નવી દિલ્હી : આસામ સરકારે બુધવારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની હિમંતા બિસ્વા સરકારે બીફ(Beef ban)પર પ્રતિબંધ મૂક્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે નિર્ણય લીધો છે કે કોઈ પણ રેસ્ટોરન્ટ કે હોટલમાં બીફ પીરસવામાં આવશે નહીં અને તે કોઈપણ સાર્વજનિક સમારોહ કે સાર્વજનિક સ્થળે પીરસવામાં આવશે નહીં. આસામ સરકારની કેબિનેટની બેઠક આજે દિલ્હીમાં મળી હતી. આ દરમિયાન અન્ય મંત્રીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા.
જાહેર સ્થળોએ બીફના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, અમે 3 વર્ષ પહેલા આસામમાં ગૌહત્યા રોકવા માટે કાયદો લાવ્યા હતા. આનાથી ગૌહત્યા રોકવામાં નોંધપાત્ર સફળતા મળી છે. હવે અમે નિર્ણય લીધો છે કે આસામમાં કોઈપણ રેસ્ટોરન્ટ કે હોટલમાં બીફ પીરસવામાં આવશે નહીં અને તે કોઈપણ જાહેર સમારંભ કે સાર્વજનિક સ્થળે પીરસવામાં આવશે નહીં. તેથી આજથી અમે હોટલ, રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળોએ બીફના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચો :આસામમાં બે અલગ અલગ રોડ અકસ્માતમાં આઠનાં મોતઃ ત્રણ ઘાયલ
સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ મુકાયો
પહેલા અમારો નિર્ણય મંદિરોની નજીક બીફ ખાવા પર પ્રતિબંધ મૂકવાનો હતો પરંતુ હવે અમે તેને સમગ્ર રાજ્યમાં લંબાવી દીધો છે. જેમાં હવે બીફ કોઈપણ સામુદાયિક સ્થળ, જાહેર સ્થળ, હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં ખાઈ શકાશે નહીં. અમે ત્રણ વર્ષ પહેલા જે પગલું ભર્યું હતું. તેને આગળ લઈ જઈ રહ્યા છીએ.
જેમને નિર્ણય પસંદ ના હોય તે પાકિસ્તાન જાય
આસામ સરકારના મંત્રી પીજુષ હજારિકાએ આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હું આસામ કોંગ્રેસને ચેલેન્જ કરું છું કે તે આ નિર્ણયનું સ્વાગત કરે અથવા તો પાકિસ્તાન જતા રહે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને