-ભરત વૈષ્ણવ
‘ચિકના, ખબર પક્કી હૈ ને ?’ સલમાને પૂછયું. સલમાન એકસાઈટેડ હતો. સલમાને હથેળી ઘસી. પક્યાને સૌ લાડમાં ‘ચિકનો’ કહેતા હતા. દેખાવે એ ઢાંસુ હેન્ડસમ હતો. પક્યો હાલની લાઈન છોડીને ફિલ્મ લાઈનમાં પડ્યો હોત તો પક્યો રૉમેન્ટિક સ્ટાર બનીને લાખો-કરોડો રૂપિયાની નોટો રળતો હોત, પરંતુ, હાય રે કિસ્મત.પક્યાનું નસીબ એવું ખરાબ હતું કે આકાશમાંથી પડીને ખજૂરે લટક્યો જેવી સ્થિતિ હતી.
Also read: વલો કચ્છ: લંડનમાં ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’
‘હા, ભાઈ … હંડ્રેડ પર્સેન્ટ પક્કી હૈ. ખબર ગલત નીકલે તો મુજે ગોલી માર દેને કા. ટેન્શન લેને કા નહીં, બોસ…. ટેન્શન દેને કા!’ પક્યાએ જવાબ આપ્યો.
‘ચિકને કોઈ પોલીસ ફોલીસ કા કોઈ લફડા નહીં હોને મંગતા.’ સલમાને કહ્યું. ‘અરે બોસ, પંદરાહ દિનસે સ્પોટ કી સટીક રેકી કર રહા હૂં. વો સ્પોટ પે દિન કો બહોત ચહલપહલ હોતી હૈ. બડા સેન્ટર હૈ. બહોત લોગ આતે-જાતે રહેતે હૈ.’ પક્યાએ માહિતી આપી.
‘ઔર સીસીટીવી કા કયા?’ સલમાને ઠંડા કલેજે પૂછયું. દો-તીન દિન સે સીસીટીવી ઠપ્પ પડા હૈ. દિવાલી કે ત્યૌહારો કે કારણ કોઈ ટેક્નિકલ આદમી સીસીટીવી ઠીક કરને કો નહીં આયા હૈ.’ રાજુ રદીએ લેટેસ્ટ માહિતી શેર કરી.
‘કિતના માલ મિલેંગા?’ સલમાનના અવાજમાં અધીરાઈ ટપકતી હતી..
‘ભીડું, હમ સબ લોગો કો છે મહિને તક હાથ-પૈર નહીં મારને પડેંગે. ઇતના તગડા માલ મિલેંગા. હર એક કો કમ સે કમ પંદરાહ લાખ રૂપિયે મિલેંગે!’ પક્યાએ ફોડ પાડ્યો. પક્યાના હાથમાં ખંજવાળ-ખણ આવતી હતી.
‘પકયા, ૧૫ લાખ ખાતે મેં જમા હોને કે વો સરકારી જુમલે સે મેં ઉબ ગયા હૂં…. કોઈ ઐસા જુમલા તો નહીં હોયેગાં ન?’ સલમાન કો ઐસે ચુનાવી જુમલા-જુગાડસે ડર લગતા હૈ!’ સલમાને કહ્યું.
‘ભાઇ, હમેં ચુનાવ લડને થોડી જાના હૈ? હમ તો પસીના બહા કે દો પૈસા કમાને જા રહે હૈ ઔર જોખિમ ભી ઊઠા રહે હૈ..ભાઈ, હમ હોંગે કામિયાબ ઉસ દિન.’ રાજુએ જુમલા-જુગાડ અને જૉબ વચ્ચેનો તફાવત જણાવ્યો.
‘તો પરમ દિવસે રાતે બાર વાગ્યે મિલતે હૈ ઔર ઑપરેશન કો આખરી અંજામ દેંગે. બેસ્ટ ઑફ લક.’ સલમાન અને એની ગૅન્ગના સાથી છૂટા પડયા.
બે દિવસ પછી. રાતના સમયે માંદલી સ્ટ્રીટ લાઈટ મરવાના વાંકે રોશની આપતી હતી. ક્યાંક ગલ્લા પર નિશાચર જેવા લોકો બિરયાની ઝાપટી રહ્યા હતા. રસ્તા પર વાહનોની સામાન્ય અવરજવર પણ ગાયબ હતી. ત્રણ બુકાનીધારી એક જગ્યાએ લપક્યા. બૉર્ડમાં અંગ્રેજીમાં કંઈક લખેલું. કોઈ બૅન્કનો લોગો પણ લગાવ્યો હતો. ભૂરા-લાલ રંગના નિયોન બોર્ડમાં બૅન્કનું નામ ચમકતું હતું.
બુકાનીધારીઓ બૅન્કના મકાનમાં ઘૂસ્યા. કદાચ રાતના સમયે પૈસા ઉપાડવા હશે. પૈસા ઉપાડવા જાય તો બુકાની બાંધવાની શું જરૂર હશે?
બુકાનીઘારી પૈકી એક રોડ પર ધ્યાન રાખતો હતો. બીજા બે બુકાનીધાકીએ મશીનને હચમચાવ્યું. ઇલેકટ્રિકની મૅન સ્વિચ બંધ કરી. મશીનના વાયરો અલગ કર્યા. બંને જણાએ મશીન ઢસેડયું. મશીનને જેમતેમ કરીને ટેમ્પામાં ચડાવ્યું. શિયાળાની રાતે પણ પેલા તમામ પરસેવે રેબઝેબ થઈ ગયા. ઑપરેશન સફળ થયું તેનો આનંદ થઈ રહ્યો હતો.
આકાશના તારા તોડવા જેવું કામ આંકડે મધ જેવું લાગ્યું. માનો કે બગાસું ખાતા પતાસું મળ્યું! બુકાનીધારીના મનમાં લડ્ડુ ફૂટી રહ્યા હતા. સલમાનને ગેરેજ શરૂ કરવું હતું. પક્યાને યુનિસેકસ સલૂન શરૂ કરી હકીમ વૈરાનવી જેવા ફિલ્મી હેરડ્રેસર બનવું હતું. મીણબત્તીથી વાળ કાપવાનો કરતબ કરવો હતો. રાજુ રદી ચોરીના ભાગમાંથી હાથ પીળા કરીને સ્ટાલિન-ચંદ્રાબાબુ નાયડુની હાકલનું પાલન કરી પંદર-સોળ સંતાનો પેદા કરવાની અને દેશસેવા કરવાની ખ્વાહિશ પંપાળતો હતો. સૌ બુકાનીધારીઓ મુંગેરીલાલ કે શેખચલ્લીની જેમ સપનાં પંપાળતાં વેરાન જગ્યાએ ટેમ્પો અટકાવે છે.
ટેમ્પામાંથી મશીન ઉતારે છે. પક્કડપાનાથી મશીન ખોલવાની મથામણ કરે છે. ગૅસ કટરથી પતરું કાપે છે. પકયા, સલમાન, રાજુ રદીને સુખનો પ્યાલો હોઠ સુધી આવ્યો હોય તેવું લાગે છે. સમુદ્રમંથન કર્યા પછી દેવો-દાનવોને અમૃતપાન કરવાની જેવી ઉત્કંઠા તેવી જ ઉત્કંઠા એટીએમની ટ્રેમાં રાખેલી પહેલી ઘારના દારૂ જેવી પાંચસો રૂપિયાની કડક કડક નોટો થેલામાં ભરી અંધારામાં ઓગળી જવાની મહેચ્છા ભડભડતી હતી.
રાતોરાત અમીર થવા માટે ટપોરી ટાઇપ લડકાઓ ‘યુ ટયુબ’ કે ‘ક્રાઇમ પેટ્રોલ’ જેવા ગુનાખોરીના કાર્યક્રમ જોઈને ચોરી ચપાટી જેવી ઘટનાને અંજામ આપે છે.
કડડડ કડડડ કરતું મશીન ખોલ્યું. બિલકુલ હોરર ફિલ્મ જેવો માહૌલ. સૌના શ્ર્વાસોચ્છ્વાસ અનિયંત્રિત રીતે ઊછળતા હતા. સૌ મટકું માર્યા સિવાય ડ્રીમગર્લ જેવા ડ્રીમ મશીનને જોઈ રહ્યા હતા. સસ્પેન્શન વધતું ચાલ્યું. પકયા, સલમાન અને રાજુ રદી સ્ટેચ્યુની જેમ સ્તબ્ધ, પકયાએ દુંદાળા દેવ ગણપતિનું સ્મરણ કરીને મશીન પૂરેપૂરું ખોલ્યું. હાઇલા… આ શું? મશીનમાં પચાસ, સો, બસો, પાંચસો રૂપિયા રાખવાની ટ્રેના સ્થાને શું હતું? સૌનાં સપનાં ચકનાચૂર થઈ ગયાં. ધરતી ગોળ ગોળ ફરવા લાગી. આ શું થયું? લાપશીને બદલે થૂલી? સલમાનની ગૅન્ગ ચોરી કરવાના અતિ ઉત્સાહમાં ચેક કર્યા સિવાય પાસબુક પ્રિન્ટ કરવાનું મશીન ઉપાડી લાવ્યા હતા…. !
Also read: ઈકો-સ્પેશિયલ: દેશના અર્થપૂર્ણ વિકાસ માટે જવાબદાર મૂડીવાદ ને આર્થિક સમાનતાનાં લક્ષ્ય જરૂરી છ
બોસ સલમાન પકયા અને રાજુ રદી તરફ ફરીને બરાડાયો:
‘એની માને….!