજર એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફને હાઇ કોર્ટે પૂછ્યું હતું કે તપાસમાં ખામીનો ખુલાસો કરવા માટે તમે શું કરશો. તપાસ જે રીતે ચાલી રહી છે તે જોવા માટે કોઇ નિષ્ણાતની આવશ્યકતા નથી. આ સાથે તપાસ બે સપ્તાહમાં પૂરી કરવા અને સર્વ સુસંગત સામગ્રી મેજિસ્ટ્રેટને સુપરત કરવાની તાકીદ કોર્ટે આપીને સુનાવણી બીજી ડિસેમ્બર પર મોકૂફ રાખી હતી.
(પીટીઆઇ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને