More than 4000 constabulary  unit   on  azad maidan shapath ceremany preparation

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે શપથગ્રહણ કરશે, રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ 10 વર્ષમાં ત્રીજી વખત મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે જ્યારે આ વિશેષ સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. 2014માં પહેલી વખત મુખ્ય પ્રધાન બનેલા દેવેન્દ્ર ફડણવીસે પાંચ વર્ષની પૂરી મુદત સરકાર ચલાવી હતી. 2019માં તેઓ ફક્ત ત્રણ દિવસ માટે મુખ્ય પ્રધાન બન્યા હતા.

આ પણ વાંચો : અમે જરાય નારાજ નથી: શિરસાટ

અજિત પવાર સહિત બે નાયબ મુખ્ય પ્રધાન પણ આઝાદ મેદાનમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં શપથ ગ્રહણ કરશે. વિદાયમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે કે નહીં તેની હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફડણવીસે એમ જણાવ્યું હતું કે તેમણે શિંદેને સરકારમાં જોડાવા માટે વિનંતી કરી છે. શિંદેએ કહ્યું હતું કે તેમની પાર્ટીમાંથી કોણ નાયબ મુખ્ય પ્રધાન બનશે તેની જાહેરાત બાદમાં કરવામાં આવશે.

મહાયુતિના ઘટક પક્ષોનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા રાજભવન પર પહોંચ્યું હતું અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

આ પહેલાં વિધાનભવનમાં ભાજપના વિધાનસભ્યોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કેન્દ્રીય નિરીક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની હાજરીમાં દેવેન્દ્ર ફડણવીસને વિધાનમંડળ પક્ષના અધ્યક્ષ ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ભાજપના નેતા ચંદ્રકાંત પાટિલે ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય નિરીક્ષક વિજય રૂપાણીએ ફડણવીસ ભાજપ વિધાનમંડળ પક્ષના નેતા ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરી હતી.

અન્ય કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ડબલ એન્જિનની સરકાર વિકાસને ગતિ આપશે.
ફડણવીસે ભાજપના વિધાનસભ્યોનો તેમનામાં વિશ્ર્વાસ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ કાર્યક્રમ માટે ભાજપના 40,000 સમર્થકો અને 2,000 વીવીઆઈપીઓ માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે 4,000 પોલીસ જવાનોને બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે, જેમાં 520 અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : બાબા સિદ્દીકી હત્યા કેસ…

આ ઉપરાંત એસઆરપીએફ, ક્યુઆરટી (ક્વિક રિસ્પોન્સ ટીમ), રાયટ ક્ધટ્રોલ ટીમ, ડેલ્ટા, કોમ્બેટ ટીમ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડને પણ ફરજ પર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવા માટે ટ્રાફિક પોલીસના 280 જવાનો ખડેપગે ફરજ બજાવશે. રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિક દ્વારા આ સમારંભની આમંત્રણ પત્રિકાઓ વિતરિત કરવામાં આવી હતી, જેમાં દેવેન્દ્ર ફડણવીસના નામમાં પહેલાં માતા સરિતા અને પછી પિતા ગંગાધર લખવામાં આવ્યું હતું. આમ દેવેન્દ્ર સરિતા ગંગાધર ફડણવીસના મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણનું આમંત્રણ અપાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને