Akshay Kumar discussing movie  failures and OTT platforms

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

અક્ષય કુમારની ફિલ્મ કારકિર્દીમાં વિવિધ શૈલીની ફિલ્મો જોવા મળી છે. કોઈ ઢાંચામાં ફિટ નથી રહ્યો. એક્શન, ડ્રામા, રોમેન્સ, કોમેડી, બાયોપિક અને હા, દેશભક્તિ ફિલ્મો. ‘સોલ્જર’, ‘હોલીડે’, ‘કેસરી’, ‘એરલિફ્ટ’, ‘મિશન મંગલ’, ‘બેબી’, ‘ગોલ્ડ’, ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’ વગેરે અને હવે એમાં ‘સ્કાયફોર્સ’નો ઉમેરો થયો છે.

આ બધા વચ્ચે, છેલ્લાં કેટલાક સમયથી અક્ષય પર ટીકાઓનો વરસાદ વરસી રહ્યો છે અને એમાંની એક ટીકા છે દેશભક્તિ ફિલ્મોના રોલ સ્વીકારવાનો. અક્ષય આ ટીકા સાથે જરાય સહમત નથી. એ જણાવે છે કે ‘હું બહુ જ નસીબદાર છું, ઈશ્વરની મારા પર અસીમ કૃપા રહી છે કે મને ભગવાન શ્રીકૃષ્ણ અને શંકર ભગવાનને રૂપેરી પડદા પર સાકાર કરવાનો મોકો મળ્યો છે. બીજું શું જોઈએ? લોકો તો બોલ્યા કરે કે ‘આપ દેશભક્તિ કી ફિલ્મ ક્યોં કરતે હો?’ આવું પૂછનારને હું સામો સવાલ કરું છું કે કેમ ન કરું?’ વાત સાચી છે, કારણ કે અક્ષયની આ અવતારની ફિલ્મોને દર્શકોએ સારો આવકાર
આપ્યો છે.

દેશભક્તિ ફિલ્મો સાથે અક્ષયનો નાતો બાળપણમાં જ જોડાઈ ગયો હતો. 1971ના ભારત – પાકિસ્તાન યુદ્ધ વખતે અક્ષય
ફક્ત ચાર વર્ષનો હતો. બાળપણના દિવસોનું સ્મરણ કરી એક્ટર જણાવે છે કે ‘સાયરન વાગતી એ મને બરાબર યાદ રહી ગયું છે. આકાશમાં વિમાનોની ઘરઘરાટી સંભળાય અને સાયરન વાગે એટલે અમને ટેબલ નીચે કે પલંગ નીચે સંતાઈ જવા માટે કહેવામાં આવતું.’

આમ નાની ઉંમરમાં જ યુદ્ધનો રોમાંચ બાળક અક્ષયે અનુભવ્યો અને એટલે જ જ્યારે દેશભક્તિની ફિલ્મોમાં મોકો મળ્યો ત્યારે એનો ઉત્સાહ અનેકગણો વધી ગયો. અક્ષયને દેશભક્તિની ફિલ્મો જોવામાં આનંદ આવતો અને એ ગર્વ પણ અનુભવતો હતો.

‘તારી ફેવરિટ દેશભક્તિની ફિલ્મ કઈ?’ એવો સવાલ કરવામાં આવતા એણે ચેતન આનંદ દિગ્દર્શિત 1973ની ‘હિન્દુસ્તાન કી કસમ’નો ઉલ્લેખ કર્યો હતો. ફિલ્મમાં એક બહુ જ પ્યારભર્યું ગીત (હર તરફ અબ યહી અફસાને હૈં) હતું એ પણ અક્ષયને બરાબર યાદ રહી ગયું છે.

સફળતા સતત હાથતાળી આપી રહી હોવા છતાં અક્ષય કુમાર નિરાશ નથી થયો- હતાશા એને નથી ઘેરી વળી. દરેક ફિલ્મ શિસ્તબદ્ધ રીતે નિષ્ઠા અને એકાગ્રતાથી કરવી એ એનો કાર્યમંત્ર છે. લગાતાર ફ્લોપ ફિલ્મો પછી પણ 57 વર્ષના અક્ષયને સાઈન કરવા ફિલ્મ મેકરો ઉત્સુક છે એના પરથી એના પરફોર્મન્સમાં રહેલી શ્રદ્ધા નથી ડગમગી એમ કહી શકાય. ટૂંકમાં ફિલ્મો ફ્લોપ જવા પાછળ અક્ષય જવાબદાર નથી એવું તારણ નીકળે છે. ફિલ્મના વિષયની પસંદગીમાં, એની માવજતમાં કે પછી અન્ય કોઈ કારણ નિષ્ફળતા માટે હોવાનું માનવામાં આવે છે.

એમાં વળી ફિલ્મો ફ્લોપ થવા માટે અક્ષયે એકદમ અલાયદું કારણ આપ્યું છે. આના માટે એક્ટર ઓટીટી પ્લેટફોર્મને જવાબદાર માને છે. આ દલીલના સમર્થનમાં અક્ષય કહે છે કે ‘હું ફિલ્મ ઈન્ડસ્ટ્રી સિવાયના લોકો સાથે પણ સંપર્કમાં રહું છું. મારી ફિલ્મો વિશે તેમજ એકંદરે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એમનો અભિપ્રાય જાણવાની, એને સમજવાની કોશિશ કરતો રહું છું. રિલીઝ થાય ત્યારે અમુક ફિલ્મ કે તમુક ફિલ્મ તમે જોઈ કે નહીં એવા મારા પ્રશ્નનો અનેક લોકોએ ઉત્તર આપ્યો કે અમે ઓટીટી પર આવશે ત્યારે જોઈ લેશું. તો વાત એમ છે કે ફિલ્મો ફ્લોપ થવા માટે ઓટીટી
પ્લેટફોર્મ જવાબદાર છે. આપણે એ વાત સ્વીકારી લેવી જોઈએ કે કોવિડ મહામારી પછી મનોરંજન મેળવવા માટેના દર્શકના અભિગમમાં બદલાવ આવ્યો છે. લોકોને ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સિરીઝ જોવાની આદત પડી ગઈ છે અને હજી સુધી છૂટી નથી.’

અક્ષય કુમારની દલીલ સાથે કોઈ સહમત થશે તો કોઈ અસહમત, પણ આ દલીલની અવગણના કરી શકાય એમ નથી. અક્ષય માટે એક સારી વાત એ બની છે કે એના પ્રિય દિગ્દર્શક પ્રિયદર્શન સાથે એ 14 વર્ષ પછી કામ કરી રહ્યો છે. બંનેની છેલ્લી સંયુક્ત ફિલ્મ હતી ‘ખટ્ટા મીઠા’ જે 2010માં આવી હતી. એથીય વધુ મહત્ત્વની વાત એ છે કે એક્શન હીરોનો સ્ટેમ્પ ધરાવતો અક્ષય કુમાર કોમેડી ફિલ્મમાં પણ દીપી ઊઠે એ પ્રિયદર્શનની ‘હેરાફેરી’ (2000)થી સિદ્ધ થયું. આમ અક્ષય પ્રિયન સરનો ઋણી છે. એમની સાથેની નવી ફિલ્મ ‘ભૂત બંગલા’ આ વર્ષે રિલીઝ થવાની ગણતરી છે અને દેખીતું છે કે અક્ષય આશા – અપેક્ષાનો મહેલ બાંધીને બેઠો હોય. પ્રિયદર્શન સાથે પુનર્મિલનની વાત નીકળતા અક્ષયનું મોં મલકાઈ ઊઠે છે. ‘પ્રિયદર્શન સાથે કામ કરવું એટલે અભિનયની પાઠશાળામાં ફરીથી શીખવા બેસી જવું એવી વાત છે. એમની પાસેથી તો કોમેડી ફિલ્મોમાં કામ કરતા શીખ્યો છું.’ અને હા, વચ્ચેના સમયગાળામાં સોશિયલ સેટઅપની ફિલ્મોને પ્રાધાન્ય આપનારો એક્ટર આજની તારીખમાં ત્રણ કોમેડી ફિલ્મ કરી રહ્યો છે: ‘ભૂત બંગલા’, ‘વેલકમ ટુ જંગલ’ અને ‘હાઉસફુલ 5’.

અક્ષય કુમાર તેમની ફિલ્મોના ફ્લોપ્સ માટે OTT પ્લેટફોર્મને દોષ આપે છે! જાણો કેમ. Keywords: Akshay Kumar, OTT platforms, movie failures, Bollywood trends.‘હેરા ફેરી’ અને ‘ફિર હેરા ફેરી’ પછી બે દાયકા બાદ ત્રીજી ફિલ્મની સત્તાવાર જાહેરાત થઈ છે. ‘હેરાફેરી 3’ પાસે પણ અક્ષયને ખૂબ અપેક્ષા છે, જે સ્વાભાવિક છે. જોકે, પહેલી બે ફિલ્મનું દિગ્દર્શન અનુક્રમે પ્રિયદર્શન અને નીરજ વોરાએ કર્યું હતું. ત્રીજી ફિલ્મમાં સુકાન ફરહાદ સામજી સંભાળી રહ્યા છે. એનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. ‘ભૂલભૂલૈયા’ સિરીઝ સાથે અક્ષયનું નામ ફક્ત પહેલી ફિલ્મ સાથે જ જોડાયેલું રહ્યું છે. 2007માં આવેલી પ્રિયદર્શન દિગ્દર્શિત ‘ભૂલભૂલૈયા’માં અક્ષય હતો, પણ પછી બીજી અને ત્રીજીમાં એના બદલે કાર્તિક આર્યનની હાજરી હતી.

‘આ બંને ફિલ્મમાં કેમ જોવા ન મળ્યો?’ એવા સવાલના જવાબમાં અક્ષયએ નિખાલસપણે હસતા હસતા કહ્યું હતું કે ‘મને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. વાત આટલી જ છે.’ફિલ્મોની પસંદગીમાં અક્ષયનો માપદંડ બદલાયો છે. ‘હવે દર્શકો કઈ ફિલ્મ જોવી ને કઈ નહીં એ વિશે વધુ સજાગ થયા છે એટલે દર્શકોને પૂર્ણ મનોરંજનની સાથે પડદા પર કશુંક અલાયદું, કશુંક હેરત પમાડે એવું જોવા મળે એ પ્રકારની ફિલ્મો સાઈન કરવાને હવે હું પ્રાધાન્ય આપું છે. વર્તમાન સમય અને આજની વિચારસરણી જેવી વાતોનું ફિલ્મોમાં પ્રતિબિંબ પડે એ જરૂરી છે’, અક્ષય કુમાર ઉમેરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને