મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)એક તરફ દિવાળી બાદ તેજીને બ્રેક લાગી છે. ત્યારે એક શેરના ભાવમાં આજે 14,000 રૂપિયાનો વધારો નોંધાયો છે. જેમાં હાલ શેરબજારમાં એલસીડ ઈન્વેસ્ટમેન્ટ્સની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ કંપનીના શેર સતત અપર સર્કિટ લગાવી રહ્યા છે. મંગળવારે પણ ટ્રેડિંગ દરમિયાન એલસીડ ઈન્વેસ્ટમેન્ટ્સના શેરમાં 5 ટકા એટલે કે રૂપિયા 14,000 નો વધારો થયો હતો.
દેશનો સૌથી મોંઘો સ્ટોક બની ગયો
આજે આ શેર 2,87,163.25 રૂપિયાની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો છે. અગાઉ સોમવારે પણ કંપનીનો શેર 5ટકાની અપર સર્કિટ સાથે રૂપિયા 2,73,488.85 પર બંધ થયો હતો. આ સાથે, MRF લિમિટેડને પાછળ છોડીને, એલસીડ ઈન્વેસ્ટમેન્ટ્સ દેશનો સૌથી મોંઘો સ્ટોક બની ગયો. MRF લિમિટેડનો શેર આજે 2 ટકા ઘટીને રૂપિયા 1,18,660 પર ટ્રેડ થઈ રહ્યો છે.
કંપની ગયા અઠવાડિયે અચાનક ચર્ચામાં આવી હતી
ગયા અઠવાડિયે 29 ઓક્ટોબરે BSE દ્વારા હોલ્ડિંગ કંપનીઓની કિંમતને લઈને સ્પેશિયલ કોલ ઓક્શન કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, રોકાણકારો કોઈપણ પ્રાઇસ બેન્ડ વિના ખરીદી અથવા વેચાણનો ઓર્ડર આપી શકે છે. આ હરાજી સત્રમાં એલસીડના શેરની કિંમત 2.25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. એલસીડડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડના શેર મંગળવારે, 29 ઓક્ટોબરના રોજ BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ફરીથી સૂચિબદ્ધ થયા હતા. શેરની લિસ્ટિંગ કિંમત 2.25 લાખ રૂપિયા હતી. પરંતુ ટ્રેડિંગ દરમિયાન તે 5 ટકા વધીને 2,36,250 રૂપિયા થઈ ગઈ. આ વર્ષે જુલાઈમાં આ શેર માત્ર 3.21 રૂપિયાની કિંમતનો પેની સ્ટોક હતો. ત્યારથી તેના શેરનું ટ્રેડિંગ બંધ થઈ ગયું હતું.
રૂપિયા 1,61,023ની મૂળ કિંમતે શેરને ડિલિસ્ટ કરવાની ઓફર
જ્યારે 21 ઓક્ટોબરના BSEના પરિપત્ર અનુસાર, પસંદગીની રોકાણ હોલ્ડિંગ કંપનીઓ (IHCs)ને ફરીથી સૂચિબદ્ધ કરવામાં આવી છે. એલસીડ ઈન્વેસ્ટમેન્ટ્સ તે કંપનીઓમાંની એક હતી. અગાઉ, એલસીડ ઈન્વેસ્ટમેન્ટ્સના પ્રમોટર્સે સ્વૈચ્છિક રીતે શેર દીઠ રૂપિયા 1,61,023ની મૂળ કિંમતે શેરને ડિલિસ્ટ કરવાની ઓફર કરી હતી. આ માટે ખાસ દરખાસ્ત કરવામાં આવી હતી. અન્ય કંપનીઓમાં નલવા સન્સ ઈન્વેસ્ટમેન્ટ્સ, ટીવીએસ હોલ્ડિંગ્સ, કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ કંપની, એસઆઈએલ ઈન્વેસ્ટમેન્ટ્સ, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, જીએફએલ, હરિયાણા કેપફિન અને પિલાની ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન જેવા નામોનો સમાવેશ થાય છે.
Also Read – Stock Market : શેરબજારની આજે પણ ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સમાં 240 પોઇન્ટનું ગાબડું
કંપની અંગે માહિતી
એલસીડ ઈન્વેસ્ટમેન્ટ્સ એ ઈન્વેસ્ટમેન્ટ કંપની કેટેગરી હેઠળ આરબીઆઈમાં નોંધાયેલ એનબીએફસી છે. કંપની પાસે હાલમાં પોતાનો કોઈ ઓપરેટિંગ બિઝનેસ નથી પરંતુ અન્ય મોટી કંપનીઓ જેવી કે એશિયન પેઇન્ટ વગેરેમા
નોંધપાત્ર રોકાણ છે. એલસીડ ઇન્વેસ્ટમેન્ટ એશિયન પેઇન્ટ્સ લિમિટેડમાં 2,83,13,860 ઇક્વિટી શેર અથવા 2.95 ટકા હિસ્સો ધરાવે છે.જેની કિંમત તેના છેલ્લા બંધ સમયે આશરે રૂપિયા 8,500 કરોડ છે.
નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ અંગે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.