મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે હવે માત્ર એક દિવસ બાકી છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર સોમવારે (18 નવેમ્બર) પૂરો થઇ ગયો છે. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે મતગણતરી થશે. આ ચૂંટણીમાં, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના, ભાજપ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ‘મહાયુતિ’ ગઠબંધનને NCP (SP), શિવસેનાના ‘મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર નાણાં (કેશ ફોર વોટ)ની વહેંચણીના ગંભીર આરોપો લાગ્યા છે. મુંબઇની એક હોટેલમાં વિરોધ પક્ષ બહુજન વિકાસ આઘાડી (BVA)ના કાર્યકરોએ તેમને ઘેરી લીધા છે અને તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે તાવડે પાંચ કરોડ રૂપિયા લઇને અહીં વહેંચણી કરવા આવ્યા હતા. જોકે, વિનોદ તાવડેએ આ બધા આક્ષોપોને ખોટા કહીને ફગાવી દીધા છે.
વિરોધીઓએ આખી હોટલને સીલ કરી દીધી છે. સ્થિતિ અત્યંત તંગ જણાવવામાં આવી રહી છે. આ વિસ્તારમાં BVAની સ્થિતિ ઘણી મજબૂત માનવામાં આવે છે. BVA કાર્યકરોનો આરોપ છે કે તાવડે મતદાન માટે રોકડ વહેંચવા આવ્યા હતા. આ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ પણ હોટલ પર પહોંચી ગયા છે. BVAના કાર્યકરો હોટલ ખાતે ભેગા થઈ રહ્યા છે. આ હંગામા વચ્ચે બહુજન વિકાસ આઘાડીના વડા હિતેન્દ્ર ઠાકુર હોટલ પહોંચી ગયા છે. તેમનો પુત્ર ક્ષિતિજ ઠાકુર પણ તેમની સાથે છે. બંને વસઈ અને નાલાસોપારાથી સીટીંગ વિધાન સભ્ય છે.
આ ઘટના પર શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે હું મા તુલજાભવાનીના દર્શન કરવા આવી રહ્યો હતો ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ મારી બેગની તપાસ કરી હતી. જોકે, તેઓને કંઈ મળ્યું ન હતું. હવે વિનોદ તાવડેની બેગમાંથી પૈસા મળી આવ્યા છે. ગઇ કાલે અનિલ દેશમુખ પર હુમલો થયો હતો. રાજ્યમાંથી આવી ભ્રષ્ટાચાર ફેલાવતી સરકારનો ખાત્મો કરવાની તેમણે પ્રાર્થના કરી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને