અમદાવાદઃ ગુજરાતમાં આજે ગુરુવારના અડધા દિવસમાં જ માર્ગ અકસ્માતની વિવિધ ઘટનામાં નવ જણના માર્ગ અકસ્માત અને 3 જણના અન્ય અકસ્માતોમાં મોત નિપજ્યા છે, જેથી આજનો ગુરુવાર લોકો માટે આકરો સાબિત થયો છે.
અકસ્માતોની વાત કરીએ તો અહીંના પેટલાદના તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. રાજકોટથી સુરત જઈ રહેલી બસ ઑવરટેક કરવા જતા આ અકસ્માત નોંધાયાના અહેવાલો મળ્યા છે. પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ ધ્રુવ રૂડાણી , મનસુખભાઈ કોરાટ અને કલ્પેશ જીયાણી તરીકે કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. તો બીજી બાજુ ભાવનગરના તળાજા- પાલીતાણા હાઈવે પર બાઈક ચાલકને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત નિપજયું હતું.
અન્ય એક અકસ્માતમાં દાદરા નગર હવેલીના દૂધની ખાતે ડ્રાઇવર સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી હતી. આ અકસ્માતમાં ચારના મોત નીપજ્યાં હતાં. સુરતથી આવેલા સહેલાણીઓની કારને અકસ્માત નડ્યો હતો સથાનિકો પહેલા તેમની મદદે આવ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. ત્યારબાદ મૃતદેહોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી છે.
આ પણ વાંચો : બાળકોનું જે થાય તે આપણે ફરી આવીએ દુબઈઃ ગુજરાતનો દુબઈ રિટર્ન આચાર્ય થયા સસ્પેન્ડ
આ ઉપરાંત અન્ય એક અકસ્માત સૌરાષ્ટ્રના સુરેન્દ્નનગર જિલ્લાના સાયલા- લીંબડી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. ફૂલગ્રામ પાસે આવેલ ઓવર બ્રિજ પર અજાણ્યા વાહન દ્વારા યુવાનને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. અશોક અરજણભાઈ કાંઝીયા નામના યુવાને જીવ ગુમાવ્યો હતો.
કચ્છ અને પાટણમાં પણ અકસ્માતે મોત
આ સાથે ગુરુવારે પાટણ ખાતે એક મકાનમાં રાત્રે આગ લાગતા મહિલા અને બાળકીનું મોત નિપજ્યું હતુ. તો કચ્છના નખત્રાણા તાલુકાના રસલિયા ગામે કિરણ ભાવાણીની વાડીએ થ્રેસર મશીનમાં મગફળી (ભૂતડી) નાખતી વખતે થ્રેસરચાલકે મગફળી ખાલી કરવા ઊંચુ કરેલું બકેટ વીજ લાઈનને સ્પર્શી જતાં ચાર ખેતમજૂર મહિલાઓને જોરદાર કરંટ લાગતાં તમામ દાઝી ગઈ હતી જેમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક હાજરાબાઈના પતિ અબ્દુલ સાલેમામદ કુંભારે નોંધાવેલી ફરિયાદના આધારે નખત્રાણા પોલીસે થ્રેસરના ચાલક વિરુધ્ધ સાપરાધ માનવવધ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને