મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Assembly Election 2024)માં રાજકીય પક્ષો જીત માટે પૂર્વ રાજવી પરિવારો પર નિર્ભર હોય તેવું લાગી રહ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ શિવેન્દ્રરાજે ભોસલે સતારા બેઠક પરથી ભાજપની ટિકિટ પર પાંચમી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમના પિતા અભયસિંહરાજે ભોસલે કોંગ્રેસ, એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી છ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા.
૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી પહેલા શિવેન્દ્રરાજે એનસીપી છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમના પિતરાઈ ભાઈ સતારા બેઠક પરથી લોકસભા સાંસદ છે. નાઈક નિમ્બાલકર પડોશી અનુસૂચિત જાતિ માટે અનામત સીટ ફલટનમાં રાજવી પરિવારના સભ્ય એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) વિધાનસભ્ય દીપક ચવ્હાણને જીતાડવા માટે કામ કરી રહ્યા છે.
મધુરીમારાજેએ નાટકીય રીતે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું
આ ઉપરાંત ઉત્તર કોલ્હાપુરથી કોંગ્રેસે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના રાજેશ ક્ષીરસાગર સામે રાજા છત્રપતિ શાહુ મહારાજના પુત્રવધૂ મધુરીમારાજે છત્રપતિને મેદાનમાં ઉતાર્યા હતા. મધુરીમારાજેએ 4 નવેમ્બરે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. મધુરીમારાજેના પતિ માલોજીરાજે ૨૦૦૪થી ૨૦૦૯ વચ્ચે કોલ્હાપુર ઉત્તરના વિધાનસભ્ય હતા. તેઓ પૂર્વ મંત્રી દિગ્વિજય ખાનવિલકરના પુત્રી છે. જ્યારે તેમના પુત્ર ભાઈ યુવરાજ સંભાજીરાજેનો પોતાનો પક્ષ છે, તેઓ અન્ય નાના પક્ષો અને ખેડૂતોના જૂથો સાથે ત્રીજા મોરચાનો ભાગ છે.
આ પણ વાંચો :મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગુજરાતની સફેદ ડુંગળીની એન્ટ્રી, જયરામ રમેશે ઉઠાવ્યો સવાલ
કેટલીક વિધાનસભા બેઠકો પર તેમનો પ્રભાવ છે. કોંગ્રેસના નેતા રાજેશ લાટકરના વિરોધ છતાં પાર્ટીએ માધુરીમારાજેને ટિકિટ આપી હતી. જેના કારણે રાજેશ લાટકરે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું. મધુરીમારાજેએ નામાંકન પાછું ખેંચતા કોંગ્રેસને નીચા જોણું થયું હતું અને અપક્ષ ઉમેદવાર લાટકરને ટેકો આપવો પડ્યો હતો.
કાગઝ સીટ પરથી સમરજિત સિંહ ઘાટગે મેદાનમાં
જ્યારે કોલ્હાપુરના રાજવી પરિવાર સાથે જોડાયેલા સમરજિત સિંહ ઘાટગેને કાગઝ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના એનસીપીના ઉમેદવાર મંત્રી હસન મુશરફ સામે ચૂંટણી લડી રહ્યા છે. ઘાટગે પ્રસિદ્ધ રાજર્ષિ છત્રપતિ શાહુ મહારાજના પરિવારના છે.
ધરમરાવ બાબા અત્રામની પુત્રી સામે ચૂંટણી લડી રહ્યા છે
રાજવી પરિવારના ત્રણ સભ્ય આદિવાસી બહુલ વિસ્તાર એવા ગઢચિરોલી જિલ્લાની અહેરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે મામલો ત્રિકોણીય બની ગયો છે. એનસીપીના મંત્રી ધર્મરાવબાબા અત્રામ શરદ પવારની એનસીપીમાંથી ચૂંટણી લડી રહેલી તેમની પુત્રી ભાગ્યશ્રી હલ્ગેકર અત્રામ સામે ચૂંટણી લડી રહ્યા છે તેમ જ પૂર્વ મંત્રી અને રાજવી પરિવાર સાથે સંબંધિત અંબરીશરાવ અત્રામ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.