મુંબઇઃ રેલવે હાઇટેક સુવિધાઓ દ્વારા સામાન્ય મુસાફરોની મુસાફરીને સરળ બનાવી રહી છે. હવે પશ્ચિમ રેલવેએ લાંબા અંતરની ટ્રેનોના મુસાફરોની સુવિધા માટે નવું પગલું ભર્યું છે. મુંબઇ સેન્ટ્રલ ટર્મિનસ સહિત કેટલાક મહત્વના રેલવે સ્ટેશનો પર હમાલોના ભાડા હવે ડિજિટલ ડિસપ્લે બૉર્ડ પર દર્શાવવામાં આવી રહ્યા છે. પ.રેના આ પગલાંને કારણે હવે મુસાફરોને ઘણી રાહત રહેશે.
પશ્ચિમ રેલવે હવે મુંબઇ સેન્ટ્રલ ટર્મિનસ સહિત કેટલાક મુખ્ય રેલવે સ્ટેશનો પરના ડિજિટલ ડિસપ્લે બોર્ડ (ટીવી) પર હમાલ ભાડા પણ દર્શાવી રહી છે. ડિજિટલ ડિસપ્લે બોર્ડ પર કુલીઓના સત્તાવાર ટેરિફ દર્શાવવામાં આવી રહ્યા હોવાને કારણે લોકોને હમાલીઓના ચાર્જીસ અંગે વધુ સ્પષ્ટતા મળી રહી છે. રેલવેની આ પહેલને કારણે હવે મુસાફરોને હમાલીની સેવા લેવા માટે વધારે પૈસા ચૂકવવાની નોબત નહીં આવે. આ પહેલને ધીમે ધીમે તમામ રેલવે સ્ટેશનો પર લાગુ કરવામાં આવશે.
Also read:પ્રવાસીઓની ‘રવિવારની રજા’ પર રેલવેએ પાણી ફેરવ્યું!
આ સુવિધા કેવી રીતે કામ કરશેઃ-
તમે કોઇ રેલવે સ્ટેશન પર ઉતરો છો અને તમારા સામાન માટે હમાલીની સેવા લેવાનું વિચારો છો તો હવે તમારે એની સાથે પૈસાની ચૂકવણી અંગે રકઝક નહીં કરવી પડે, કારણ કે રેલવે સ્ટેશનના ડિજિટલ ડિસપ્લે બોર્ડ પર હમાલીના રેટ ચાર્ટ દર્શાવેલા જ હશે. તમારે એ મુજબ જ ચૂકવણી કરવાની છે. જો કોઇ કુલી રેટ ચાર્ટ કરતા વધુ માગણી કરે છે તો તમે ડિજિટલ ડિસપ્લે બોર્ડ પર સત્તાવાર ચાર્જીસ જોઇ શકો છો. આ ઉપરાંત જો તમને લાગે છે કે કુલીઓ દ્વારા તમારી પાસેથી વધુ ચાર્જ લેવામાં આવી રહ્યો છે તો તમે સત્તાવાર રીતે ફરિયાદ પણ નોંધાવી શકો છો.
ડિજિટલ ડિસપ્લે બોર્ડ શું છે?
ડિજિટલ ડિસપ્લે બોર્ડ એ રેલવે સ્ટેશનો પર લગાવવામાં આવેલી ટીવી સ્ક્રીનો છે. તમે જોયું હશે કે આ સ્ક્રીન પર જાહેરાતો આવ્યા કરતી હોય છે. રેલવે ટિકિટોના વેચાણ ઉપરાંત અન્ય માધ્યમો દ્વારા પણ કમાણી કરે છે. ડિજિટલ ડિસપ્લે બોર્ડ રેલવે માટે આવો જ એક કમાણીનો સ્રોત છે, જેના દ્વારા રેલવેને કરોડો રૂપિયાની કમાણી થાય છે. ડિજિટલ ડિસપ્લે બોર્ડ પર જાહેરાતોની સાથે રેલવે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પણ દર્શાવવામાં આવતી હોય છે. આપણે મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનો જ દાખલો લઇએ. મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન પર 44 ડિજિટલ ડિસપ્લે સ્ક્રીન લગાવવામાં આવી છે, જેના દ્વારા રેલવેને વાર્ષિક 41 લાખ રૂપિયા અને પાંચ વર્ષમાં 2 કરોડ 20 લાખ રૂપિયાની આવક થઇ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને