IND vs AUS trial  bid    probable playing 11 of squad  India for Perth Test

પર્થ: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 5 ટેસ્ટ મેચની સિરીઝ ‘બોર્ડર ગાવસ્કર ટ્રોફી’ (BGT) રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ તૈયારીઓ કરી રહી છે. ભારત માટે આ ટેસ્ટ સિરીઝમાં સારું પ્રદર્શન કરવું અત્યંત જરૂરી છે, કેપ્ટન રોહિત શર્મા પારિવારિક કારણોસર હજુ પણ ભારતમાં છે, તે પ્રથમ મેચમાં ભાગ લેશે કે કેમ એ હજુ નક્કી નથી. એવામાં ભારત સામે વધુને વધુ પડકારો ઉભા થઇ રહ્યા છે, ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે.

ટેસ્ટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા હાલમાં બીજા બાળકનો પિતા બન્યો છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે પર્થમાં પ્રથમ ટેસ્ટ નહીં રમે, તો બીજી તરફ કેટલાક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત આ મેચમાં રમશે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બર (શુક્રવાર)થી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. પર્થ ટેસ્ટમાં શુભમન ગિલના રમવાની શક્યતાઓ નહિવત છે, કારણ કે તેના અંગૂઠામાં ફ્રેક્ચર છે. હવે એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટમાં રમી શકશે.

આ ખેલાડીઓ ઈજાગ્રસ્ત:
કેએલ રાહુલ ઈન્ડિયા-A સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણના બોલથી ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ હવે રાહુલ વિશે અહેવાલ મળી રહ્યા છે કે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી શકે છે.

રાહુલ પહેલા સરફરાઝ ખાન પણ ઈજાગ્રસ્ત થયો હતો. સરફરાઝને પ્રેક્ટિસ દરમિયાન કોણીમાં ઈજા થઈ હતી. એક વીડિયોમાં સરફરાઝ પોતાની કોણી પકડીને બહાર જતો જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સરફરાઝે એક મેચમાં 150 રનની ઇનિંગ રમી હતી. તેની ઈજા ટીમ માટે મોટો ફટકો બની શકે છે. જોકે આશા છે કે રાહુલની જેમ સરફરાઝ પણ પર્થ ટેસ્ટ માટે ફિટ થઈ જશે.

બીજી તરફ વિરાટ કોહલીને અંગે પણ ચિંતાજનક સમાચાર છે. પ્રેક્ટિસ મેચ પહેલા કોહલીને કેટલાક સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો, જો કે કોહલીએ સ્પષ્ટતા કરી હતી કે તે સંપૂર્ણપણે ફિટ છે.

ધ્રુવ જુરેલ ટીમમાં સામેલ હશે:
વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે ઓસ્ટ્રેલિયા A સામેની મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રામાયેલી મેચની બે ઇનિંગ્સમાં 80 અને 68 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ ધ્રુવને ટીમમાં સામેલ કરવાની સલાહ આપી હતી.

બોલિંગ વિભાગમાં ઓપ્શન્સ:
પર્થ ટેસ્ટમાં નીતિશ રેડ્ડીનું ડેબ્યૂ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, નીતિશ બુમરાહ, સિરાજ અને આકાશ દીપ સિવાય ટીમમાં ચોથો બોલિંગ ઓપ્શન બની શકે છે. સ્પિનર તરીકે રવિન્દ્ર જાડેજાને અશ્વિન કરતાં વધુ પ્રાધાન્ય મળે તેવી શક્યતા છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર વોશિંગ્ટન સુંદરને ટીમમાં તક મળી શકે છે.

Also Read – ફાઇનલ થઈ ગયું, રોહિત પ્રથમ ટેસ્ટમાં નહીં રમેઃ ટીમ વિશેના ફેરફારોનું લેટેસ્ટ જાણી લો…

પર્થ ટેસ્ટ માટે ભારતના સંભવિત પ્લેઇંગ 11:
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા/વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને