Inflation astatine  one-year low

નવી દિલ્હી: મોંઘવારીના માર વચ્ચે સામાન્ય માણસને રાહત આપે તેવા સમાચાર છે. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)એ છૂટક ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 4.31 ટકા થયો છે, જે ડિસેમ્બરમાં 5.22 ટકા હતો. સીપીઆઈના ડેટા અનુસાર, જો આપણે પાંચ મહિના પહેલા એટલે કે ઓગસ્ટ 2024 ની વાત કરીએ, તો તે સમયે દેશનો છૂટક ફુગાવાનો દર 3.65% હતો.

આ પણ વાંચો: ગુજરાત એસટીના કર્મચારીઓ માટે આનંદના સમાચાર; રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

ગ્રામીણ અને શહેરી ફુગાવાનો દર

CPIના આંકડાઓ અનુસાર ગ્રામીણ ફુગાવાનો દર જાન્યુઆરી 2025 માં 4.64 ટકા હતો, જે એક મહિના પહેલા ડિસેમ્બર 2024 માં 5.76 ટકા હતો, જ્યારે શહેરી ફુગાવો 3.87 ટકા નોંધાયો હતો જે ગયા મહિનામાં 4.58 ટકા નોંધાયો હતો.

વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા વધી

ફુગાવાના દરમાં ઘટાડાને કારણે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડો થવાની શક્યતા વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ બાદ ગયા અઠવાડિયે RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ વ્યાજ દર 6.25% થઈ ગયો છે. કેન્દ્રીય બેંકે દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આ નિર્ણય લીધો છે, જે ચાર વર્ષમાં સૌથી ધીમી ગતિએ વૃદ્ધિ પામવાની અપેક્ષા છે.

સરકારનો વપરાશ વધારવા પર ભાર

કેન્દ્ર સરકાર વપરાશ વધારવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે. તે માટે જ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમને 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર આવકવેરા છૂટની જાહેરાત કરી હતી. વળી આ દરમિયાન જ ભારતીય રિઝર્વ બેંકે ગયા મહિને ઇક્વિટી યોજનાની જાહેરાત કરી હતી.

ખાદ્ય ફુગાવામાં પણ ઘટાડો

ગ્રાહક ભાવ સૂચકાંકની અંદર લગભગ 50 ટકા ફાળો આપતી ખાદ્ય ચીજો જાન્યુઆરીમાં ઘટીને 6.02 ટકા થઈ ગઈ જે ડિસેમ્બરમાં 8.39 ટકા હતી. ડિસેમ્બર 2024માં શાકભાજીના ભાવ વાર્ષિક ધોરણે 26.6% વધ્યા હતા, જ્યારે જાન્યુઆરી 2025માં તે વાર્ષિક ધોરણે ઘટીને 11.35% થઈ ગયા છે.

જો કે આ દરમિયાન અનાજના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીમાં અનાજના ભાવમાં 6.24%નો વધારો થયો હતો, જ્યારે ડિસેમ્બરમાં 6.50%નો વધારો નોંધાયો હતો, જ્યારે કઠોળના ભાવમાં 2.59%નો વધારો થયો હતો જે અગાઉના મહિનામાં 3.80%નો વધારો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને