A autobus  operator  advised Sangwan, who took Virat's wicket, to...

નવી દિલ્હી: ગયા અઠવાડિયે બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલીની પ્રાઈઝ વિકેટ લેનાર રેલવેની ટીમના ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે વિરાટની વિકેટ લેવા વિશે તેને એક બસના ડ્રાઇવરે સલાહ આપી હતી.

બધા જાણે છે કે ઘણા મહિનાઓથી ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં રમવામાં વિરાટ મૂંઝાઈ જય છે અને તેને એ જે તકલીફ થાય છે એનો તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં તેણે વારંવાર કડવો અનુભવ કર્યો હતો. તે ઑસ્ટ્રેલિયામાં દરેક ઇનિંગ્સમાં ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં શૉટ મારવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

સાંગવાન આ મૅચ પહેલાં જે બસમાં પ્રવાસ કરી રહ્યો હતો એના ડ્રાઇવર સાથે તેની થોડી વાતચીત થઈ હતી જેમાં ડ્રાઇવરે તેને સલાહ આપી હતી કે ‘વિરાટની વિકેટ લેવા માટે તું તેને પાંચમા સ્ટમ્પની લાઈનમાં બૉલ ફેંકજે એટલે તે કૅચ આપી દેશે.’
જોકે સાંગવાને વિરાટની વિકેટ એવા બૉલમાં નહોતી લીધી. તેણે ઑફ સ્ટમ્પની જરાક બહાર બૉલ ફેંક્યો હતો જેમાં ટપ પડ્યા પછી બૉલ અંદર આવ્યો હતો અને વિરાટના બૅટ અને સ્ટમ્પની વચ્ચેથી થઈને સ્ટમ્પ્સ પર ગયો હતો જેમાં તેનું ઑફ સ્ટમ્પ ઊખડીને દૂર ફેંકાઈ ગયું હતું.

કોહલીએ માત્ર 15મા બૉલે વિકેટ ગુમાવી હતી અને 6 રન બનાવીને નિરાશ હાલતમાં પૅવિલિયનમાં પાછો આવ્યો હતો.
સાંગવાને મુલાકાતમાં એવું પણ કહ્યું હતું કે ‘પહેલાં અમને એવું લાગ્યું હતું કે રિષભ પંત પણ આ મૅચમાં રમવાનો છે. જોકે આ મૅચ ટીવી પર લાઈવ બતાવવામાં આવશે એવી અમને જાણ નહોતી. અમને પછીથી ખબર પડી હતી કે રિષભ નથી રમવાનો પરંતુ વિરાટ કોહલી રમવાનો છે અને મૅચનું જીવંત પ્રસારણ થવાનું જ છે. અમારી રેલવેની ટીમના દરેક ખેલાડીને ખાતરી હતી કે વિરાટને હું જ આઉટ કરી શકીશ અને તેમની એ ધારણા સાચી પડી.’

સાંગવાને કહ્યું કે ‘બસ ડ્રાઈવરે મને બૉલ પાંચમા સ્ટમ્પ પર ફેંકવાની સલાહ આપી હતી, પરંતુ હું વિરાટને મારી રીતે આઉટ કરવા માગતો હતો. હું હંમેશાં સામેવાળાની નબળાઈને બદલે મારી તાકાત પર વધુ ધ્યાન આપતો હોઉં છું. મેં મારી ટૅલન્ટ મુજબ બૉલ ફેંક્યો અને એમાં વિરાટ ક્લીન બોલ્ડ થઈ ગયો.’

રણજી ટ્રોફીના એલીટ ગ્રૂપ ‘ડી’માંથી સૌરાષ્ટ્ર અને તામિલનાડુની ટીમ કવોર્ટર ફાઈનલમાં પહોંચી છે અને દિલ્હી તથા રેલવેની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે, પણ સાંગવાનને કરીઅરમાં હવે પછી સારી તકો મળશે અને તેના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે એમાં બે મત નથી.

આ પણ વાંચો…Viral Video: Hardik Pandyaએ કોના માટે કહ્યું, મૈં ઈશ્કા ઉસકા, વો આશિકી હૈ મેરી…

દિલ્હી, રેલવે તેમ જ ડોમેસ્ટિક ક્રિકેટના બીજા યુવાન ખેલાડીઓ માટે વિરાટ રોલ મૉડલ છે. સાંગવાને ગયા અઠવાડિયે વિરાટની વિકેટ લીધી ત્યાર પછી ડ્રેસિંગ રૂમમાં ખુદ વિરાટે તેની પ્રશંસા કરીને તેને તેની વિકેટવાળા બૉલ પર ફોટોગ્રાફ આપ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને