(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વિતેલા સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનામાં છેલ્લાં પાંચ સત્રમાં એકતરફી તેજીનો માહોલ રહ્યા બાદ આજે નફારૂપી વેચવાલીનું દબાણ ઉપરાંત અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી યુએસ ટ્રેઝરી સેક્રેટરી તરીકે ફંડ મેનેજર સ્કોટ બેસન્ટની નિયુક્તિ કરી હોવાના નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી 14 પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થતાં ભાવ વિશ્વ બજારની સરખામણીમાં વધુ દબાણ હેઠળ આવતા મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1084થી 1089નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1762 ગબડી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1762 ગબડીને ફરી રૂ. 90,000ની સપાટીની અંદર ઉતરીને રૂ. 89,088ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વશ્વિક નિરુત્સાહી અહેવાલ, ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ તેમ જ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો, રોકાણકારો અને રિટેલ સ્તરની લેવાલી મર્યાદિત રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1084 ઘટીને રૂ. 76,391 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ.
1089 ઘટીને રૂ. 76,698ના મથાળે રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગત સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં પાંચ ટકા જેટલો ઊછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેવાની સાથે અમેરિકાના નવાં ચૂંટાયેલા પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી ટ્રેઝરી સચિવ તરીકે ફંડ મેનેજર સ્કોટ બેસન્ટની નિયુક્તિ કરતાં અમેરિકા-ચીન વચ્ચેની વેપાર અંગેની અનિશ્ચિતતા હળવી થવાની શક્યતાને ધ્યાનમાં લેતા સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 1.8 ટકા ઘટીને આૈંસદીઠ 2664.53 ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.7 ટકા ઘટીને 2666.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 2.2 ટકા ગબડીને આૈંસદીઠ 30.63 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
Also Read – વર્તમાન નાણાકીય વર્ષમાં સીધા વેરાની વસૂલી લક્ષ્યાંક કરતાં વધશે: જાણો કેટલા ઠલવાશે સરકારની તિજોરીમાં
હવે રોકાણકારોની નજર સપ્તાહ દરમિયાન જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ ઉપરાંત સુધારિત જીડીપીના ડેટા અને પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ છે. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે ફેડરલના ઘણાં નીતિ ઘડવૈયાઓએ ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરી હોવાથી ગત સપ્તાહે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા ટ્રેડરો જે 62 ટકા વ્યક્ત કરતા હતા. તેની સામે આજે 56 ટકા શક્યતા વ્યક્ત થઈ રહી હતી. જે આ ટકાવારી 62 ટકાના સ્તરે હતી.
જોકે, આગામી ટૂંકા સમયગાળા દરમિયાન રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતો રહે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને