રાજગીર (બિહાર): મહિલાઓની એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી નામની હૉકી ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ભારતે ઑલિમ્પિક સિલ્વર-મેડલિસ્ટ ચીનને 1-0થી હરાવીને ત્રીજી વાર ચૅમ્પિયનપદ મેળવ્યું છે.
ભારતે ત્રીજી વખત આ ટ્રોફી જીતીને સાઉથ કોરિયાના રેકોર્ડની બરાબરી કરી છે. ઉપરાઉપરી બે વર્ષ આ સ્પર્ધામાં ચેમ્પિયનપદ મેળવનાર સાઉથ કોરિયા બાદ ભારત બીજો દેશ છે.
આ પણ વાંચો: જુઓ, પર્થમાં બૅટરના શૉટમાં બૉલ વાગતાં અમ્પાયરને કેવી ઈજા થઈ…
બુધવારે અહીં અત્યંત રસાકસીભરી ફાઇનલમાં એકમાત્ર ગોલ ભારતની સુપરસ્ટાર ખેલાડી દીપિકા સેહરાવતે 31મી મિનિટમાં કર્યો હતો. તેને પેનલ્ટી કૉર્નરમાંથી આ ગોલ કરવાનો મોકો મળ્યો હતો અને એમાં તે સફળ થઈ હતી.
દીપિકા આ વખતની ટૂર્નામેન્ટમાં 11 ગોલ કરીને તમામ ખેલાડીઓમાં ટૉપ-સ્કોરર રહી.
લીગ રાઉન્ડમાં ભારતે ચીનને 3-0થી આંચકો આપ્યો હતો. ભારત આ પહેલાં 2016માં અને 2023માં ચૅમ્પિયન બન્યું હતું. બીજી તરફ, ચીને ત્રીજી વાર રનર-અપની ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો છે. ત્રીજા સ્થાન માટેના મુકાબલામાં જાપાને મલયેશિયાને 4-1થી હરાવ્યું હતું. જાપાન ત્રીજા સ્થાને અને મલયેશિયા ચોથા સ્થાને રહ્યું છે.
ભારત આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહીને ચૅમ્પિયન બન્યું છે એ ભારતીય ટીમની ઑર એક મોટી સિદ્ધિ છે.
સલીમા ટેસ્ટ ભારતની કેપ્ટન હતી અને ટીમમાં નવનીત કૌર, સંગીતા કુમારી, સુશીલા ચાનુ, જ્યોતિ, સવિતા (ગોલકીપર), લાલરેમશિયામી, વૈષ્ણવી, શર્મિલા દેવી, નેહાનો પણ સમાવેશ હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને