Shiv Sena and BJP's Chief Minister Tussle Reignites

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
શિવસેના અને ભાજપનું ગઠબંધન પાંચ વર્ષ પહેલા તૂટી ગયું હતું. મુખ્ય પ્રધાનપદને મુદ્દે બંને પક્ષો વચ્ચેનું જોડાણ તુટ્યું હતું. હવે પાંચ વર્ષ પછી ફરી એ જ ઘટનાઓની ઘટમાળ શરૂ થઈ રહી છે. એવું જોવા મળી રહ્યું છે કે ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાનપદને લઈને લડાઈ શરૂ થઈ રહી છે. ભાજપ ફરી એકવાર મુખ્ય પ્રધાનપદ છોડવા તૈયાર નથી. ભાજપ દ્વારા મુખ્ય પ્રધાનપદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા ચાલી રહી છે. જે બાદ શિવસેનાએ હવે મહાયુતિના અન્ય ઘટક પક્ષ એનસીપીનો સંપર્ક કર્યો છે. શિંદેની શિવસેના દ્વારા એનસીપીને મુખ્ય પ્રધાનપદ માટે એકનાથ શિંદેને સમર્થન આપવાની વિનંતી કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી એનસીપીએ આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

આ પણ વાંચો: અમિત શાહ આજે મુંબઇ આવશે, મુખ્ય પ્રધાનની જાહેરાત કરશે

શિવસેના મુખ્ય પ્રધાનપદ જાળવી રાખવા માટે મરણિયા પ્રયાસો કરી રહી છે. શિંદેના નેતૃત્વમાં મહાયુતિએ વિધાનસભામાં જોરદાર જીત મેળવી હતી. આથી શિવસેના એવી દલીલ કરી રહી છે કે જો વિજય બાદ તરત જ તેમને મુખ્ય પ્રધાનપદ પરથી હટાવવામાં આવશે તો તેનાથી મતદારોમાં ખોટો સંદેશ જશે. પરંતુ 132 જેટલી બેઠકો જીતનાર ભાજપ મુખ્ય પ્રધાનપદ છોડવા તૈયાર નથી. નેતૃત્વ પર દબાણ વધ્યું છે, કારણ કે કાર્યકરો સતત નેતાઓને પૂછી રહ્યા છે કે તેઓએ શા માટે દર વખતે બલિદાન આપવું જોઈએ. તેથી ભાજપ મુખ્ય પ્રધાનપદ પોતાની પાસે જાળવી રાખશે.

આ પણ વાંચો: આવતીકાલે CMનું સસ્પેન્સ ખુલશે: શિંદે-સેના

એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે ગઈ કાલે કહ્યું હતું કે જો ફડણવીસ ભાજપના મુખ્યમંત્રી બને તો અમારી પાસે વાંધો કે વિરોધ કરવાનું કોઈ કારણ નથી. એનસીપીનું વલણ એ છે કે ભાજપ મુખ્ય પ્રધાન બને. તેથી હવે શિવસેનાએ તેમને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો શરૂ કર્યા છે. શિવસેનાએ મંગળવારે આ માટે એનસીપીના નેતાઓનો સંપર્ક કર્યો હતો. મુંબઈમાં બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓએ આ મુદ્દે એક કલાક સુધી ચર્ચા પણ કરી હતી.

શિવસેનાના વરિષ્ઠ સ્તરે એનસીપીને મુખ્ય પ્રધાનપદ માટે શિવસેનાને સમર્થન આપવા વિનંતી કરી છે. શિવસેના એનસીપીનું સમર્થન મેળવીને ભાજપ પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહી છે.
સેનાના વરિષ્ઠ નેતાઓ માને છે કે જો એનસીપીએ તેમને સમર્થન આપ્યું હોત તો ચિત્ર બદલાઈ શક્યું હોત. આથી તેમણે એનસીપીના નેતાઓ સાથે વાતચીત શરૂ કરી છે. શિવસેનાએ સમર્થન માંગ્યું હોવા છતાં એનસીપીએ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. તેથી રાજકીય વર્તુળમાં ઝડપી અને રસપ્રદ ઘટનાક્રમો જોવા મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને