મુંબઇઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પૂર્વે શાસક મહાયુતિના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જનતાને દસ વચનો આપ્યા છે. હવે એ જ તર્જ પર મહા વિકાસ આઘાડીએપણચૂંટણી વચનોની લહાણી કરી છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થવાનું છે. દરમિયાન વિધાન સભાની ચૂંટણીના પ્રચાર માટે કોલ્હાપુર પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ જનતાને 5 વચનો આપ્યા છે. આ વચનમાં તેમણે ખેડૂતો, વિદ્યાર્થીઓ, મરાઠી લોકો અને મહિલા પોલીસકર્મીઓનો સમાવેશ કર્યો છે. તેમણે કહ્યું છે કે જો અમે સત્તામાં આવીશું તો રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ વધારવા નહીં દઈએ.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થિનીઓને મફત શિક્ષણ આપવામાં આવે છે. અમે માનીએ છીએ કે પુત્ર અને પુત્રી બંને પરિવારના આધારસ્તંભ છે, તેથી દીકરીઓની જેમ જ દીકરાઓને પણ મફત શિક્ષણ મળવું જોઇએ. જો રાજ્યમાં મહા વિકાસ આઘાડી સત્તામાં આવશે તો અમે રાજ્યમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પણ મફત શિક્ષણ આપીશું.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે મહિલાઓને ઘણીવાર ખબર નથી હોતી કે તેઓ પોલીસ સ્ટેશન જાય ત્યારે ક્યાં ફરિયાદ કરે તેથી અમે નક્કી કર્યું છે કે જો અમે સત્તામાં આવીશું તો પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે અને વરિષ્ઠ હોદ્દા પર મહિલા અધિકારીઓ હોય એવી મહિલા પોલીસ કર્મચારીઓથી સજ્જ પોલીસ સ્ટેશનની પણ સ્થાપના કરવામાં આવશે.
એમ લાગે છે કે ઉદ્ધવ ઠાકરેને અદાણી પસંદ નથી. તેમણે કહ્યું છે કે જો તેઓ સત્તા પર આવશે તો મુંબઈમાં અદાણી પ્રોજેક્ટ રદ કરવામાં આવશે અને ધારાવીના રહેવાસીઓને ઘર પણ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના લોકોએ મુંબઈમાં આવવું જોઈએ. મુંબઈ તમારું છે, મરાઠી માણસનું છે. મરાઠી માણસે લોહી વહેવડાવીને મુંબઈને બનાવ્યું છે, બચાવ્યું છે. તેથી મુંબઈ પર તમારો પણ અધિકાર છે. જો અમે આગામી દિવસોમાં સત્તામાં આવીશું તો મહારાષ્ટ્રના પુત્રને ધારાવી અને મુંબઈના વિસ્તારમાં સસ્તું ઘર આપીશું.
Also Read – MVAના જાહેરનામા પહેલા જ એકનાથ શિંદેએ કરી દીધી દસ મોટી જાહેરાત
જો મહા વિકાસ આઘાડી સત્તામાં આવશે તો રાજ્યના ખેડૂતોને MSP (લઘુતમ ટેકાનો ભાવ) આપવામાં આવશે. જો અમારી સરકાર પડી ના ગઈ હોત તો અત્યાર સુધીમાં ખેડૂતો દેવા મુક્ત થઈ ગયા હોત, પરંતુ હવે અમે જ્યારે ફરી સત્તામાં આવીશું ત્યારે કૃષિ પેદાશોને માટે MSP આપીશું.
અમે જ્યારે સત્તામાં હતા ત્યારે જીવન જરૂરિયાતની પાંચ ચીજ વસ્તુઓના ભાવ સ્થિર હતા. જો અમે ફરી સત્તામાં આવીશું તો આગામી પાંચ વર્ષ સુધી કઠોળ, ચોખા, ખાંડ તેલ જેવી આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં કોઈ ફેરફાર નહીં થાય. તેના ભાવ સ્થિર રહે તેની અમે કાળજી રાખીશું.