મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતૃત્વ હેઠળની મહાયુતિને મળેલા ઉલ્લેખનીય વિજય બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીને ધારાવી પુનર્વિકાસના ત્રણ અબજ ડોલરના પ્રોજેક્ટને હવે વેગ મળવાની શક્યતા છે.
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધરાવનાર ધારાવીના પુનર્વિકાસના પ્રોજેક્ટ માટે અદાણી ગ્રુપને આપવામાં આવેલી તમામ જમીન પાછી લઇ લેવામાં આવશે તથા આ પ્રોજેક્ટને પણ પડતો મૂકવામાં આવશે, એવી પ્રતિજ્ઞા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ લીધી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સહિતની મહાયુતિને સ્પષ્ટ બહુમતિ મળ્યા બાદ હવે પ્રસ્તાવિત પ્રોજેક્ટ પર ભમી રહેલી સમસ્યાઓ દૂર થઇ છે.
આપણ વાંચો: …તો ધારાવીનું રિડેવલપમેન્ટ અટકાવી દઇશું: ઉદ્ધવ ઠાકરેએ આપી ચેતવણી
ધારાવીમાં અંદાજે ૬૨૦ એકરની જમીનનો વિકાસ અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવનાર છે જેમાં ન્યૂ યોર્કના સેન્ટ્રલ પાર્ક કરતા અહીં ત્રણ ગણો મોટો પાર્ક બનાવવામાં આવશે. નાના-નાના ઝૂંપડાઓમાં રહેતા રહેવાસીઓને ૩૫૦ ચોરસ ફૂટના ફ્લેટ પૂરા પાડવામાં આવશે. આ વિસ્તારને અર્બન હબ તરીકે વિકસાવવાનું અદાણી ગ્રુપનું લક્ષ્ય છે.
વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષ દ્વારા ધારાવી પ્રોજેક્ટ પર નિશાન તાકીને આક્ષેપ કરાયો હતો કે રાજ્ય સરકારની છત્રછાયા હેઠળ અદાણી ગ્રુપને આ પ્રોજેક્ટનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. કૉંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વારંવાર અદાણી ગ્રુપને આપવામાં આવેલા આ પ્રોજેક્ટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની ટીકા કરી હતી.
આપણ વાંચો: ‘Dharavi Redevelopment’ની યોજના બે લાખ લોકોને ધ્યાનમાં રાખી બનાવીઃ ફડણવીસ
અદાણી ગ્રુપને ૨૦૨૨માં આ ઝૂંપડપટ્ટી પુનર્વસનનો પ્રોજેક્ટ મળ્યો હતો. ચૂંટણી પહેલા જ રાજ્ય સરકાર તરફથી અદાણી ગ્રુપને ૨૫૬ એકરની મીઠાના અગરોવાળી જમીન સોંપી હતી. આ જમીન કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને લીઝ પર આપવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને