મુંબઈ: મતદારોને લલચાવવા માટે પૈસા વહેંચ્યા (Cash For Vote) હોવાના આક્ષેપોને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના જનરલ સેક્રેટરી વિનોદ તાવડેએ આજે ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે મને નિયમોની બરાબરથી જાણ છે અને હું કંઇ મૂરખ નથી કે રાજકીય હરિફની હોટેલ ખાતે આ પ્રકારની ગતિવિધિને અંજામ આપું.
બહુજન વિકાસ આઘાડી (બીવીએ)ના નેતા હિતેન્દ્ર ઠાકુરે મંગળવારે આક્ષેપ કર્યો હતો કે તાવડેએ વિરારની હોટેલમાં મતદારોમાં પાંચ કરોડ રૂપિયા વહેંચ્યા હતા. બીવીએના નેતાના દાવા વચ્ચે ચૂંટણી અધિકારીએ હોટેલના રૂમમાંથી ૯.૯૩ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. ભાજપના નેતા તાવડેએ બધા આક્ષેપોને નકારતા કહ્યું હતું કે તેઓ હોટેલની રૂમમાં કાર્યકરોને ચૂંટણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી રહ્યા હતા.
આપણ વાંચો: Cash For Vote: રાહુલ ગાંધીના આરોપો પર વિનોદ તાવડેએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું?
‘વિરારમાં આવેલી વિવાંતા હોટેલ ઠાકુરની માલિકીની છે. હું કંઇ મૂરખ નથી કે તેમની હોટેલમાં જઇને હું પૈસાની વહેંચણી કરું. હું ૪૦ વર્ષથી રાજકારણમાં છું તથા નિયમોથી બરાબરથી વાકેફ છું, ખાસ કરીને ત્યારે જ્યારે ચૂંટણી થવાની તૈયારીમાં જ હોય’, એમ તાવડેએ પત્રકારોને કહ્યું હતું. ‘હું પક્ષના કાર્યકરો સાથે સામાન્ય ચેટિંગ કરી રહ્યો હતો, નહીં કે પ્રચાર. કાર્યકરો સાથે ફક્ત મતદાનની પ્રક્રિયા અંગે ચર્ચા થઇ રહી હતી’, એમ તાવડેએ વધુમાં જણાવ્યું હતું.
રાષ્ટ્રીય નેતાઓ પણ આ પ્રકરણે સામેલ હોવા પર તાવડેએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે ભાજપના લોકો મૂરખ નથી કે હરિફ નેતાઓની માલિકીની હોટેલમાં જઇને રોકડ વહેંચે. રાહુલ ગાંધી અને સુપ્રીયા સુળેને પાંચ કરોડ રૂપિયા દેખાયા હતા જે મને મોકલી આપો. તેઓ મારા બેંક અકાઉન્ટમાં પણ તે પૈસા જમા કરાવી શકે છે, એમ તેમણે કહ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને