બેનોની (સાઉથ આફ્રિકા): 2005 અને 2007માં આફ્રો-એશિયા કપ યોજાયો હતો જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા તથા બાંગ્લાદેશના ક્રિકેટરોને એક જ ટીમ વતી રમવાનો મોકો મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ એ એકતાભરી ટીમ રજૂ કરતી સ્પર્ધા યોજાઈ જ નથી. જોકે હવે એ સ્પર્ધાને જીવંત કરવાના સક્રિય પ્રયત્નો થઈ રહ્યા છે.
આ પણ વાંચો: આવી ગઈ IPL 2025ની ઑક્શન તારીખ, 25-26 નવેમ્બરે સાઉદી અરબમાં થશે ખેલાડીઓની હરાજી…
આફ્રો-એશિયા કપમાં આફ્રિકા ખંડના દેશોની એક ટીમ અને એશિયન રાષ્ટ્રોની એક ટીમ વચ્ચે મૅચો રમાતી હતી. 2009માં ફરી એ ઇવેન્ટ રાખવાનો પ્રયાસ થયો હતો, પણ એમાં પ્રતત્નકર્તાઓને સફળતા નહોતી મળી. કારણકે આગલા જ વર્ષે (2008માં) પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો જેને પરિણામે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા અને હજી પણ બગડેલા જ છે.
આફ્રિકા ક્રિકેટ અસોસિયેશન (એસીએ) દ્વારા આફ્રો-એશિયા કપ રાખવા ફરી પ્રયાસો શરૂ થયા છે. એ સંબંધમાં એના સત્તાધીશોએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) સાથે ચર્ચા શરૂ કરી છે.
આ પણ વાંચો: મોહમ્મદ શમીની આ વળી કેવી હૅટ-ટ્રિક?
જોકે એસીસીએ આ મુદ્દે હજી કોઈ પ્રતિક્રિયા નથી આપી.
2005ના આફ્રો-એશિયા કપની એશિયન ટીમનું સુકાન ઇન્ઝમામ-ઉલ-હકે સંભાળ્યું હતું અને એ ટીમમાં રાહુલ દ્રવિડ, આશિષ નેહરા અને અનિલ કુંબલે હતા. 2007ની આ ટૂર્નામેન્ટમાં એશિયા ઇલેવનનું સુકાન એમએસ ધોનીએ સંભાળ્યું હતું અને ટીમમાં સચિન, ગાંગુલી, હરભજન, યુવરાજ, ઝહીર તથા સેહવાગ તેમ જ મોહમ્મદ આસિફ, મોહમ્મદ યુસુફ, શોએબ અખ્તર હતા.
દરમ્યાન, એસીએ દ્વારા આઇપીએલ જેવી આફ્રિકા પ્રીમિયર લીગ શરૂ કરવાની યોજના વિચારાઈ છે.