રાજકોટઃ ભારતના ટી-20ના વનડાઉન-બૅટર અને આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડી તિલક વર્માએ એક સાથે બે મોટા વિક્રમ પોતાના નામે કર્યા છે. એમાં એક વિશ્વવિક્રમ અને બીજો ભારતીય વિક્રમ છે.
હૈદરાબાદમાં જન્મેલો બાવીસ વર્ષનો તિલક ટી-20 ક્રિકેટમાં ઉપરાઉપરી ત્રણ ઇનિંગ્સમાં (હૅટ-ટ્રિક) સદી ફટકારનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો છે. પુરુષોની કે મહિલાઓની ક્રિકેટમાં આ પહેલાં કોઈ પણ ખેલાડીએ લાગલગાટ ત્રણ ટી-20 સેન્ચુરી નહોતી ફટકારી.
તિલકે આજે રાજકોટમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મેઘાલય સામેની મૅચમાં ફક્ત 67 બૉલમાં 10 સિક્સર અને 14 ફોરની મદદથી 151 રન બનાવ્યા હતા. હૈદરાબાદે ચાર વિકેટે (પોતાના હાઇએસ્ટ) 248 રન બનાવ્યા ત્યાર બાદ મેઘાયલની ફક્ત 69 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં હૈદરાબાદનો 179 રનથી વિજય થયો હતો. હૈદરાબાદ વતી અંકિત રેડ્ડીએ ચાર વિકેટ અને તનય ત્યાગરાજને ત્રણ વિકેટ લીધી હતી.
તિલક વર્મા પુરુષોની ટી-20 ક્રિકેટમાં 150-પ્લસનો સ્કોર નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો છે. મહિલાઓમાં મહારાષ્ટ્રની કિરણ નવગીરે આ ભારતીય વિક્રમ ધરાવે છે. કિરણે 2022ની સાલમાં નાગાલૅન્ડ વતી રમતી વખતે અરુણાચલ પ્રદેશ સામેની મૅચમાં અણનમ 162 રન બનાવ્યા હતા.
આપણ વાંચો: નીરજ ચોપડાએ ભાલાફેંકના વિશ્વવિક્રમીને બનાવ્યા કોચ, કારણ જાણવા જેવા છે…
તિલક વર્માએ આજે જે સતત ત્રીજી સદી (151 રન) ફટકારી એ પહેલાંની બે ટી-20 ઇનિંગ્સમાં પણ તેણે સેન્ચુરી નોંધાવી હતી. જોહનિસબર્ગમાં 15મી નવેમ્બરે તિલકે સાઉથ આફ્રિકા સામેની ટી-20માં અણનમ 120 રન બનાવ્યા હતા.
એ પહેલાંની 13 નવેમ્બરની સેન્ચુરિયન ખાતેની સાઉથ આફ્રિકા સામેની ટી-20માં તેણે અણનમ 107 રન બનાવ્યા હતા. ભારતે એ સિરીઝ 3-1થી જીતી લીધી હતી અને તિલકને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર મળ્યો હતો.
તિલક આજે રાજકોટમાં મેઘાલય સામેની મૅચમાં ત્રીજા ક્રમે રમ્યો હતો અને તેનો સ્ટ્રાઇક-રેટ 225.37 હતો. તે પહેલી ઓવરના પાંચમા બૉલથી જ ક્રીઝમાં હતો અને હૈદરાબાદની ઇનિંગ્સના છેલ્લા બૉલ પર આઉટ થયો હતો.
આપણ વાંચો: હિટમૅન રોહિત શર્મા બન્યો કૅપ્ટનોમાં કિંગ, વિરાટનો વિશ્વવિક્રમ તોડ્યો
તે ખાસ કરીને મેઘાલયના પેસ બોલર દીપ્પુ સંગમાની બોલિંગમાં સારું રમ્યો હતો. તેના 18 બૉલમાં તિલકે ત્રણ સિક્સર અને છ ફોરની મદદથી 50 રન બનાવ્યા હતા. તેની અને પંચાવન રન બનાવનાર ઓપનર તન્મય અગરવાલ વચ્ચે બીજી વિકેટ માટે 122 રનની ભાગીદારી થઈ હતી.
તિલક વર્મા મુંબઈ ઇન્ડિયન્સનો એવો પાંચમો ખેલાડી છે જેને 2025ની આઇપીએલ માટે રીટેન કરવામાં આવ્યો છે. અન્ય ચાર પ્લેયરમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહનો સમાવેશ છે. મુંબઈ ઇન્ડિયન્સે તિલકને આઠ કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને