ભુજ: વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ દ્વારા વૈશ્વિક સ્તરે ઐતિહાસિક જળ વ્યવસ્થાઓના પસંદ કરાયેલા 25 સ્થળોમાં ભુજની ઓળખસમાન લગભગ 450 વર્ષ પ્રાચીન હમીરસર તળાવનો વર્ષ 2025ના જોવાલાયક સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વર્ષે પસંદ કરાયેલા 25 સ્થળોમાં પેલેસ્ટાઇનના ગાઝાનું સદીઓ જૂનું શહેરી માળખું, યુક્રેનના કિવમાં આવેલું શિક્ષક ભવન, અમેરિકાની કેટલીક ઐતિહાસિક દીવા દાંડીઓ, આફ્રિકાનો સ્વાહિલી કિનારો, તુર્કીમાં આવેલું જૂનું શહેર અંતાક્યા અને ફ્રાન્સમાં સોર્બોનનું ચેપલન અને કચ્છના ભુજના હમીરસર તળાવનો સમાવેશ થયો છે.
આપણ વાંચો: Tourism: હવે લખપત જશો તો ઐતિહાસિક કિલ્લા સાથે આ નઝારો પણ જોવા મળશે
અમદાવાદ ખાતે આવેલી CEPT યુનિવર્સિટી ખાતે CRDFના હેરિટેજ કન્ઝર્વેશન સેન્ટર દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ 2025 માટે ભુજ હિસ્ટોરિકલ વોટર સિસ્ટમ્સનું, આ યુનિવર્સીટીના પ્રાધ્યાપક જીજ્ઞાબેન દેસાઈ અને તાલીમ માટેના પ્રોગ્રામ હેડ જયશ્રી વર્ધનના નેતૃત્વમાં નામાંકન ભરવામાં આવ્યું હતું. વર્ષ 2025ના ઓપન કોલના પરિણામે 200થી વધુ નામાંકન આવ્યા હતા, જેની અંતિમ પસંદગી કરતા પહેલા આંતરિક અને બાહ્ય સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રાચીન જળ વ્યવસ્થાપન પ્રણાલી
વર્ધને જણાવ્યું હતું કે, એક જમાનામાં ‘હમીરાઈ તલાવડી’ તરીકે ઓળખાતા હમીરસર તળાવને ભુજ શહેરના પ્રારંભિક વિકાસને ટકાવી રાખવા માટે મહારાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ભુજની વસ્તીમાં વધારો થતાં તળાવના વિસ્તારમાં વધારો, આસપાસ પગથિયાં, ટાંકી, સેંકડો કુવાઓ અને નહેરોનું નેટવર્ક બન્યું. હમીરસરનો આ યાદીમાં સમાવેશ થવાથી પ્રાચીન જળ વ્યવસ્થાપન પ્રણાલી પર લોકોનું ફરીથી ધ્યાન કેન્દ્રિત કરશે.
આપણ વાંચો: આ વર્ષમાં ISROનું આવતીકાલે રહેશે છેલ્લું ઐતિહાસિક મિશન, જાણો મિશનની વિશેષતા શું હશે?
હમીર નામના માલધારીનું પણ જોડાણ
રાવ ખેંગાર પહેલાએ પોતાના પિતાની સ્મૃતિમાં હમીરસર તળાવનું નિર્માણ કરાવ્યું હતું. અહીં પહેલાં નાનકડી તળાવડી હતી અને હમીર નામનો માલધારી તેમાં પોતાનાં ઢોરને પાણી પીવડાવતો. રાવે આ તળાવડીને મોટી કરાવી હોવાની પણ અનુશ્રુતિ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને