નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને AAP નેતા અરવિંદ કેજરીવાલ ફરી એકવાર મુશ્કેલીમાં ફસાઈ શકે છે. CVC (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન)એ CPWDને કેજરીવાલના ‘શીશ મહેલ’માં ગેરકાયદે બાંધકામની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
ફ્લેગસ્ટાફ રોડ પર આવેલા આ બંગલામાં અરવિંદ કેજરીવાલ 9 વર્ષ સુધી દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે રહ્યા હતા. ભાજપ તેને શીશમહેલ કહે છે અને તપાસની માંગ કરી રહી છે.
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે CVCએ સીએમ આવાસમાં ગેરકાયદે બાંધકામ અને નાણાકીય ગેરરીતિઓની તપાસની તેમની માગ સ્વીકારી લીધી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
ગુપ્તાએ આક્ષેપ કર્યો હતો કે અહીં તમામ નિયમોની અવગણના કરીને બાંધકામ કરવામાં આવ્યું છે. આ અંગેની મંજૂરી પણ લેવામાં આવી ન હતી. આ જાહેર નાણાંનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો મામલો છે. આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ. ગુપ્તાએ કહ્યું કે તેમની ફરિયાદ પર સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરે હવે CPWD પાસેથી તપાસ રિપોર્ટ માંગ્યો છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા AAPએ જણાવ્યું હતું કે, ભાજપ ઇચ્છે તેટલી તપાસ કરી શકે છે. પાર્ટી અને તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પ્રમાણિક છે. તેથી જ કેજરીવાલ દેશના સૌથી લોકપ્રિય ચૂંટાયેલા મુખ્ય પ્રધાન સાબિત થયા છે.
ભાજપે પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ, મંત્રીઓ અને વિધાન સભ્યોને નિશાન બનાવીને AAP સરકાર સામે ઘણી તપાસ શરૂ કરી હતી, પરંતુ ‘એક રૂપિયાની ઉચાપતનો પણ પર્દાફાશ થઈ શક્યો નથી. આ અમારી અતૂટ પ્રામાણિકતાનો સૌથી મજબૂત પુરાવો છે. ભાજપે નકારાત્મક રાજકારણમાં ડૂબી જવાને બદલે લોકોની સમસ્યાઓ સમજવા પર અને તેના યોગ્ય ઉકેલ પર ધ્યાન આપવું જોઇએ.