મુંબઇઃ મુંબઇના BKC અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર આગ લાગ્યાના સમાચારથી પ્રવાસીઓમાં ડરનો માહોલ ઊભો થયો હતો. આગ લાગ્યાના સમાચારને લઈ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL)એ કામચલાઉ ધોરણે BKC સ્ટેશનથી મેટ્રોની ટ્રેન સેવા હંગામી ધોરણે સ્થગિત કરી હતી. લગભગ પોણા બે કલાકના અંતે ટ્રેનસેવા ચાલુ કરવામાં આવી હોવાનો અધિકારીએ દાવો કર્યો હતો.
આ બનાવ અંગે અધિકારીએ કહ્યું હતું કે આજે બપોરના એક વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) મેટ્રો સ્ટેશનની એન્ટ્રી/એક્ઝિટ A4 બહાર આગ ફાટી નીકળી હતી. જેના કારણે સ્ટેશનમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને પ્રવાસીઓમાં હંગામો મચી ગયો હતો.
આગ લાગ્યાની ઘટનાને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આગને કારણે સુરક્ષાના ઉદ્દેશને લઈ બીકેસી ખાતેની ટ્રેનસેવા સ્થગતિ કરવામાં આવી હતી. બપોરના 2.45 વાગ્યાના સુમારે ફરી ટ્રેનસેવા ચાલુ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :મુંબઇ એરપોર્ટ પર એક ડઝન વિદેશી કાચબા સાથે બે પ્રવાસી પકડાયા
આગને નિયંત્રણમાં લાવવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત કરી હતી. લગભગ પોણા બે કલાકના અંતે આગ પર અંકુશ મેળવવામાં આવ્યો હતો. આગના બનાવ પછી એમએમઆરસી અને ડીએમઆરસીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આગના બનાવમાં કોઈને જાનહાનિ થઈ નથી, એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
જોકે, સુરક્ષાના કારણોસર બીકેસી મેટ્રો સ્ટેશનથી મેટ્રોની ટ્રેનસેવા હંગામી ધોરણે સ્થગિત રાખી હતી, જ્યારે આરે જેવીએલઆરથી બાંદ્રા કોલોની વચ્ચે ટ્રેનસેવા ચાલુ રાખવામાં આવી છે. અહીં એ જણાવવાનું કે મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો (થ્રી) ટ્રેન આ વર્ષે શરુ કરવામાં આવી હતી. મેટ્રો થ્રી શરુ કરવામાં આવ્યા પૂર્વે ટૂએ, સાત અને સિંગલ કોરિડોર (વર્સોવા-ઘાટકોપર) વચ્ચે પણ દોડાવાય છે.