રોહતક: હરિયાણાનો પેસ બોલર અંશુલ કંબોજ (30.1-9-49-10) રણજી ટ્રોફીની રેકોર્ડ બુકમાં આવી ગયો છે. તેણે અહીં આજે કેરળ સામેની એલીટ, ગ્રૂપ ‘સી’ની મૅચમાં પ્રથમ દાવમાં તમામ 10 વિકેટ લીધી હતી.
24 વર્ષનો કંબોજ હરિયાણાનો છે અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂક્યો છે. તે બૅટિંગ ઑલરાઉન્ડર છે. તે રાઈટ-હૅન્ડ બૅટર અને રાઈટ-આર્મ મિડિયમ પેસ બોલર છે.
તેણે સચિન બૅબીની કેપ્ટ્ન્સીમાં રમતી કેરળની ટીમના બધા 10 બૅટરની વિકેટ લીધી હતી. એમાં છ બૅટર કૅચઆઉટ અને ત્રણ ક્લીન બોલ્ડ થયા હતા. એક બૅટરને તેણે એલબીડબલ્યૂ કર્યો હતો.
આ પણ વાંચો :ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદીઃ બ્રાયન લારાના રેકોર્ડને તોડ્યો
કેરળના ચાર બૅટરે હાફ સેન્ચુરી ફટકારી હતી, પણ એકેય બૅટરને કંબોજે 60 રનથી આગળ નહોતો જવા દીધો.
આ રણજી મૅચ ચાર દિવસની છે. ગુરુવારના બીજા દિવસે કંબોજે આઠ વિકેટ લીધી હતી અને આજે તેણે રેકોર્ડ બુકમાં આવવા બાકીની બે વિકેટ લેવાની હતી જે તેણે ત્રણ ઓવરમાં લઈ લીધી હતી.
કંબોજ રણજી ટ્રોફીના એક દાવમાં તમામ 10 વિકેટ લેનાર ત્રીજો બોલર છે. અગાઉના બે વિક્રમી બોલરની વિગત આ મુજબ છે: (1) બેંગાલના પ્રેમાંગ્સુ ચેટરજી, 1956માં અને (2) રાજસ્થાનના પ્રદીપ સુંદર, 1985માં.