શ્રી રતન ટાટાની ગેરહાજરી દેશમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં અનુભવાય છે

2 hours ago 1

શ્રી રતન ટાટાજી આપણને છોડીને ગયા તેને એક મહિનો થઈ ગયો છે. ધમધમતાં શહેરો અને નગરોથી માંડીને ગામડાઓ સુધી, તેમની ગેરહાજરી સમાજના દરેક વર્ગમાં ઊંડે સુધી અનુભવાય છે. અનુભવી ઉદ્યોગપતિઓ, ઊભરતા ઉદ્યોગસાહસિકો અને મહેનતુ વ્યાવસાયિકો તેમના અવસાન પર શોક વ્યક્ત કરે છે. પર્યાવરણ પ્રત્યે પ્રખર અને પરોપકાર માટે સમર્પિત લોકો પણ એટલા જ દુ:ખી છે. તેમની ગેરહાજરી માત્ર દેશભરમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં ઊંડે સુધી અનુભવાઈ રહી છે.

યુવાનો માટે, શ્રી રતન ટાટા એક પ્રેરણા રૂપ હતા, જે યાદ અપાવે છે કે સપનાઓ અનુસરવા યોગ્ય છે અને સફળતા, કરુણા તેમજ નમ્રતા સાથે મળી શકે છે. અન્ય લોકો માટે, તેમણે ભારતીય ઉદ્યમની શ્રેષ્ઠ પરંપરાઓ અને અખંડિતતા, શ્રેષ્ઠતા અને સેવાના મૂલ્યો પ્રત્યે અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કર્યું. તેમના નેતૃત્વ હેઠળ ટાટા ગ્રૂપે વિશ્ર્વભરમાં આદર, પ્રામાણિકતા અને વિશ્ર્વસનીયતાને મૂર્ત સ્વરૂપ આપતા નવી ઊંચાઈઓને સ્પર્શ્યું. આમ છતાં, તેમણે તેમની સિદ્ધિઓને હળવાશથી, નમ્રતા અને ઉદારતા સાથે સ્વીકારી હતી.

અન્યોનાં સપનાં પ્રત્યે શ્રી રતન ટાટાનું અતૂટ સમર્થન તેમની સૌથી મોટી વિશેષતાઓમાંથી એક હતી. તાજેતરનાં વર્ષોમાં, તેઓ ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને માર્ગદર્શન આપવા અને ઘણા આશાસ્પદ સાહસોમાં રોકાણ કરવા માટે જાણીતા બન્યા. તેમણે યુવા ઉદ્યોગ સાહસિકોની આશાઓ અને આકાંક્ષાઓને સમજી અને ભારતના ભવિષ્યને આકાર આપવાની તેમની પાસે રહેલી ક્ષમતાને ઓળખી. તેમના પ્રયાસોને સમર્થન આપીને, તેમણે સ્વપ્ન જોનારાઓની પેઢીને હિંમતભેર જોખમો લેવા અને સીમાઓને આગળ ધપાવવા માટે સશક્તિકરણ કર્યું. આ નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિ બનાવવા માટે એક લાંબો રસ્તો કાપ્યો છે, જેને લઈને મને વિશ્ર્વાસ છે કે આવનારા દાયકાઓ સુધી ભારત પર તેની સકારાત્મક અસર પડતી રહેશે.
તેમણે હંમેશાં ઉત્કૃષ્ટતાની તરફદારી કરી અને ભારતીય સાહસિકોને વૈશ્ર્વિક બેન્ચમાર્ક નિર્ધારિત કરવા માટેનો આગ્રહ કર્યો. મને આશા છે કે આ દ્રષ્ટિ આપણા ભાવિ નેતાઓને ભારતને વિશ્ર્વ સ્તરની ગુણવત્તાનો પર્યાય બનાવવા માટે પ્રેરણા આપશે.

તેમની મહાનતા માત્ર બોર્ડરૂમ અથવા સાથી માનવોને મદદ કરવા સુધી મર્યાદિત ન હતી. તેમની કરુણા તમામ જીવો પર વિસ્તરેલી હતી. પ્રાણીઓ પ્રત્યેનો તેમનો ઊંડો પ્રેમ જાણીતો હતો અને તેમણે પ્રાણી કલ્યાણ પર કેન્દ્રિત દરેક સંભવિત પ્રયાસોને સમર્થન આપ્યું હતું. તેઓ અવારનવાર તેમના શ્ર્વાનોના ફોટો શેર કરતા, જે તેમના જીવનનો એટલો જ ભાગ હતો જેટલું કે કોઈ વ્યવસાયિક સાહસ. તેમનું જીવન આપણા બધાને એ યાદ અપાવે છે સાચું નેતૃત્વ ફક્ત કોઈની સિદ્ધિઓ દ્વારા જ નહીં, પરંતુ સૌથી વધુ નબળા લોકોની સંભાળ રાખવાની ક્ષમતા દ્વારા માપવામાં આવે છે.

