કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
સંજય દત્ત અને વિજય સેતુપતિ સાઉથની ફિલ્મોની રિ-મેક હિન્દીમાં બનવાનો સિલસિલો 70 વર્ષ જૂનો માનવામાં આવે છે. ફિલ્મઉદ્યોગના અભ્યાસુઓના કહેવા પ્રમાણે 1955માં તમિલ અને તેલુગુ એમ બે ભાષામાં બનેલી ખશતતફળળફ ખશતતશફળળફ ફિલ્મ પરથી હિન્દીમાં ‘મિસ મેરી’ નામથી રિ-મેક બની હતી. આ ફિલ્મમાં મીના કુમારી, કિશોર કુમાર અને જેમિની ગણેશન (એક્ટ્રેસ રેખાના પિતાશ્રી) હતા. સાઉથની બંને ભાષાના તેમ જ હિન્દી ફિલ્મના ડિરેક્ટર એલ. વી. પ્રસાદ હતા. એ પહેલાં એસ. એસ. વાસનની તમિળ ફિલ્મ ‘ચંદ્રલેખા’ (1948) હિન્દીમાં ડબ કરવામાં આવેલી પ્રથમ સાઉથની ફિલ્મ માનવામાં આવે છે. ત્યાર બાદ અનેક સાઉથની ફિલ્મોની હિન્દી રિ-મેક બની છે અને ઘણી હિન્દી ફિલ્મોની રિ-મેક સાઉથમાં પણ બની છે.
આ વાટકી વહેવાર અનેક વર્ષોથી ચાલતો આવ્યો છે. સાઉથની ઘણી અભિનેત્રીઓ હિન્દી ફિલ્મોમાં ઠસ્સો ઉમટાવવામાં સફળ રહી તો છેલ્લાં 25 વર્ષમાં સાઉથની ફિલ્મોમાં ગજું કાઢી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાઠું કાઢનારી તાપસી પન્નુ જેવી અભિનેત્રીઓની યાદી પણ ખાસ્સી લાંબી છે. આ વિશિષ્ટ વાટકી વહેવારમાં હવે એક નવો ફણગો ફૂટ્યો છે.. હિન્દી ફિલ્મોમાં વિલનના કિરદાર નિભાવતા એક્ટરો સાઉથની ફિલ્મોમાં ડિમાન્ડમાં આવ્યા છે અને એ જ રીતે સાઉથની ફિલ્મોના ખલનાયક હિન્દી ભાષાનાં ચિત્રપટોમાં પજવણી કરી રહ્યા છે.
આ લેટેસ્ટ ‘લીધા-દીધા’માં ઊડીને આંખે વળગે એવા બે વિલન છે સંજય દત્ત અને વિજય સેતુપતિ. ‘કેજીએફ ચેપ્ટર-2’ (2022)થી સંજય દત્તે સાઉથની ફિલ્મોમાં પગરણ કર્યાં તો 2023માં ‘મુંબઈકર’થી વિજય સેતુપતિની હિન્દી ફિલ્મમાં એન્ટ્રી થઈ. અલબત્ત, સાઉથના વિલનનો ચહેરો અને નામ જાણીતાં બન્યાં શાહરૂખ ખાનની ‘જવાન’ ફિલ્મના ખલનાયકના પાત્રથી. સંજય દત્ત તો સાઉથની પહેલી જ ફિલ્મમાં અધીરાના નેગેટિવ કેરેક્ટરથી સાઉથના દર્શકોમાં જાણીતો બની ગયો હતો. અત્યાર સુધીનો ટૂંકો પણ રસપ્રદ પ્રવાસ બંનેની આવતી કાલ ઉજ્જવળ હશે એવાં એંધાણ આપનારો જરૂર છે.
પહેલાં વાત કરીએ આપણા સંજુબાબાની – સંજય દત્તની. 1981માં ‘રોકી’ ફિલ્મથી નાયક બનેલા સંજય દત્તનું વ્યક્તિત્વ સુંવાળા, દેખાવડા હીરોનું નહોતું. કરિયરના પ્રારંભથી જ સંજુબાબાની પડદા બહારની ઈમેજ ટિપિકલ હીરોથી વિપરીત હતી. એક તબક્કે સંજય દત્ત માટે કપરાં ચડાણ હતાં ત્યારે ‘અગ્નિપથ’ (2012)માં કેફી દ્રવ્યોના સમ્રાટ કાંચા ચીનાના રોલથી સંજય દત્તને ધોળા આકાશમાં નવું કાળું કિરણ મળ્યું. રિયલ લાઈફમાં ‘ખરાબ છોકરો’ના લાગેલા લેબલનું રીલ લાઈફમાં પ્રભાવી વિલનમાં રૂપાંતર થયું. 2019માં ‘પાનીપત’ અને ‘પ્રસ્થાનમ’ બૉક્સ ઑફિસ પર નિષ્ફળ નીવડી, પણ સંજય દત્ત માટે એન્ટી હીરોની કેડી તૈયાર થઈ ગઈ. 2022ની કન્નડ ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર-2’માં ગેંગસ્ટર અધીરાના પાત્રમાં દર્શકોને ગમી ગયો. સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભ્યાસુની દલીલ છે કે ‘સાઉથની દરેક ભાષાની ફિલ્મમાં એકના એક કલાકારને વિલનના રોલમાં જોઈ દર્શકો કંટાળી જાય છે. વળી આજકાલ પેન – ઈન્ડિયન સિનેમા (એક ભાષામાં બનેલી ફિલ્મ વિવિધ ભાષામાં ડબ કરી રિલીઝ કરવામાં આવે)નો દોર ચાલી રહ્યો હોવાથી અન્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોની વરણી કરવામાં આવે છે. પરિણામે જો બોલિવૂડનો કોઈ જાણીતો ચહેરો હોય તો હિન્દી વર્ઝનમાં ફિલ્મ પ્રમોશનમાં મદદ મળે છે.’
કન્નડ ફિલ્મ પછી તમિળ ફિલ્મ ‘લિયો’ અને ગયા વર્ષે આવેલી ‘ડબલ આઈસ્માર્ટ’ ફિલ્મથી વિલન તરીકે સંજય દત્તનો ટાંટિયો સાઉથની ફિલ્મોમાં મજબૂત થઈ ગયો. સંજયનું શારીરિક સૌષ્ઠવ અને વ્યક્તિત્વ સાઉથના સ્ટાર સામે ટક્કર મારે એવું હતું. એની ઉંમર, એનો વિશાળ અનુભવ અને પડદા પર લાગતા એના પ્રભાવી વ્યક્તિત્વને કારણે સાઉથના ડિરેકટરો એના માટે ખાસ રોલ તૈયાર કરી રહ્યા છે અને સંજય આમાં સાંગોપાંગ ઊતરી રહ્યો છે. એની આગામી કન્નડ ફિલ્મ ‘કેડી – ડેવિલ’ એનું સ્થાન વધુ મજબૂત બનાવશે એવી આશા અસ્થાને નથી.
બીજી તરફ, સાઉથની હિન્દીમાં ડબ્ડ થયેલી ફિલ્મોના શોખીન વર્ગ માટે વિજય સેતુપતિ અજાણ્યું નામ કે અજાણ્યો કલાકાર નથી. ‘ફાઈટવાલા’, ‘ઐસી દીવાનગી’, ‘રમી ધ ગ્રેટ ગેમ્બલર’ વગેરે સાઉથની ડબ થયેલી એની ફિલ્મોનાં હિન્દી નામ છે. સાઉથની ફિલ્મોમાં છેલ્લાં બારેક વર્ષથી નિયમિત હીરોના રોલ કરી લોકપ્રિયતા મેળવનાર વિજય સેતુપતિની હિન્દી ફિલ્મમાં એન્ટ્રી સિનેમેટોગ્રાફર-ડિરેક્ટર સંતોષ સિવનની ‘મુંબઈકર’ (2023)થી થઈ. અલબત્ત, આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી અને દર્શકો તેમ જ વિવેચકોએ મોઢું મચકોડ્યું હતું. જોકે, એ જ વર્ષે શાહરૂખની ‘જવાન’ના વિલન કાલી ગાયકવાડ તરીકે હિન્દી ફિલ્મરસિકોના પણ ધ્યાનમાં આવ્યો. અનેક લોકોને એનો અભિનય પસંદ પડ્યો અને સંજય દત્તનું દક્ષિણાયન થયું એમ વિજય સેતુપતિના ઉત્તરાયણનો પ્રારંભ થયો. ગયા વર્ષે શ્રીરામ રાઘવનની ‘મેરી ક્રિસમસ’માં હત્યારા આલબર્ટ આરોગ્ય સ્વામી તરીકે જોવા મળ્યો. બૉક્સ ઑફિસ પર ફિલ્મ કંઈ ન ઉકાળી શકી, પણ વિજયનું સ્થાન વધુ મજબૂત થયું. ગયા વર્ષે એક્ટરની તમિળ ફિલ્મ ‘મહારાજા’ ઓટીટી પર રિલીઝ થઈ ત્યારે અને એ જ રીતે શાહિદ ક્પૂરની ફિલ્મ ‘ફરજી’માં એનો પોલીસ ઈન્સ્પેકટરનો રોલ પણ હિન્દી ફિલ્મના શોખીનોને ખૂબ પસંદ પડ્યો હતો. ટૂંકમાં સાઉથની ફિલ્મોના દર્શકોને વિલન તરીકે સંજય દત્ત મળ્યો છે, ગમ્યો છે, તો હિન્દી ફિલ્મના ચાહકોને વિજય સેતુપતિનો લાભ-આવકાર મળી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને