UP's Sambhal is acceptable   to go  different  Ayodhya Mumbai Samachar

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ઉત્તર પ્રદેશમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની કૃષ્ણ જન્મભૂમિસ્થાને બનેલી મસ્જિદ, મધ્યપ્રદેશના ધારની ભોજશાળા વગેરે સ્થાને પહેલાં હિંદુ મંદિરો હતાં કે નહીં અને મંદિરો તોડીને મસ્જિદો બનાવાઈ હતી કે નહીં તેનો વિવાદ શમ્યો નથી ત્યાં ઉત્તર પ્રદેશના સમ્ભલમાં જામા મસ્જિદનો મુદ્દો ચગ્યો છે.

બલકે સમ્ભલની જામા મસ્જિદના સરવેને મુદ્દે અત્યંત ગંભીર અને હિંસક સ્વરૂપ લઈ લીધું છે.

આ હિંસામાં ચાર લોકોનાં મોત થઈ ગયાં છે અને ૨૫થી વધુ લોકો ઘાયલ છે. હિંસાને પગલે સરકારે ૧૨મા ધોરણ સુધીની શાળા બંધ કરવા અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવો પડ્યો છે.

સમ્ભલમાં અત્યારે જનજીવન ઠપ્પ છે અને સ્થિતિ ક્યારે સામાન્ય થશે એ ખબર નથી.

ઉત્તર પ્રદેશના સમ્ભલ જિલ્લાની શાહી જામા મસ્જિદ વાસ્તવમાં ભગવાન વિષ્ણુનું હરિહર મંદિર હોવાના દાવા સાથે વકીલ હરિશંકર જૈને કોર્ટમાં અરજી કરેલી.

તેના પગલે કોર્ટે મસ્જિદના સરવેનો આદેશ આપ્યો હતો. મસ્જિદ કમિટીની સંમતિથી બંને પક્ષની હાજરીમાં સરવે થવાનો હતો.

૧૯મી નવેમ્બરની રાતે સરવે શરૂ થયો ત્યારે કંઈ નહોતું થયું, પણ ૨૪મી નવેમ્બરે સરવે ટીમ ફરી મસ્જિદ પહોંચી અને જેવી મસ્જિદના સરવેની કાર્યવાહી શરૂ કરી કે મોટી સંખ્યામાં લોકો ઊમટવા માંડ્યા અને ઉગ્ર દેખાવો તથા સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા ડરી ગયેલી સર્વેની ટીમ કોર્ટમાં પહોંચી તો કોર્ટે પોલીસ રક્ષણ હેઠળ સર્વે કરવા આદેશ આપ્યો.

કોર્ટના આદેશ પછી સરવે શરૂ થયો તો ટોળાએ પોલીસ પર હુમલો કરી પથ્થરમારો કર્યો અને ઘણાં વાહનોને આગ લગાડી દીધી. સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે ટિયર ગૅસના શેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો.

રાજ્ય સરકારે આ હિંસાની ઘટનાની મેજિસ્ટરિયલ તપાસના આદેશ આપ્યા પછી પોલીસે હિંસા બદલ સાત ફરિયાદો દાખલ કરી છે.

સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા ઉર રેહમાન અને સપાના ધારાસભ્ય ઇકબાલ મેહમૂદના પુત્ર સોહૈલ સહિત ૨૭૦૦ લોકોને પોલીસે આરોપી બનાવ્યા છે ને કેટલાક લોકો સામે નેશનલ સિક્યુરિટી ઍક્ટ (એનએસએ) પણ લગાવી દેવાયો છે.
પોલીસ જે કંઈ કરી રહી છે એ કાનૂની કાર્યવાહી છે ને એક રીતે રાંડ્યા પછીનું ડહાપણ છે કેમ કે આ પ્રકારના સરવેમાં વાતાવરણ ઉગ્ર બની જાય છે ને હિંસા થાય છે એ ભૂતકાળનો અનુભવ છે.

એ છતાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ન રાખ્યો તેમાં ચાર લોકો મરી ગયા. અલબત્ત તેમાં પણ મરી ગયા કે પોલીસે જ મારી નાખ્યા એ સવાલ છે કેમ કે મૃતકોના પરિવારનું કહેવું છે કે, પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું.

પોલીસે આ આરોપો નકારીને કહ્યું છે કે, હિંસા ફેલાવી રહેલા ટોળામાંથી જ ગોળીબાર કરાયો હતો અને તેના પુરાવા તરીકે અમારી પાસે વીડિયો પણ છે.

પોલીસ અને મતૃકોના પરિવારજનોમાંથી કોણ સાચું બોલે છે એ ખબર નથી, પણ એ મુદ્દો બહુ મહત્ત્વનો નથી. મહત્ત્વનો મુદ્દો સમ્ભલ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તેનો છે અને અત્યારે જે અણસાર છે એ જોતાં સમ્ભલ બીજું અયોધ્યા બનવાની દિશામાં છે. મંદિરોને તોડીને મસ્જિદો બનાવાઈ હોવાના મુદ્દા વારાણસી અને મથુરામાં પણ ગાજે છે. નજીકના ભૂતકાળમાં આ બંને મુદ્દે હિંસા થઈ નથી જ્યારે સમ્ભલમાં તો પહેલા જ ધડાકે ચાર લોકો મરી ગયા છે એ જોતાં ભવિષ્યમાં સ્થિતિ ગંભીર બનશે.

સમ્ભલનો કેસ પણ બીજી એવી મસ્જિદો જેવો જ છે કે જે મંદિરોને તોડીને બનાવાઈ હોવાના દાવા કરાય છે. સમ્ભલની જામા મસ્જિદ ભગવાન વિષ્ણુના હિન્દુ મંદિરને તોડીને બાંધવામાં આવી હતી એવો હિન્દુ પક્ષે દાવો કર્યો છે.

બાબરનામા અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના અહેવાલને આધારે હિંદુ પક્ષ આ દાવા કરી રહ્યો છે.

હિંદુ પક્ષ દ્વારા કરાયેલી અરજી પ્રમાણે આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI)ના ૧૮૭૫ના અહેવાલમાં એવા ઘણા પુરાવા છે, જે મસ્જિદના સ્થાને પહેલાં હિન્દુ મંદિરના અસ્તિત્વ તરફ સંકેત કરે છે. ૧૮૭૫માં તૈયાર કરાયેલો અહેવાલ એસીએલ કાર્લાઇલ દ્વારા તૈયાર કરાયો હતો અને ટુર્સ ઈન ધ સેન્ટ્રલ દોઆબ એન્ડ ગોરખપુર ૧૮૭૪-૧૮૭૫ અને ૧૮૭૫-૧૮૭૬ ટાઈટલ હેઠળ પ્રકાશિત થયો હતો.
આ અહેવાલ પ્રમાણે, મસ્જિદના સ્તંભ, ગુંબજનો જીર્ણોદ્ધાર અને પુરાતત્ત્વ અવશેષ પહેલાં ત્યાં મંદિર હોવાનું દર્શાવે છે.

આ મસ્જિદના હિન્દુ સ્તંભ મુસ્લિમ સ્તંભથી અલગ છે અને શુદ્ધ હિન્દુ વાસ્તુકલાનું પ્રતીક છે.

આર્કિયૉલૉજિકલ સર્વેના રીપોર્ટ પ્રમાણે, મસ્જિદના ગુંબજનો જીર્ણોદ્ધાર હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના શાસનકાળમાં થયો હતો. આ ઉપરાંત મસ્જિદની સંરચનામાં હિન્દુ મંદિરનાં ઘણાં ચિહ્ન જોવા મળ્યાં, જેને બાદમાં પ્લાસ્ટરથી ઢાંકી દેવામાં આવ્યાં હતાં એવો પણ આર્કિયૉલૉજિકલ સર્વેનો દાવો છે.

મસ્જિદની અંદર અને બહારના સ્તંભ જૂનાં હિન્દુ મંદિરોનાં હતાં, પણ સ્તંભ પર પ્લાસ્ટર લગાવીને સંતાડવાનો પ્રયાસ પણ કરાયો હતો.

આ મસ્જિદના એક સ્તંભ પર પ્લાસ્ટર હટાવતાં લાલ રંગના પ્રાચીન સ્તંભ જોવા મળ્યા હતા, જે હિન્દુ મંદિરોમાં કરાતી હતી તેવી જ ડિઝાઇન અને સંરચના ધરાવે છે. હિન્દુ પક્ષના અરજદાર હરિશંકર જૈને પોતાની અરજીમાં બાબરનામાનો ઉલ્લેખ કર્યો છે.

બાબરનામા બાબરની આત્મકથા છે. બ્રિટિશ ઓરિએન્ટાલિસ્ટ એનેટ બેવરિજે તેનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો હતો. બાબરનામાના પાના નંબર ૬૮૭ પર લખ્યું છે કે, બાબરના આદેશ પછી તેના દરબારી મીર હિન્દુ બેગે સમ્ભલનાં હિન્દુ મંદિરને જામા મસ્જિદમાં પરિવર્તિત કરી દીધી હતી.

સમ્ભલની જામા મસ્જિદમાં એક શિલાલેખ છે કે જેમાં લખ્યું છે કે, આ નિર્માણ ૯૩૩ હિજરીમાં હિન્દુ બેગે પૂરુ કર્યું હતું. મીર હિન્દુ બેગ બાબરનો દરબારી હતો.

આર્કિયૉલૉજિકલ સર્વેના દાવા પ્રમાણે, આ શિલાલેખ એ વાતનો પુરાવો છે કે, મસ્જિદનું નિર્માણ કોઈ હિન્દુઓના ધાર્મિક સ્થળને તોડીને કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધીઃ પહાડી શાકભાજી ને કંદ કેટલા ઉપકારક?

આર્કિયૉલૉજિકલ સર્વેનાં તારણ બીજા શિલાલેખ સાથે પણ મેળ ખાય છે કે જેમાં મીર હિન્દુ બેગનું નામ અને ૩૩ હિજરી વર્ષમાં મસ્જિદના નિર્માણનો ઉલ્લેખ છે.

સમ્ભલની શાહી જામા મસ્જિદના સરવેનો રીપોર્ટ ૨૯ નવેમ્બરે કોર્ટમાં રજૂ કરાવાનો છે અને કોર્ટ શું કહે છે તેના પર સૌની નજર છે, પણ અત્યાર જે સ્થિતિ છે એ જોતાં આ મુદ્દો વધારે સ્ફોટક બનશે તેમાં કોઈ શંકા નથી કેમ કે મુસ્લિમ પક્ષ કોઈ પણ કાળે મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હતી એવું નહીં સ્વીકારે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને