મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારે IPS અધિકારી રશ્મિ શુક્લાને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) અને પોલીસ દળના વડાં તરીકે પુનઃસ્થાપિત કર્યા છે. આ પહેલા 4 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય ચૂંટણી પંચ (ECI)એ તેમની બદલી કરી હતી. ચૂંટણી પંચે આ પગલું કોંગ્રેસ અને MVAના અન્ય નેતાઓની પ્રચારમાં ગેરરીતિઓ અંગેની ફરિયાદો બાદ ઉઠાવ્યું હતું.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ રશ્મિ શુક્લાને ભાજપની નજીક ગણાવીને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપે ચૂંટણી લાભ માટે રશ્મિ શુક્લાને આ પદ પર નિયુક્ત કર્યા છે.
ત્યાર બાદ શુક્લાને 4 નવેમ્બરે ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવ્યા હતા, જ્યારે તેમના સ્થાને વરિષ્ઠ IPS અધિકારી સંજય કુમાર વર્માને કાર્યકારી DGP નિયુક્ત કરવામાં આવ્યા હતા. રશ્મિની ટ્રાન્સફર અંગે પ્રતિક્રિયા આપતા શરદ પવારે કહ્યું હતું કે ચૂંટણી પંચે યોગ્ય નિર્ણય લીધો છે. અમે તેમના આ નિર્ણયને આવકારીએ છીએ.
Also Read – આજે મુંબઈ હુમલાની વરસી, 26/11નો કાળો દિવસ ભૂલી શકાય તેમ નથી
વરિષ્ઠ IPS અધિકારી રશ્મિ શુક્લા મહારાષ્ટ્રની પ્રથમ મહિલા DGP છે. રશ્મિ, 1988 બેચના મહારાષ્ટ્ર કેડરના અધિકારી છે. તેઓ સશસ્ત્ર સીમા બલના મહાનિર્દેશક તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
આ સિવાય રશ્મિ શુક્લાએ 22 વર્ષની ઉંમરમાં IPS બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમની નિવૃત્તિ આ વર્ષે જૂનમાં નક્કી કરવામાં આવી હતી, પરંતુ સરકારે તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો.
રશ્મિ શુક્લા મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળ દરમિયાન મહારાષ્ટ્રના ગુપ્તચર વિભાગના વડા હતા. તેમના પર વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરવા સહિત ઘણા આરોપો લાગ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને