નવી દિલ્હી : દેશભરમાં ગુરુવારે દિવાળીની(Diwali 2024) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિવાળીની ઉજવણી વચ્ચે રાજ્યોમાંથી મોટા પાયે આગ લાગવાની ઘટનાઓ પણ બની છે. જેમાં ફટાકડાના કારણે ઘણી દુકાનોમાં આગ લાગી હતી.આ સિવાય દેશભરમાં અલગ-અલગ વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં પણ આગ લાગવાના કિસ્સા નોંધાયા હતા.
કાનપુરમાં ફર્નિચરના વેરહાઉસમાં આગ લાગી
જેમાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં સિસમૌ પોલીસ સ્ટેશન વિસ્તારના ભદૌરિયા ચોક પાસે ફર્નિચરના વેરહાઉસમાં આગ લાગી હતી. આગને કારણે વેરહાઉસની આસપાસના ઘરોને પણ તેની અસર થવા લાગી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ગાઝિયાબાદમાં બિલ્ડિંગમાં આગ
યુપીના ગાઝિયાબાદમાં એક બિલ્ડિંગમાં આગ લાગતા નાસભાવ મચી ગઈ હતી. આ ઘટના અંગે ફાયર
વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઈન્દિરાપુરમના જ્ઞાન ખંડ
વિસ્તારમાં પહોંચી હતી. ફાયર બ્રિગેડે સમયસર અહીં બિલ્ડિંગમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી.
દિલ્હીમાં આગમાં બે લોકો દાઝી ગયા
દિલ્હીમાં પણ લોકોએ મોટી સંખ્યામાં ફટાકડા ફોડયા હતા. જેમાં દિલ્હીના દ્વારકાના છાવલા વિસ્તારમાં એક વ્યક્તિ બસમાં ફટાકડા લઈને જઈ રહ્યો હતો. જેમાં આગ લાગી. આગના કારણે ફટાકડા લઈ જનાર વ્યક્તિ
અને તેની પાસે બેઠેલા અન્ય મુસાફર દાઝી ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અધિકારીએ કહ્યું કે આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
અંબાલામાં પણ આગના કિસ્સા નોંધાયા હતા
હરિયાણામાં આગની બે ઘટનાઓ નોંધાઈ છે. જેમાં અંબાલા શહેરના સેના નગર સ્થિત એક ક્રોકરીની દુકાનમાં આગ લગી હતી. જેમાં આખી દુકાન આગની લપેટમાં આવી હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમે કાબુ મેળવ્યો
હતો પરંતુ અહીં મોટાપાયે નુકસાન થવાની આશંકા છે. આ ઉપરાંત અંબાલામાં જ એક કાર પાર્કિંગમાં આગ
લાગી હતી. જેના કારણે ઘણી કારોને નુકસાન થયું હતું. હાલ અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી
રહી છે.
કુલ્લુના જંગલોમાં આગ લાગી હતી
હિમાચલ પ્રદેશમાં પણ દિવાળી દરમિયાન ફટાકડા ફોડતા દુર્ઘટના સર્જાઇ છે. જેમાં કુલ્લુમાં દિવાળી દરમ્યાન જંગલોમાં આગ જોવા મળી હતી. રહેણાંક વિસ્તારને અડીને આવેલા જંગલમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર 12 અલગ-અલગ વિસ્તારોમાં આગ
લાગી હતી. જેને ઓલવવામાં ફાયર ફાઈટરની ટીમો વ્યસ્ત હતી.
ચેન્નાઈમાં ફટાકડાથી આગ લાગી હતી
ચેન્નઈના કામરાજ નગર વિસ્તારમાં દિવાળીની ઉજવણી વચ્ચે અકસ્માત થયો હતો. ફટાકડાના કારણે કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ વધુ ફેલાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બાબતે એન્નોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…..ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીની શુભેચ્છા પાઠવી, સાથે બાંગ્લાદેશી હિન્દુઓનો અવાજ ઉઠાવ્યો
બોકારોમાં ફટાકડાની દુકાનમાં આગ લાગી
આ સિવાય ઝારખંડના બોકારોમાં પણ ફટાકડાની દુકાનોમાં અચાનક આગ લાગવાના કિસ્સા નોંધાયા છે.
આગને પગલે ઘટનાસ્થળે નાસભાગનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાની સાથે જ ફટાકડા ફૂટવા લાગ્યા
હતા. જો કે, કોઈક રીતે દુકાનદારોએ પોતાનો જીવ બચાવ્યો હતો. સ્થાનિક લોકોએ આગ અંગે પોલીસ અને
ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આગના
કારણની તપાસ કરવામાં આવી રહી છે.