નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એક ‘પોસ્ટર ગર્લ‘ની ચર્ચાએ જોર પકડ્યું છે. ચૂંટણી પંચની આ ‘પોસ્ટર ગર્લ’ બીજું કોઈ નહીં પણ ૧૧૧ વર્ષીય વૃદ્ધ મહિલા છે. આધાર કાર્ડ મુજબ ૧૧૧ વર્ષનાં ફૂલમતી ઉંમરને કારણે નબળા પડ્યાં છે, પરંતુ મતદાન કરવામાં પીછેહઠ નથી દર્શાવતા.
શરીર નબળું અને પીઠ ઝૂકી ગઈ હોવા છતાં મતદાન કરવા માટે એટલા સતર્ક છે કે તેઓ પોતે મતદાન કરવા માટે બૂથ સુધી ચાલીને જાય છે એટલે ઈલેક્શન કમિશન માટે મહારાષ્ટ્રના ‘સ્ટાર વોટર’ છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વર્ષે લોકસભાની ચૂંટણી વખતે માઓવાદીઓએ ચૂંટણીના બહિષ્કારની જાહેરાતને અવગણીને તેમણે મત આપ્યો હતો. ગઢચિરોલીમાં એપ્રિલની આકરી ગરમી વચ્ચે વયોવૃદ્ધ ફૂલમતીએ મતદાન કરવા માટે બૂથ સુધી ચાલીને મત આપવા પહોંચ્યા હતા, તેથી મતદાન માટે તમામ લોકોએ પ્રેરણામૂર્તિ બન્યા હતા.
હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ફરી ફૂલમતી ચર્ચામાં છે. જાણીએ કોણ છે અને વ્યક્તિગત જિંદગીની વાતો જાણીએ. ગઢચિરોલીના ગેરિલા પ્રભાવિત મુલચેરા તાલુકામાં તેમની ચૂંટણી ફરજ નિભાવવા માટે ચર્ચામાં છે. ફૂલમતી સરકાર આ વર્ષે રાજ્યના બે સૌથી વરિષ્ઠ મતદારોમાંના એક છે. ફૂલમતી સરકારનો જન્મ ૧૯૧૩માં થયો હતો.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની મોટી કાર્યવાહી, 40 બળવાખોરોને હાંકી કાઢ્યા
ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ૮૫ વર્ષથી વધુ ઉંમરના ૨૭૭ મતદારે ચૂંટણી પંચના ફોર્મ ૧૨ડી ભરીને ઘરેથી મતદાન કરવાનો વિકલ્પ પસંદ કર્યો, જ્યારે ફૂલમતીએ બૂથ પર જઈને જ મતદાન કરવાની મક્કમતા દર્શાવી હતી.
ફૂલમતી સરકારના નિર્ણયથી પ્રભાવિત જિલ્લા વહીવટીતંત્રે તેને વિધાનસભા મતવિસ્તાર માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન) આઇકન બનાવનો નિર્ણય લીધો છે. ફૂલમતીના આ નિર્ણયની ચર્ચા થવા લાગી અને તે ચૂંટણી હીરો બની ગઈ.
૨૦૨૨ બેચના આઈએએસ અધિકારી અને અહેરી વિધાનસભા મતવિસ્તારના રિટર્નિંગ અધિકારી કુશલ જૈને જણાવ્યું હતું કે તેમના અધિકારક્ષેત્રમાં ફૂલમતી જેવા મતદાર હોવું તેમના માટે ગર્વની વાત છે. હું તેમના જેવા મતદારોની સેવા કરવાની તક મેળવીને પ્રેરિત અને ઉત્સાહિત છું. અમે સુનિશ્ચિત કરીશું કે તેમને તેમના સ્થાનથી મતદાન મથક સુધી પરિવહન સહિતની શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે.
પૂર્વ પાકિસ્તાનની શરણાર્થી ફુલમતી હવે વર્તમાન પેઢી માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહી છે, જેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં અચકાય છે. ફૂલમતીએ પોતાનો મત આપવા માટે તેમના ઘરથી ૩૦૦ મીટર દૂર ગોવિંદપુરની જિલ્લા પરિષદ શાળામાં જવું પડે છે. તે હવે તેના પૌત્ર હરિદાસ સરકાર અને તેના પરિવાર સાથે રહે છે. હરિદાસે કહ્યું, ‘તે હજુ સ્વસ્થ છે, તેમને વૃદ્ધાવસ્થાની થોડી તકલીફ છે. તેમણે કહ્યું કે ભારત આવી ત્યારથી હું ક્યારેય પોતાનો મત આપવાનું ચૂકી નથી.