કરોડો ભારતીયો માટે, શ્રી રતન ટાટાની દેશભક્તિ સંકટના સમયમાં સૌથી વધુ ચમકતી હતી. ૨૬/૧૧ના આતંકવાદી હુમલા પછી મુંબઈમાં પ્રતિષ્ઠિત તાજ હોટેલને ફરીથી ખોલવી તે રાષ્ટ્ર માટે એક આહ્વાન હતું – ભારત એકજૂથ છે, આતંકવાદ સામે કોઈ પણ કાળે ઝૂકવાનો ઈનકાર કરે છે.

વ્યક્તિગત રીતે, મને વર્ષોથી તેમને ખૂબ નજીકથી જાણવાનું સૌભાગ્ય મળ્યું છે. અમે ગુજરાતમાં સાથે મળીને કામ કર્યું, જ્યાં તેમણે મોટા પાયે રોકાણ કર્યું છે, જેમાં એવા ઘણા પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે, જેને લઈને તેઓ ભાવુક હતા. થોડાં અઠવાડિયાં પહેલાં, હું સ્પેન સરકારના પ્રમુખ શ્રી પેડ્રો સાંચેઝ સાથે વડોદરામાં હતો અને અમે સંયુક્ત રીતે એક એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું જ્યાં સી-૨૯૫ એરક્રાફ્ટ ભારતમાં જ બનાવવામાં આવશે. શ્રી રતન ટાટા જ હતા જેમણે આ અંગે કામ કરવાનું શરૂ કર્યું હતું. કહેવાની જરૂર નથી કે શ્રી રતન ટાટાની અનુપસ્થિતિની ઘણી જ ખોટ અનુભવાઈ.

હું શ્રી રતન ટાટાજીને એક સાહિત્યકાર તરીકે યાદ કરું છું – તેઓ વિભિન્ન મુદ્દાઓ પર વારંવાર મને પત્ર લખતા, પછી તે શાસનની બાબતો હોય, સરકારના સમર્થન માટે પ્રશંસા વ્યક્ત કરવી હોય અથવા ચૂંટણીમાં જીત પછી અભિનંદનની શુભેચ્છાઓ મોકલવાની હોય.
જ્યારે હું કેન્દ્રમાં ગયો ત્યારે અમારી વાતચીત ચાલુ જ રહી અને તે અમારા રાષ્ટ્ર નિર્માણના પ્રયાસોમાં એક પ્રતિબદ્ધ ભાગીદાર બની રહ્યા. સ્વચ્છ ભારતના મિશન માટે શ્રી રતન ટાટાનું સમર્થન ખાસ કરીને મારા હૃદયની નજીક હતું. તેઓ આ ઝુંબેશના મુખ્ય સમર્થક હતા, તેઓ જાણતા હતા કે ભારતની પ્રગતિ માટે સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સફાઈ ઘણી જ જરૂરી છે. મને આજે પણ ઓક્ટોબરની શરૂઆતમાં સ્વચ્છ ભારત મિશનની દસમી વર્ષગાંઠ નિમિત્તે તેમનો ભાવુક અને શાનદાર વીડિયો મેસેજ યાદ છે. તે તેમની અંતિમ સાર્વજનિક પ્રસ્તુતિઓમાંથી
એક હતી.

તેમના હૃદયની નજીક વધુ એક મુદ્દો આરોગ્યસંભાળ અને ખાસ કરીને કેન્સર સામેની લડાઈ હતી. મને આસામમાં બે વર્ષ પહેલાનો કાર્યક્રમ યાદ છે, જ્યાં અમે સંયુક્ત રીતે રાજ્યમાં વિવિધ કેન્સર હોસ્પિટલોનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે તેમના ભાષણમાં, તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ તેમના અંતિમ વર્ષો આરોગ્ય સંભાળ માટે સમર્પિત કરવા ઈચ્છે છે. આરોગ્ય અને કેન્સરની સંભાળને સુલભ અને સસ્તું બનાવવાના તેમના પ્રયાસો રોગ સામે લડતા લોકો માટે ઊંડી સહાનુભૂતિમાં મૂળ હતા. તેઓ એવું માનતા હતા કે ન્યાયી સમાજ તે છે જે પોતાના સૌથી નબળા લોકોની સાથે ઊભો રહે છે.

જેમ જેમ આપણે તેમને યાદ કરીએ છીએ તેમ તેમ આપણને તેમના દ્વારા કલ્પના કરવામાં આવેલ સમાજની યાદ આવે છે – જ્યાં વ્યવસાય બધા માટે એક શક્તિ તરીકે કામ કરી શકે છે, જ્યાં દરેક વ્યક્તિની ક્ષમતાને મહત્ત્વ આપવામાં આવે છે અને જ્યાં પ્રગતિ બધાની સુખાકારી અને સુખમાં માપવામાં આવે છે. તેમણે જે જીવનને સ્પર્શ્યું છે અને તેમણે જે સપનાઓ સંવાર્યા છે તેમાં તેઓ જીવંત છે. ભારતને ઉત્કૃષ્ટ, દયાળુ અને વધુ આશાસ્પદ દેશ બનાવવા માટે આવનારી પેઢીઓ તેમની આભારી રહેશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article