લખનઊઃ ઉત્તર પ્રદેશના સંભલમાં એક મસ્જિદના સર્વેને લઈને થયેલી હિંસાના મામલામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઇ કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે અને કહ્યું છે કે નીચલી અદાલતે આ મામલે કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચે નિર્દેશ આપ્યો છે કે મસ્જિદનું સર્વેક્ષણ કરનાર કમિશનરનો રિપોર્ટ સીલબંધ કવરમાં રાખવામાં આવે અને તે દરમિયાન તેને ખોલવામાં ન આવે.
સુપ્રીમ કોર્ટનો આદેશ સંભલ શાહી જામા મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો હતો જેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા મસ્જિદના સર્વેક્ષણના આદેશને પડકારવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 1526માં મોગલ સમ્રાટ બાબર દ્વારા ત્યાં ઊભેલા મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રાયલ કોર્ટે સર્વે માટે આદેશ આપ્યો હતો.
ઉત્તર પ્રદેશના સંભલમાં મોગલ યુગની મસ્જિદનું સર્વેક્ષણ કરવાના જિલ્લા અદાલતના 19 નવેમ્બરના આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે સુનાવણી કરી હતી. આ કેસની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે મસ્જિદ સમિતિને કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરવાની તક આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો મસ્જિદ કમિટી અપીલ કરે તો ત્રણ દિવસમાં મામલાની સુનાવણી થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ મામલે નીચલી અદાલતે હાઈકોર્ટના આદેશ વિના કંઈ કરવું જોઈએ નહીં. જો કે, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજદારને એ પણ પૂછ્યું હતું કે તે સુપ્રીમ કોર્ટમાં આવતા પહેલા હાઈકોર્ટમાં કેમ ન ગયો. નોંધનીય છે કે આ અરજી મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવી છે. મસ્જિદ પક્ષે સ્થાનિક કોર્ટના સર્વે ઓર્ડરને પડકાર્યો છે.
Also Read – સંભલમાં આજે શુક્રવારની નમાજ, વહીવટીતંત્ર એલર્ટ પર, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
સુપ્રીમ કોર્ટે અરજકર્તાને પૂછ્યું કે શું કલમ 227 હેઠળ પહેલા હાઈકોર્ટમાં જવું યોગ્ય નથી? તેને અહીં પેન્ડિંગ રાખીએ તો સારું રહેશે. તમે યોગ્ય બેન્ચ સમક્ષ તમારી દલીલો દાખલ કરો. સુનાવણી દરમિયાન CJIએ કહ્યું હતું, ‘અમે નથી ઈચ્છતા કે આ દરમિયાન કંઈ થાય. તેમને આદેશને પડકારવાનો અધિકાર છે. તેઓ રિવિઝન અથવા 227 પિટિશન ફાઇલ કરી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર તમામ પક્ષોના પ્રતિનિધિઓ સાથે શાંતિ સમિતિની રચના કરશે. એવા સમયે આપણે પણ સંપૂર્ણપણે તટસ્થ રહેવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે કંઈ ન થાય.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને