કેલિફોર્નિયાઃ લોસ એન્જલસના ઉત્તરમાં આવેલા પર્વતોમાં ફરી વિકરાળ આગ ભડકી ઉઠી છે. આ ઝડપથી ફેલાતી આગને કારણે બુધવારે ૫૦,૦૦૦થી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ અને ચેતવણી આપવામાં આવી હતી. આ દરમિયાન દક્ષિણ કેલિફોર્નિયામાં પહેલાથી જ સળગી રહેલી બે મોટી આગ ભારે પવનોને કારણે હજી પણ ભડકી રહી છે. જેને ઓલવવી મુશ્કેલ બની ગયું છે.
‘હ્યુજીસ ફાયર’ નામની આ આગ મોડી સવારે ફાટી નીકળી હતી અને થોડા કલાકોમાં ૩૯ ચોરસ કિલોમીટરથી વધુના વિસ્તારમાં ફેલાયેલા વૃક્ષો અને ઝાડીઓ બળીને ખાક થઇ ગયા હતા. જેના કારણે કાસ્ટિક તળાવ નજીક કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: લોસ એન્જલસની આગને કારણે ઓસ્કાર નોમિનેશનની જાહેરાત મોકૂફ
આ તળાવની આસપાસની આગ ત્રીજા અઠવાડિયે પણ સતત સળગી રહી છે. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું કે ૩૧,૦૦૦થી વધુ લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને અન્ય ૨૩,૦૦૦ લોકોને સ્થળાંતર કરવાની ચેતવણી આપવામાં આવી છે.
લોસ એન્જલસ કાઉન્ટીના ફાયર ચીફ એન્થોની મેરોને જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે, પરંતુ અગ્નિશામકો સંપૂર્ણ તાકાતથી કામ કરી રહ્યા છે. તેમજ તેમણે કહ્યું કે આંતરરાજ્યના પાંચ હાઇ-વે બંધ કરવામાં આવ્યા છે. જે ટૂંક સમયમાં ફરી ખુલ્લા મૂકવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને