ડરબનઃ અહીં ભારતે સાઉથ આફ્રિકા સામેની ચાર મૅચવાળી ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં 20 ઓવરમાં આઠ વિકેટે 202 રન બનાવ્યા હતા અને યજમાન ટીમને 203 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સંજુ સૅમસન (107 રન, 50 બૉલ, દસ સિક્સર, સાત ફોર) આ ઇનિંગ્સનો સુપરસ્ટાર હતો. તે ઉપરાઉપરી બે ટી-20માં સદી ફટકારનારો પ્રથમ ભારતીય બૅટર બન્યો છે. આ પહેલાં તેણે બાંગ્લાદેશ સામેની ટી-20માં સદી ફટકારી હતી.
ભારતે બૅટિંગ મળ્યા પછી શરૂઆત સારી નહોતી કરી. ચોથી ઓવરમાં 24 રનના સ્કોર પર અભિષેક શર્મા (7)એ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે સૅમસન અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (17 બૉલમાં 21 રન) વચ્ચે બીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ સૅમસને તિલક વર્મા (18 બૉલમાં 33 રન) સાથે 77 રનની પાર્ટનરશિપ કરી હતી. તેમણે ટીમનો સ્કોર 167 રન સુધી પહોંચાડ્યો હતો.
એક તબક્કે બે વિકેટે 167 રનનો સ્કોર હતો, પરંતુ 35 રનમાં ભારતે છ વિકેટ ગુમાવી દીધી હતી જેમાં ખાસ કરીને હાર્દિક પંડ્યા (બે રન), રિન્કુ સિંહ (11 રન) અને અક્ષર પટેલ (સાત રન)ની વિકેટ સામેલ હતી.
માર્કો યેનસેનની 20મી ઓવર નાટ્યાત્મક બની હતી. પહેલો બૉલ વાઇડ પડ્યા બાદ એ પછીના બૉલમાં અક્ષરે વિકેટ ગુમાવી હતી. ચોથા બૉલમાં અર્શદીપ ક્લીન બોલ્ડ થયો હતો અને તે પૅવિલિયન તરફ જવા લાગ્યો હતો, પરંતુ અમ્પાયરે નો બૉલનો નિર્ણય આપતાં તે પાછો બૅટિંગમાં આવ્યો હતો. જોકે પાંચમા બૉલમાં યેનસેને જ તેનો કૅચ છોડ્યો હતો અને ઇનિંગ્સના છેલ્લા બૉલમાં રવિ બિશ્નોઈ રનઆઉટ થઈ ગયો હતો.
સાઉથ આફ્રિકા વતી જેરાલ્ડ કોએટઝીએ ત્રણ વિકેટ તેમ જ યેનસેન, કેશવ મહારાજ, ઍન્કાબૅયોમ્ઝી પીટર અને પૅટ્રિક ક્રુગરે એક-એક વિકેટ લીધી હતી.
અહીં યાદ અપાવવાની કે આ વર્ષના જૂનમાં ભારતે બ્રિજટાઉનમાં ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને તાજ જીતી લીધો હતો.