The Gujarat High Court remark regarding the ACR of authorities  employees

અમદાવાદઃ ગુજરાત(Gujarat)હાઇકોર્ટમાં રૂટીન ન્યાયિક પ્રક્રિયામાં અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષા પણ અધિકૃત રીતે અમલી બનાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે. આ દરમિયાન મારો ન્યાય મારી ભાષામાંના મુદ્દે અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ નિર્ણય લેવામાં આવ્યા હતા.

વિશ્વ માતૃભાષા દિવસે કાર્યક્રમો યોજવાનું આયોજન

આ અંગે સિનિયર એડવોકેટ અસીમ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ઉચ્ચ ન્યાયાલય ભાષા સમિતિની રચના કરાશે. આ સમિતિમાં વિવિધ જિલ્લાના એક-એક પ્રતિનિધિનો સમાવેશ કરીને ગુજરાતી ભાષાને વડી અદાલતમાં અધિકૃત ભાષા તરીકે સ્વીકૃતિ મળે તે માટેની નીતિ ઘડાશે અને 21મી ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિવસે અને પછી ગુજરાત સ્થાપના દિન પહેલી મેના રોજ એ કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયું છે.

અસીમ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાતની વડી અદાલતમાં ગુજરાતી ભાષાની સ્વીકૃતિ મેળવવા વડાપ્રધાન, કાયદામંત્રી, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યપ્રધાનને આ મુદ્દા બાબતે વિગતવાર રજૂઆત કરાશે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગૂજરાત વિદ્યાપીઠ, તાબાની અદાલતના વકીલ મંડળો વગેરે સંસ્થાઓને આ ઝુંબેશમાં જોડીને તેમનું સમર્થન આપતાં ઠરાવો મેળવાશે.

વર્ષ 2012માં રાજય સરકારે સ્વીકારી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સને 1977 અને 1991માં સરકાર દ્વારા રચાયેલી ગુજરાતી ભાષા સમીક્ષા સમિતિએ પણ રાજય સરકારને ગુજરાત હાઇકોર્ટમાં માતૃભાષા ગુજરાતી ભાષાનો ઉપયોગ તબક્કાવાર વધારવાની રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મેળવવા અંગે સ્પષ્ટ ભલામણ કરી હતી. સમિતિની આ ભલામણ વર્ષ 2012માં રાજય સરકારે સ્વીકારી હતી. જો કે, વર્ષ 2016માં સુપ્રીમકોર્ટે હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને વધારાની ભાષા લાગુ કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.

ગુજરાત બાર કાઉન્સીલે પણ આ વાતને ટેકો આપ્યો

આ જ પ્રકારે તા.8-9-2022ના રોજ ખુદ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પૂર્વ પ્રમુખે પણ હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાની સત્તાવાર અમલવારી માટે રાજયપાલને પત્ર લખ્યો હતો. બંધારણીય જોગવાઇ મુજબ, ભાષાના ઉપયોગ મુદ્દે સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટની કોઇ ભૂમિકા જ નથી. ખુદ ગુજરાત બાર કાઉન્સીલે પણ આ વાતને ટેકો આપ્યો હતો. જો કે હવે ફરી એક વખત હાઇકોર્ટમાં માતૃભાષા ગુજરાતીને અધિકૃત રીતે અમલી બનાવવાની માગ બુલંદ બની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને