હેમંત વાળા
સાધુ શીલવંત હોય અને શીલવંત સાધુ હોય. તેમને એકવાર નમ્યાથી નહીં ચાલે, વારંવાર નમવું પડે, અને નમવું જ પડે. શ્રદ્ધા અને સમર્પણની આ એક વિશેષ વાત છે.
આધ્યાત્મિક વિશ્ર્વમાં શીલનું અનેરું સ્થાન છે. વ્યક્તિનું જ્ઞાન ઓછું હોય તો ચાલી જાય, વ્યક્તિનો સમર્પણ ભાવ સીમિત હોય તો પણ તે માન્ય રહે, વ્યક્તિ વ્રત-ઉપવાસ ધારણ ન કરે તો પણ પ્રશ્ર્નો ન થાય, વ્યક્તિ નિષ્ક્રિય રહે તો પણ તે મહા અનર્થકારી ઘટના ન બની રહે, પણ જો વ્યક્તિ શીલવંત ન હોય તો તે ક્યારેય સાધુતા પામી ન શકે. સાધુતા માટે શીલવંતતા એ પ્રાથમિક પૂર્વ-ભૂમિકા છે.
શીલ એટલે આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં સ્થાપિત થયેલા નૈતિકતાનાં ઉચ્ચતમ ધોરણો. શીલ એટલે પોતાના ચરિત્રને સંપૂર્ણ શુદ્ધ રાખવાનો ભાવ અને સાથે સાથે અન્યના ચરિત્ર માટે પણ તેવી જ સદ્ભાવના. શીલ એટલે કામ – ક્રોધ – લોભ – મોહ – માયા – મત્સર તથા અહંકારથી સંપૂર્ણ મુક્ત એવો વ્યક્તિગત તેમજ સામાજિક વ્યવહાર. શીલ એટલે પ્રકૃતિના, સર્જનના તથા તે પરમ તત્ત્વના સ્થાપિત સમીકરણો સાથે હકારાત્મક અભિગમથી સ્થપાતી તન્મયતા. શીલ એટલે સંપૂર્ણ વિવેક સાથે સ્થપાતો ઔચિત્યસભર ભાવ. શીલ એટલે ચરિત્ર, વ્યવહાર અને વર્તનમાં ઉચ્ચકક્ષાની સ્થિતિ, જેનાથી વ્યક્તિની નૈતિકતા, સાત્ત્વિકતા, પ્રમાણિકતા, વિશ્ર્વસનીયતા, સત્યનિષ્ઠા તથા ધાર્મિકતા સ્થાપિત થાય. આવી વ્યક્તિનું અસ્તિત્વ શૂન્યમાં પ્રવેશી ચૂક્યું હોય અને શૂન્યતાથી પૂર્ણતા તરફની તેમની ગતિ સ્થાપિત થઈ ચૂકી હોય છે. વ્યક્તિની કક્ષા સમજવા માટે આ બધી બાબતોની ઓળખ જરૂરી છે.
સાધુનો અર્થ મુખ્યત્વે પવિત્ર વ્યક્તિ તરીકે થાય છે. ચોક્કસ પ્રકારની ધાર્મિક ગતિવિધિમાં શ્રદ્ધા રાખનાર વ્યક્તિ પણ સાધુ તરીકે ઓળખાય છે. તેઓ સંતોષી હોય, તટસ્થ હોય, કામનાથી મુક્ત હોય, શાસ્ત્રમાં તેમને અપાર શ્રદ્ધા હોય, હું અને મારાથી મુક્ત હોય, સ્થિતપ્રજ્ઞ હોય, દૈવી સંપત્તિ યુક્ત હોય, ગુણાતીત હોય, સૃષ્ટિના દરેક સમીકરણ તેમને જેમના તેમ માન્ય હોય, દરેક પ્રકારના કર્તાપણાના ભાવથી તેઓ મુક્ત હોય, દેહ-વાસના ,લોક-વાસના, શાસ્ત્ર-વાસનામાં તેણે કોઈ પ્રકારની દિલચસ્પી ન હોય – ટૂંકમાં પરમ ઈશ્ર્વરના સાનિધ્યમાં, પરમ ઈશ્ર્વરના વિશ્ર્વાસે, પરમ ઈશ્ર્વર દ્વારા નિર્ધારિત કરાયેલ નિયત કર્મમાં તલ્લીન રહી, મુમુક્ષુ સ્વરૂપે, તેઓ માત્ર પોતાના શ્ર્વાસ પસાર કરતા હોય.
આવા શીલવંત સાધુ પોતાની સાધનામાં વ્યસ્ત હોય તે સ્વાભાવિક છે. તેઓ દુનિયા પ્રત્યે નિર્લેપતા ધારણ કરીને બેઠા હોય. વાસ્તવમાં તો આજુબાજુની પરિસ્થિતિ બાબતે તેઓ સાવ જ બેધ્યાન હોય તેમ કહી શકાય. તેમને તો કોઈ નમન કરે છે કે નહીં તે વિશે પણ ધ્યાન નથી હોતું. શીલવંત સાધુને નથી હોતી પ્રવૃત્તિની અપેક્ષા કે નિવૃત્તિની આશા. છતાં પણ એ સત્ય છે કે આવા સાધુનું ધ્યાન પોતાના તરફ દોરવા માટે વાસ્તવમાં કશું જ કામમાં ન આવે, સિવાય કે સાત્ત્વિક ભાવે કરાયેલ નમન. શુદ્ધ ભાવે, કોઈપણ પ્રકારના કપટ કે અન્ય નકારાત્મક ભાવ વિના, કોઈપણ પ્રકારની અપેક્ષાના સમીકરણ વિના, શીલવંત સાધુને કરાયેલ નમનની નોંધ લેવાતી જ હોય છે. આ નોંધ સૂક્ષ્મ સ્વરૂપે શીલવંત સાધુ દ્વારા તો લેવાતી જ હોય પરંતુ સાથે સાથે ઈશ્ર્વરના ધ્યાનમાં પણ તે નમન રહે છે. આ પ્રકારની નોંધ દ્રઢ બને તે માટે વારંવાર નમન ઇચ્છનીય છે.
વારંવાર નમન કરનાર વ્યક્તિ પોતે વધુને વધુ નિર્મળતા ધારણ કરી શકે. શીલવંત સાધુને નમન કરવાથી સાત્ત્વિક ભાવ પણ જાગૃત થાય, અહંકાર ક્ષીણ થતો જાય, ચિત્ત શુદ્ધ તથા શાંત થાય, આધ્યાત્મિકતાની આભાનો અનુભવ થાય, સમર્પણનો ભાવ વધુ દ્રઢ બને, અંતરના અંધકારમાં પ્રકાશનો દીવડો પ્રગટવાની સંભાવના ઊભી થાય, આંખો અંદરની તરફ વળતી થાય, અત્યાર સુધી ના સમજાયેલી બાબતો પ્રત્યે આપોઆપ સમજ જાગ્રત થાય – ક્રમશ: જ્ઞાન પ્રગટે, આપમેળે નિર્મળતા અને વિવેકના ભાવ ઊભરે; અને એ બધું પ્રાપ્ત થાય જે માટે જન્મોના જન્મો ખર્ચાઈ જાય. ક્યાંક શીલવંત સાધુ પ્રસન્ન થઈ અનેરી કૃપા પણ કરી દે. શીલવંત સાધુ તરફનું પ્રત્યેક ડગલું એક એક તીર્થયાત્રા સમાન હોય છે.
શીલવંત સાધુ દ્રષ્ટા-દ્રશ્ય-દર્શન વચ્ચે રહેલી એકતાની પ્રતીતિ કરાવી શકે. તેઓ ધારે તે વરદાન આપી શકે. તેઓ દરેક પ્રકારની ઈચ્છાથી પર હોવા છતાં, એમ જણાય છે કે, તેમની ઈચ્છા અનુસાર કાર્ય કરવા દેવોની પણ તૈયારી હોય છે. કોઈપણ પ્રકારની સંપત્તિની-નિધિની તેમને અપેક્ષા ન હોવા સાથે તેઓ આઠે પ્રકારની નિધિ પ્રદાન કરી શકે છે. કોઈપણ પ્રકારની સિદ્ધિ માટે તેમને મમત્વ ન હોવા છતાં તેઓ દરેક પ્રકારની સિદ્ધિના ધાતા તેમજ દાતા હોય છે. જેમને કશું જ જોઈતું નથી અને જે બધું જ આપી શકવા સમર્થ છે, જેમને કશું જ કરવું નથી અને જે બધું જ કરવા સમર્થ છે, જેમને કરવા જેવું પણ કંઈ નથી અને ન કરવા જેવું પણ કંઈ નથી-જે છે તે બરાબર છે, જે છે તે યોગ્ય છે, જે છે તે નિયમાધીન છે, ક્યાંય અપવાદ સર્જવાની જરૂર નથી-આ પ્રકારની ભાવાત્મક સ્થિતિમાં રહેનાર શીલવંત સાધુને વારંવાર, ફરી-ફરીને, ફરી એકવાર, ફરી વારંવાર, આગળથી કે પાછળથી, આજુથી કે બાજુથી, નજીકમાં રહીને કે દૂરથી, માનસિક કે શારીરિક-નમન કરવાનો લ્હાવો લઈ લેવો જ જોઈએ. નમન થકી જ શીલવંત સાધુની શીલવંતતાનું અને સાધુતાનું થોડું સામીપ્ય પ્રાપ્ત થાય.
આ પણ વાંચો : ઋષિવર, શું તમે એવું કંઈ કરી શકો કે જેથી અસુરો સ્વર્ગલોકમાં પ્રવેશી જ ન શકે: દેવરાજ ઇન્દ્ર
શીલવંત સાધુ જ ગુરુનું પદ પામી શકે. ગુરુ વિના જ્ઞાન નથી મળતું. જાતે લાખ પ્રયત્ન કરીએ તો પણ ગૂઢ અર્થ સમજમાં નથી આવતો. બુદ્ધિની મર્યાદા જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારે છતી થતી રહે છે. મહાન બુદ્ધિશાળી પણ બુદ્ધિની મર્યાદાથી ત્રસ્ત હોય છે. પરમ સુધી પહોંચવાના માર્ગમાં બુદ્ધિ પ્રારંભિક તબક્કામાં મદદરૂપ થઈ શકે, પરંતુ જ્યારે બુદ્ધિનું અવલંબન છોડવાનો તબક્કો આવે ત્યારે હાથ પકડવા માટે શીલવંત સાધુ-ગુરુની હાજરી જરૂરી બની રહે. તે સમયની કઠિન પરિસ્થિતિ માટે શીલવંત સાધુ-ગુરુ કૃપા દર્શાવે તે માટે તેમના પ્રત્યે સમર્પણનો ભાવ હોવો જોઈએ. સામાજિક પરિપ્રેક્ષ્યમાં પણ વારંવાર નમન કરવાથી આ પ્રકારનો સમર્પણનો ભાવ અભિવ્યક્ત કરી શકાય.