Notorious gangster Bhima Dula of Porbandar arrested by police, seized Rs 50 lakh and deadly weapons

અમદાવાદ : પોરબંદરના(Porbandar) કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા બોરીચક ગામે મોટુ ઓપરેશન પાર પાડતા ભીમા દુલાની વાડીમાંથી 50 લાખ રોકડ અને ઘાતક હથિયારો સાથે ભીમા દુલા સહિત અન્ય ત્રણ શખ્સોની પણ અટકાયત કરી હતી. પોરબંદર નજીકના બોરિચા ગામે કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જે મામલે અજાણ્યા ત્રણ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

વાડીમાંથી રૂપિયા 50 લાખ રોકડા અને ઘાતક હથિયારો મળ્યા

કુખ્યાત ગેંગસ્ટર અને અનેક ગુનામાં સંડોવાયેલા પોરબંદરના નામચીન ભીમા દુલા ઓડેદરાના બોરીચક ગામે પોલીસે ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યુ હતુ. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટા પોલીસ કાફલા સાથે પોલીસે ઓપરેશન પાર પાડ્યુ હતુ. આરોપી ભીમા દુલાને ઝડપવા ગયેલી પોલીસને તેની વાડીમાંથી પોલીસને રૂપિયા 50 લાખ રોકડા અને ઘાતક હથિયારો મળ્યા છે. રોકડ અને હથિયારો જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભીમા દુલા ઓડેદરા સહિત ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

ભીમા દુલા સામે પોલીસ ચોપડે હત્યા સહિતના અનેક ગુન્હા નોંધાયા

ગેંગસ્ટર ભીમા દુલા એ રાણાવાવ-કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસન દુલા ઓડેદરાનો મોટો ભાઈ થાય છે. ભૂતકાળમાં તેણે આદિત્યાણા ગામે સંધી પિતા-પુત્રની હત્યા કરી હતી. અર્જુન મોઢવાડીયાના ચુસ્ત ટેકેદાર ગણાતા મુળું મોઢવાડીયાની પણ વર્ષ 2005માં ગોળી મારી હત્યા કરી હતી. ભીમા દુલા અને તેમના સાથીઓએ આદિત્યાણા ગકામના ઈસ્માઈલ ઉર્ફે ટીટી અને તેના પુત્રની ભરબજારમાં સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી.

આજીવન કેદની સજા ફટકારી હતી

હત્યા પાછળનું કારણ એવુ હતુ કે આદિત્યાણા ગામે પાઈપ લાઈનનું કામ ચાલતુ હતુ. આ કામમાં ભીમા દુલાના બનેવી છગન કરશનની મશીનરી આ લાઈનના કામમાં ચાલુ હતી. ત્યારે ઈસ્માઈલ ટીટીવી ઓફિસ નજીક આ કામ નબળુ થતુ હોવાથી તેણે કામ બંધ કરાવ્યુ હતુ. તેનો વિવાદ થતા તે જ સમયે ભીમા દુલા અને તેના માણસોએ ઈસ્માઈલ ટીટી અને તેના પુત્રની હત્યા કરી હતી. 2004માં કરાયેલી આ હત્યાનો ગુજરાત હાઈકોર્ટમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.