સોનામાં ₹ ૨૪નો ઘટાડો, ચાંદી ₹ ૧૩૭૦ ગબડી

3 hours ago 1

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૭૯૦.૧૫ની નવી વિક્રમ સપાટી સુધી પહોંચીને પાછા ફર્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભમાં ઘટ્યા મથાળેથી ભાવમાં ધીમો ઘટાડો આગળ વધ્યો હતો.

તેમ જ ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક અહેવાલને અનુસરતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં દિવાળી પૂર્વે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪નો ધીમો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૭૦ ગબડ્યા હતા. આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ૯૯૯ ટચ ચાંદીમાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૩૭૦ના ઘટાડા સાથે રૂ. ૯૬,૬૭૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક બજારમાં મક્કમ વલણ રહ્યું હોવાથી ભાવ ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. ૨૪ ઘટીને ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૯,૨૩૮ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૯,૫૫૭ના મથાળે રહ્યા હતા. જોકે, આજે દિવાળી પૂર્વે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી જળવાઈ રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહી હતી, પરંતુ આવતીકાલે દિવાળીની માગ ખુલવાનો જ્વેલરો આશાવાદ રાખી રહ્યા છે.

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વના દેશોના તણાવને ધ્યાનમાં લેતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૭૯૦.૧૫ ડૉલરની નવી ઊંચી સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીનું દબાણ આવતા ભાવમાં પીછેહઠ જોવા મળી હતી.

જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે મક્ક્મ વલણ રહ્યા બાદ અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત થવાની હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ વધુ ૦.૩ ટકા ઘટીને ૨૭૭૮.૪૭ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૭૮૯.૪૦ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ સામે ૦.૯ ટકા ઘટીને ઔંસદીઠ ૩૩.૪૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી નિર્ણાયક તબક્કામાં પ્રવેશી અને રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ભૂતપૂર્વ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને વર્તમાન ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે તીવ્ર રસાકસી હોવાથી પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે સોનામા સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્ર્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું. જોકે, રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતના નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે.

વધુમા આવતીકાલે જાહેર થનારા અમેરિકાના રોજગારીના ડેટા પર પણ રહેશે. જોકે, સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં ઑક્ટોબર મહિનામાં છ મહિનામાં પહેલી વખત ઉત્પાદન વૃદ્ધિમાં સુધારો જોવા મળ્યો છે.

તેમ જ હાલના સ્ટિમ્યુલસ પેકેજને ટેકે વૃદ્ધિને ટેકો મળે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા પણ ચીનની ખુલનારી માગ પણ સોનાના સુધારાને ટેકો પૂરો પાડશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article