સવાઇ માધોપોર: એકતરફ પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત ભારતમાં વાઘની સંખ્યામાં ઘણો વધારો થયો છે અને છેલ્લી વસ્તીગણતરી અનુસાર વાઘની સંખ્યા 3682 જેટલી નોંધાઈ છે. દેશમાં વાઘની સંખ્યામાં વધારાના સમાચારની સાથે જ રાજસ્થાનમાં એક વર્ષમાં 25 વાઘો ગાયબ થયાના અહેવાલોએ ચિંતા વધારી છે. વન વિભાગના વાઘ મોનિટરિંગ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા એક વર્ષથી રણથંભોરમાં 75માંથી 25 વાઘના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર વન વિભાગના વાઘ મોનિટરિંગ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા એક વર્ષથી રણથંભોરમાં 75માંથી 25 વાઘના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. એટલે કે આ વાઘ એક વર્ષથી ગુમ છે, તેઓને ટ્રેક કરી શકાયા નથી. અહેવાલમાં વાઘ ગુમ થયાના ઘટસ્ફોટ બાદ હંગામો મચી ગયો છે અને રણથંભોરના મુખ્ય મુખ્ય વન સંરક્ષક પીકે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રણથંભોરના ગુમ થયેલા વાઘના સંબંધમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા નીમવામા આવેલી આ કમિટી ગુમ થયેલા વાઘ અંગે તપાસ કરીને પોતાનો રિપોર્ટ સોંપશે. ત્રણ સભ્યોની આ સમિતિમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક રાજેશ કુમાર ગુપ્તા અધ્યક્ષ રહેશે અને ડો. ટી મોહનરાજ, વન સંરક્ષક જયપુ માનસ સિંહ, નાયબ વન સંરક્ષક ભરતપુરને સદસ્યો તરીકે સમાવેશ થાય છે. સવાઈ માધોપુરમાં વાઘ ગાયબ થવા પાછળના કારણો શું છે તેના વિષે આ સમિતિ તપાસ કરશે.
આ પણ વાંચો :Owl Smuggling : દિવાળીમાં ઘુવડ પર કેમ બાજ નજર રાખવી પડે છે વન વિભાગે, જાણશો તો ચોંકી જશો
આ કમિટી વાઘની દેખરેખ માટેના તમામ રેકોર્ડની સમીક્ષા કરશે અને અંતે તેનો અહેવાલ સુપરત કરશે. આ ઉપરાંત કમિટી જો કોઈ અધિકારી કે કર્મચારીની બેદરકારી જણાશે તો તેની સામે પગલાં લેવામાં આવશે. આખી સિસ્ટમમાં જો કોઈ ખામી જણાશે તો તેને દૂર કરવા માટે પણ સમિતિ પોતાના સૂચનો પણ રિપોર્ટમાં સામેલ કરશે. કમિટી જરૂર પડ્યે નિષ્ણાતોનો અભિપ્રાય લઈ શકશે. કમિટીને 2 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.