પ્રાસંગિક -અમૂલ દવે
ભારત અને તેના ‘પરમ’ પડોશી ચીન વચ્ચે સરહદમાં પેટ્રોલિંગ અંગે મહત્ત્વની સમજૂતી થઈ છે. અહેવાલો પ્રમાણે આ કરારનો બન્ને દેશો તરફથી યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે. પૂર્વલદાખમાં ભારત અને ચીનના લશ્કરે હટવાનું શરૂ કર્યુંં છે. ડેમચોક અને દેપસાંગ પોઈન્ટમાં બન્ને લશ્કરે અસ્થાયી તંબુ અને શેડ હટાવી દીધા છે. બન્નેની સેનાએ એપ્રિલ ૨૦૨૦ની પહેલી સ્થિતિ ફરી સ્થાપિત કરી છે. સમજૂતી પ્રમાણે બન્ને દેશ અલગ દિવસે પેટ્રોલિંગ કરશે અને એકમેકને સૂચના પણ આપશે. લશ્કરની ગાડી અને ઉપકરણો પણ હટી ગયા છે.
૨૦૨૦માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ દેપસાંગ અને ડેમચોકમાં તંગદિલી ફેલાઈ હતી. ચાર વર્ષ બાદ ૨૧ ઓક્ટોબરે બન્ને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર કહે છે કે ‘આ પેટ્રોલિંગ કરારનો હેતુ લદાખમાં ગલવાન જેવી અથડામણને ટાળવાનો છે અને સ્થિતિ પૂર્વવત કરવાનો છે.’ એ કહે છે કે સીમા પર તંગદિલી ઘટાડવાની દિશામાં આ પહેલ છે. ગલવાન ખીણ-ગોગરા હોટ સ્પ્રિન્ગ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. સમજૂતીમાં લદાખમાં દેપસાંગ હેઠળ આવતા ચાર પોઈન્ટ અંગે સંમતી થઈ છે.
Also read:આ નૂતન વર્ષે જાતને પૂછીએ કે આપણી ચૈતસિક જાગૃતિ થઇ છે?
કરાર પ્રમાણે ભારત દેપાસંગના પેટ્રોલિંગ પોઈન્ટ ૧૦,૧૧, ૧૧-એ, ૧૨ અને ૧૩ સુધી જઈ શકશે. હાલમાં પેટ્રોલિંગ પોઈન્ટ ૧૪ એટલે કે ગલવાન ટેકરી, ગોગરા હોટ સ્પ્રિન્ગ એટલે પીપી ૧૫ અને પીપી-૧૭ બફર ઝોન છે. અહીં પેટ્રોલિંગ અંગે ભવિષ્યમાં વિચાર કરવામાં આવશે. દેશની સરહદે બફર ઝોન એવો વિસ્તાર હોય છે જ્યાં બન્ને દેશના લશ્કર એકમેક સામે આવી શકતા નથી. આ ઝોન બન્ને દેશના લશ્કરને અલગ પાડે છે. ડેમચોકમાં ભારતીય સેના ચાર્ડિગ નાલાની પશ્ર્ચિમ તરફ અને ચીનની ‘પીપલ્સ લિબરેશન આર્મી’ નાલાની પૂર્વ તરફ હટશે.
આ કરારને બે તબક્કામાં લાગુ પાડવામાં આવશે. પહેલા તબક્કામાં બન્ને દેશ દેપસાંગ અને ડેમચોકમાં એકમેકના વિસ્તારમાં બે કિલોમીટર અંદર જ રહેશે અને ચાર કિલોમીટરની બફર ઝોન બનાવવામાં આવશે. પેટ્રોલિંગની જાણકારી એકમેકને અગાઉથી આપવી પડશે. એક વાર બન્ને દેશના લશ્કરની પીછેહઠ બાદ બન્ને દેશ સરહદી ક્ષેત્રોમાં પેટ્રોલિંગ માટે નવો વિશ્વાસ સ્થાપવાની પહેલ કરશે.
૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૦માં વિદેશ પ્રધાન જયશંકર અને વાંગ યી એ આ સંયુકત નિવેદન પર હસ્તાક્ષ કર્યા ત્યારે જયશંકરે કહ્યું હતું કે આવા ડીએન્ગેજમેન્ટ અને ડીએસ્કલેશન બતાડે છે કે ચીન ભારત સાથેના સંબંધો સામાન્ય બનાવવા ઈચ્છે છે.
આ કરાર બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે સિયામાં પાંચ વર્ષ બાદ સત્તાવાર દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બન્ને વડાઓ કઝાનના બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન મળ્યા હતા,પણ લદાખની ગલવાન ઘાટીમાં સૈનિકોની અથડામણ બાદ બન્ને દેશના સંબંધ તંગ બન્યા હતા. ત્યારે મોદીએ કહ્યું હતું કે શાંતિ સ્થાપવા પેટ્રોલિંગ સમજૂતી જરૂરી હતી. સારી વાત એ છે કે લાઈન ઑફ એચ્યુઅલ કંટ્રોલમાં એપ્રિલ ૨૦૨૦ જેવી સ્થિતિ કાયમ કરવા ચીન તૈયાર થયું છે. આનો અર્થ જ એ થયો કે ચીને ભારતીય ક્ષેત્રમાં જે અતિક્રમણ કર્યું હતું ત્યાંથી એને હટવું પડશે.
૧૫ જૂન ૨૦૨૦ના ગલવાનમાં બે દેશના સૈનિકો વચ્ચેની અથડામણમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતા. ત્યાર બાદ વિવાદ વકર્યો હતો. એ વખતે ચીને કવાયતના બહાને સૈનિકોની જમાવટ કરી પછી ભારતીય જવાનો સાથે અનેક જગ્યાએ અથડામણ થઈ. ભારતે પણ ચીનના સૈનિકોની સંખ્યા જોઈને વધારાની કુમક ત્યાં ગોઠવી હતી. એ વખતની અથડામણમાં ચીનના ૬૦ જવાન માર્યા ગયા હોવાનું કહેવાય છે.
Also read: બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૮
ચાર વર્ષની તંગદિલી દૂર કરીને બન્ને દેશના લશ્કરે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જવાનોએ દિવાળી નિમિત્તે મીઠાઈની આપ-લે પણ કરી છે. ભારત માટે દેપાસંગનું વ્યૂહાત્મક મહત્ત્વ છે. આને લીધે ભારત દૌલત બેગ ઓલ્ડીની હવાઈપટ્ટી પર જઈ શકે છે અને ચીનના લશ્કરને મહત્ત્વનાં સ્થળો તરફ જતા રોકે છે. ચીન જેના પર દાવો કરે છે એ ડેમચોકનો પશ્ર્ચિનો ભાગ ભારતના કબજામાં છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કહે છે કે ભારત તો ડિસએન્ગેજમેન્ટથી પણ આગળ વધવા માગે છે, પરંતુ એમાં સમય લાગશે.
બીજી તરફ્, ભારતીય લશ્કરના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાવચતીનો સૂર વ્યક્ત કરતા કહે છે કે ‘અમે વિશ્ર્વાસ સ્થાપિત કરવા માગીએ છીએ, પરંતુ અમે બફર ઝોનમાં ચોરીછુપીથી જવા માગતા નથી. એક વાર બન્ને લશ્કર ને દેશ વચ્ચે એકમેક માટે વિશ્ર્વાસ સ્થાપિત થયા બાદ બાકીનું બધું થઈ જશે.’
ભારતના ભૂતપૂર્વ ડિપ્લોમેટ અને લશ્કરી અધિકારીઓ પણ ચીનની ચાલ પર ચેતવણી આપતા કહે છે કે બફર ઝોન ભારતીય ક્ષેત્રમાં છે અને આમાં સુધારો ન થાય ત્યાં સુધી ભારતને કશો ફાયદો નહીં થાય. હકીકતમાં કારાકોરમ પાસથી ચુમુર સુધી ૬૫ પેટ્રેલિંગ પોઈન્ટ છે આમાંથી ભારતની હાજરી ૨૬માં નથી. આનો અર્થ એ થયો કે ભારતે આ વિસ્તારો પર અંકુશ ગૂમાવી દીધો છે અને ચીની લશ્કરની ઈંચ- ઈંચ વધીને જમીન હડપ કરવાની રણનીતિ સફળ થઈ છે.
Also read: વેર- વિખેર -પ્રકરણ -૧૦૪
ભારત અને ચીનના સંબંધમાં વિશ્ર્વાસનો અભાવ એ મોટો અવરોધ છે. વિસ્તારવાદી ચીન પર સહેજે પણ વિશ્ર્વાસ મૂકી શકાય એમ નથી. ચીને જે રીતે ૧૯૬૨માં ભારતને દગો દઈને આપણો અકસાઈ ચીનનો ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટર પ્રદેશ પચાવી દીધો છે અને તે ઈશાન ભારતના અને ખાસ કરીને અરૂણાચલ પ્રદેશના ૯૦,૦૦૦ ચોરસ કિલોમીટર જમીનને દક્ષિણ ‘તિબેટ’ ગણાવીને તેના પર દાવો કરે છે એને લીધે ચીનના મનસુબાને શંકાની નજરે જોવા જરૂરી છે. મહાસત્તા ચીને અનેક પડોશી દેશની જમીન હડપ કરી છે અને તેને લગભગ બધા પડોશી દેશો સાથે વિવાદ છે. ચીને આખા સાઉથ ચાઈના સી પર ગેરકયાદે કબજો જમાવી દીધો છે. તે ગમે ત્યારે તાઈવાન પર આક્રમણ કરીને તેને જબરદસ્તીથી ચીન સાથે જોડી દેવાની કવાયત તેજ કરશે.. આજ કારણથી દૂધથી દાઝેલા ભારતે હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી જોઈએ.