(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારતીય શેરબજારે પહેલી નવેમ્બરના રોજ મૂહૂર્તના સોદાની શરૂઆત તેજી સાથે કરી હતી. નિફ્ટી ૨૪,૩૦૦ના સ્તરે પહોંચ્યો છે જ્યારે સેન્સેક્સે ૩૩૫ પોઇન્ટની આગેકૂચ નોંધાવી છે. સેન્સેક્સ ૩૩૫.૦૬ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા વધીને ૭૯,૭૨૪.૧૨ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો છે અને નિફ્ટી ૯૯ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૨૪,૨૯૯.૫૦ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો હતો.
કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૨૮૯૪ શેર વધ્યા હતા અને ૫૫૦ શેર ઘટ્યા હતા.
નિફ્ટીમાં ટોપ ગેઇનર શેરોની યાદીમાં એમએન્ડએમ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ટાટા મોટર્સ, જ્યારે ખોટમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, એચસીએલ ટેક, બ્રિટાનિયા, ટેક મહિન્દ્રા અને અદાણી એન્ટરપ્રાઈઝનો સમાવેશ હતો.
આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, એનટીપીસી, એક્સિસ બેંક, ટાઇટન, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલ પણ આગળ વધ્યા હતા.
આપણ વાંચો: શેરબજારે તેજીની આગેકૂચ સાથે નવો વિક્રમ નોંધાવ્યો
ઓટો ઈન્ડેક્સ એક ટકા વધવા સાથે તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. મિડકેપ ઈન્ડેક્સ ૦.૭ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ એક ટકા વધ્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીએ મુહૂર્ત ટ્રેડિંગ સત્રની શરૂઆત તેજીના ટોન સાથે કરી હતી અને તમામ ક્ષેત્રો ગ્રીન ઝોનમાં આગળ વધ્યા હતાં. કંપનીઓએ તેમના માસિક વેચાણના આંકડા જાહેર કર્યા હોવાથી ઓટો શેરોમાં ખરીદી જોવા મળી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લગભગ ત્રણ ટકા વધ્યો હતો, જ્યારે ટાટા મોટર્સમાં સારો ઉછાળો હતો. આ દરમિયાન મારુતિ સુઝુકીમાં પણ આગેકૂચ જોવા મળી હતી.