Shivam Dube becomes world's archetypal  cricketer to triumph   consecutive 30 T20 internationals

મુંબઈઃ 31 વર્ષના ઑલરાઉન્ડર અને મુંબઈના રહેવાસી શિવમ દુબેએ સાધારણ પર્ફોર્મ કરવા છતાં પણ અનોખો વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો છે. લાગલગાટ 30 ટી-20 ઇન્ટરનૅશનલ મૅચમાં વિજય મેળવનાર તે વિશ્વનો પહેલો જ ક્રિકેટર છે. બીજી રીતે કહીએ તો ટીમ ઇન્ડિયા માટે શિવમ દુબે 100 ટકા નસીબવંતો છે.

શિવમે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં સતત 30મી ટી-20 જીત માણી હતી. યોગાનુયોગ, એ મૅચમાં તેણે 30 રન બનાવ્યા હતા. ત્યાર બાદ તેણે 11 રનમાં બે વિકેટ લીધી હતી. ભારતે એ મૅચમાં નવ વિકેટે 247 રન બનાવ્યા હતા અને પછી જૉસ બટલરના સુકાનમાં ઇંગ્લૅન્ડની ટીમ ફક્ત 97 રનમાં આઉટ થઈ જતાં ભારતે 150 રનના માર્જિનથી વિજય મેળવ્યો હતો. ભારતે સૂર્યકુમારના સુકાનમાં સિરીઝની ટ્રોફી 4-1થી જીતી લીધી હતી.

શિવમે 2019ની ત્રીજી નવેમ્બરે બાંગ્લાદેશ સામેની મૅચથી ટી-20માં ડેબ્યૂ કર્યું હતું. તિરુવનન્થપુરમમાં તે કરીઅરની જે પાંચમી ટી-20 રમ્યો હતો એમાં ભારતનો બાંગ્લાદેશ સામે આઠ વિકેટે પરાજય થયો હતો. ત્યારથી માંડીને આ રવિવાર સુધીમાં તે જે પણ (કુલ 30) ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ એ દરેકમાં તેણે વિજય માણ્યો છે.

નવાઈની વાત એ છે કે ઇંગ્લૅન્ડ સામે રવિવારે પૂરી થયેલી ટી-20 સિરીઝ માટેની ટીમમાં ખરેખર તો શિવમનો સમાવેશ હતો જ નહીં. ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને ઈજા થઈ એટલે તેના સ્થાને શિવમને સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો હતો. શિવમને શ્રેણીની છેલ્લી બે મૅચમાં રમવા મળ્યું અને એ બન્ને મૅચમાં ભારતનો વિજય થયો.

આ પણ વાંચો: ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે ‘જૂનના વર્લ્ડ કપ માટે હાર્દિક કરતાં શિવમ દુબે ઘણો સારો’

ચેન્નઈ સુપર કિંગ્સે એક્સ' પરના સત્તાવાર અકાઉન્ટ પર શિવમ દુબેને આ વિરલ સિદ્ધિ બદલ અભિનંદન આપતી પોસ્ટ શૅર કરી હતી જેની કૅપ્શનમાં લખ્યું હતું,જો દુબે રમે તો ભારત જીત્યું જ સમજો. ભારતનો 30-0નો વિનિંગ રેકૉર્ડ છે અને એ સિલસિલો હજી ચાલુ જ છે.’

સીએસકેના ગ્રાફિક પર લખાયું હતું, `મેન્સ ક્રિકેટમાં એક પણ પરાજય વિનાની સૌથી લાંબી વિજયકૂચ. 30-0…છેક 11/12/2019થી.’

શિવમ દુબેએ કુલ 35 ટી-20માં 531 રન બનાવ્યા છે અને 13 વિકેટ લીધી છે. તે ચાર હાફ સેન્ચુરી ફટકારી શક્યો છે. તેનો એકંદર પર્ફોર્મન્સ સામાન્ય હોવા છતાં ટીમ ઇન્ડિયા માટે ટી-20માં તે હંમેશાં નસીબદાર રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને