વૈશ્ર્વિક સોનામાં નરમાઈ, સ્થાનિકમાં ₹ ૨૩૦ ઝળકયું, ચાંદીમાં ₹ ૨૮૬નો સુધારો

1 hour ago 1

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગત શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો નોંધાયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ અને મધ્યપૂર્વના દેશોનો તણાવ હળવો થવાની શક્યતા વચ્ચે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સાધારણ નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ઘટ્યા મથાળેથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૯થી ૨૩૦નો અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી રૂ. ૨૮૬નો સુધારો જોવા મળ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ગત શુક્રવારના વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા આજે વિશ્ર્વ બજારથી વિપરીત સોના અને ચાંદીમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગનો ટેકો મળતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૮૬ના સુધારા સાથે ફરી રૂ. ૯૬,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૯૬,૦૮૬ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા બંધ સામે ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૯ વધીને રૂ. ૭૭,૯૩૨ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૩૦ વધીને રૂ. ૭૮,૨૪૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી. તેમ જ આજથી દિવાળીના તહેવારોનો આરંભ થઈ રહ્યો હોવાથી રિટેલ સ્તરની ઘરાકીની ચહેલપહેલ શરૂ થઈ છે, પરંતુ કામકાજોના વૉલ્યૂમ પાંખાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના અને ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને આ સપ્તાહે અમેરિકાના ફુગાવાના અને રોજગારીના જાહેર થનારા ડેટા પર રોકાણકારોની નજર હોવાથી સાવચેતીના અભિગમ અને મધ્યપૂર્વના દેશોમાં તણાવ હળવો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૭૩૧.૭૯ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા ઘટીને ૨૭૪૪.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે એક ટકા ઘટીને ઔંસદીઠ ૩૩.૩૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં એપ્રિલ, ૨૦૨૨ પછીનો માસિક ધોરણે સૌથી વધુ સુધારો જોવા મળી રહ્યો હોવાથી પણ સોનામાં સુધારો રૂંધાઈ રહ્યો છે. તેમ છતાં મક્કમ અન્ડરટોન સાથે ભાવ ઔંસદીઠ ૨૮૦૦ ડૉલર તરફ આગેકૂચ કરશે. જોકે, રોકાણકારોની નજર આ સપ્તાહે જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટા ઉપરાંત ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતના નિર્ણય પર મંડાયેલી રહેશે, એમ કેસીએમ ટ્રેડના વિશ્ર્લેષક ટીમ વૉટરરે જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહે અમેરિકાનાં જાહેર થનારા ડેટાઓમાં રોજગારીનાં અહેવાલ અને પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર ડેટાનો સમાવેશ થાય છે અને ત્યાર બાદના સપ્તાહમાં ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કપાત કરવામાં આવે છે કે કેમ તેના પર રોકાણકારોની મીટ મંડાયેલી રહેશે. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો આગામી નીતિનિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવી ૯૮ ટકા ધારણા મૂકી રહ્યા છે.

દરમિયાન વર્તમાન વર્ષ ૨૦૨૪નાં પહેલા ત્રિમાસિકગાળામાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની આભૂષણોની માગમાં વર્ષાનુવર્ષ ધોરણે ૧૧.૧૮ ટકાનો ઘટાડો થયો હોવાનું ચીનના ગોલ્ડ એસોસિયેશને એક યાદીમાં જણાવ્યું હતું.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article