નવી દિલ્હીઃ ભારતીય રેલવેને ભારતના જાહેર પરિવહન માટેની લાઈફલાઈન કહેવાય છે, જેમાં આધુનિક ટ્રેન દોડાવવાની સાથે રેલવેમાં વધતા અકસ્માતોને સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે ત્યારે આજના બજેટમાં નાણા પ્રધાને રેલવે બજેટ માટે 2.55 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરવાની જાહેરાત કરી છે, જ્યારે સેફ્ટી ભંડોળ માટે જંગી નાણાકીય ફંડની ફાળવણી કરવામાં આવી છે. લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને પૂરપાટ ઝડપે દોડાવવાની સાથે સેફ્ટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Budget 2025 : પીએમ મોદીએ બજેટને સામાન્ય વ્યક્તિનું બજેટ ગણાવ્યું,…
બજેટમાં પેન્શન ફંડ માટે 66,000 કરોડ રિઝર્વ
કેન્દ્રીય બજેટમાં રેલવે મંત્રાલય માટે 2.55 લાખ કરોડની ફાળવણી કરી છે, તેમાંથી 3,445 કરોડ રુપિયા આવકમાં અને 2,52,00 કરોડ રુપિયા મૂડી ખર્ચમાં ખર્ચવામાં આવશે. આમ કુલ મળીને રેલવે બજેટમાં કુલ 2,55,445 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં પેન્શન ફંડમાં 66,000 કરોડ રુપિયા રાખવામાં આવ્યા છે.
નવી રેલવે લાઈન નાખવા માટે 32,000 કરોડનું બજેટ
દેશમાં નવી રેલવે લાઈન નાખવા માટે 32,235 કરોડનો ખર્ચ કરવામાં આવશે. લાઈન બમણી કરવા માટે 32,000 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે ગેઝ કન્વર્ઝન માટે રુ. 4,550 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.
વિવિધ વિભાગ માટે કેટલી કરવામાં આવી ફાળવણી
બજેટમાં સિગ્નલિંગ અને ટેલિકોમ માટે 6,800 કરોડ, ઈલેક્ટ્રિક લાઈન માટે 6,150 કરોડ રુપિયા, કર્મચારીઓના કલ્યાણ માટે 833 કરોડ રુપિયાનું બજેટ ફાળવ્યું છે. રેલવે સ્ટાફની ટ્રેનિંગના ઉદ્દેશ માટે 301 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત, રેલવે સેફ્ટી ફંડમાં 45,000 કરોડ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
મહત્ત્વના કોરિડોરમાં કવચનું અપગ્રેડ વર્ઝન લોન્ચ કરાશે
રેલવે મંત્રાલય અકસ્માતોના નિયંત્રણ માટે મહત્ત્વનું પગલું ભર્યું છે. અકસ્માતોના નિયંત્રણ માટે ખાસ કરીને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં કવચનું અપગ્રેડ વર્ઝન લોન્ચ કરશે. નવા વર્ઝનને રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (આરડીએસઓ)એ તાજેતરમાં મંજૂરી આપી છે. રેલવે મંત્રાલયે બજેટમાં તેના અંગે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ જૂની જાહેરાતોનું ઝડપથી અમલ કરવા મુદ્દે વધુ ફોક્સ કરવામાં આવશે. દિલ્હી-મુંબઈ અને દિલ્હી-કોલકાતા રુટમાં કવચને લોન્ચ કરવામાં આવશે. આ યોજના અન્વયે કુલ મળીને 9,000 કિલોમીટર લાંબા રેલવે ટ્રેક પર કવચથી તૈયાર કરવામાં આવશે.
રેલવેના શેરમાં જોરદાર ધોવાણ
બજેટની જાહેરાત વખતે શેરબજારમાં રેલવેના સ્ટોકમાં મોટી ઉથલપાથલ સર્જાઈ હતી. શેરના ભાવમાં જોરદાર લેવાલી નીકળી હતી, જેમાં આરવીએનએલ, આઈઆરએફસી, ઈરકોન ઈન્ટરનેશનલ લિમિટેડ, રેલટેલ લિમિટેડ અને આઈઆરસીટીસીના શેરમાં મોટી લેવાલી પછી ધોવાણ જોવા મળ્યું હતું. માર્કેટ બંધ વખતે આઈઆરસીટીસીના ભાવમાં 3.42 ટકા, RVNLના શેરમાં નવ ટકા, IRFCમાં 6.36 ટકા અને IRCON International લિમિટેડના ભાવમાં 9.32 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને