અમદાવાદઃ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ 2002માં ગોધરામાં ટ્રેનની અંદર લગાડવામાં આવેલી આગ પછીનાં તથ્યો પર આધારિત છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે આ ફિલ્મ જોવા જશે. વર્ષ 2002માં થયેલા રમખાણો પર બનેલી આ ફિલ્મના PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ વખાણ કરી ચૂક્યા છે.
આ રાજ્યોમાં ટેક્સ ફ્રી થઈ છે ફિલ્મ
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને ટેક્સ ફ્રી કરવામાં આવી ચુકી છે. ફિલ્મમાં રાશિ ખન્ના, વિક્રાંત મેસી અને રિદ્ધી ડોગરા મુખ્ય રોલમાં છે. આ ત્રણેય પત્રકારની ભૂમિકામાં છે. આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી. ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી શકે છે.
શું છે આ ફિલ્મમાં?
ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જે ઘટના આધારિત છે તે ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. ફિલ્મની શરૂઆત સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અકસ્માતથી થાય છે. આ આખી ફિલ્મમાં ટ્રેન અગ્નિકાંડનું સત્ય બહાર લાવવાનો સંઘર્ષ છે. ફિલ્મમાં હિન્દી ભાષાના પત્રકાર સમર કુમાર અને અંગ્રેજી પત્રકાર મનિકા રાજપુરોહિત વચ્ચે એકબીજાને સાચા-ખોટા બતાવવાની સ્પર્ધા ચાલી રહી છે. સમર કુમારનું પાત્ર વિક્રાંત મેસીએ ભજવ્યું છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે બીજી મહિલા પત્રકાર અમૃતા ગિલ (રાશિ ખન્ના) પ્રવેશે છે. તે સમરને ટેકો આપે છે અને આ ઘટનાને દુનિયા સમક્ષ ઉજાગર કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : ફિલ્મ “The Sabarmati Report” મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી જાહેર
પીએમ મોદીએ કરી ફિલ્મની પ્રસંશા
પીએમ મોદીએ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની થોડા સમય પહેલા પ્રસંશા કરી હતી. તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક યુઝર આલોક ભટ્ટની ટાઈમલાઈન શેર કરતા તેણે લખ્યું, “સારી વાત કરી, સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે જ્યાં સામાન્ય લોકો તેને જોઈ શકે. એક ખોટી વાર્તા માત્ર મર્યાદિત સમય સુધી જ ટકી શકે છે. અંતે, હકીકતો હંમેશા બહાર આવે છે!” ઉલ્લેખનીય છે કે ગોધરા કાંડ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને